હાર્દિકે આંદોલનના નામે કરોડો રૂપિયા ભેગા કર્યાં, પાટીદારોના લેટરમાં ઘટસ્ફોટ
પાટીદારો દ્વારા કરવામાં આવેલા અનામતના આંદોલનનો હીરો હાર્દિક પટેલ હવે પોતાના સમાજના આરોપો વચ્ચે ફસાઈ ગયો છે. તેની પર એક લેટરમાં પાટીદાર આંદોલનકારીઓએ ઘટસ્ફોટ કર્યો છે કે હાર્દિકે આંદોલનના નામ પર કરોડો રૂપિયા બનાવ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિની કોર કમિટીના સભ્યો ચિરાગ પટેલ અને કેતન પટેલે હાર્દિક પર ગંભીર આરોપ લગાવ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે એક વર્ષ પહેલાં પાટીદાર સમાજે અનામતનું જે સ્વપ્ન જોયું હતું તેને હાર્દિકે તોડી પાડ્યું છે. હાર્દિકના વલણથી સમાજમાં વિગ્રહની સ્થિતિ સર્જાઇ છે. પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે કોઇ વ્યક્તિ જેલમાં જાય તો તેની આવક બંધ થઇ જાય છે. જ્યારે હાર્દિક જેલમાં રહીને કરોડપતિ થઇ ગયો છે. શહિદોના નામ પર ભેગા કરેલા પૈસામાંથી હાર્દિક અને તેના કાકાએ વૈભવી ગાડીઓ ખરીદી છે. પાટીદાર સમાજની એક્તા, આંદોલન અને હાર્દિક જેવા ટોચના નેતાઓની વિશ્વસનીયતા પર ઉઠેલા સવાલોને લગતો આ પત્ર હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. ઊંજાધામમાં બનેલી ઘટનાને પગલે ખુલ્લેઆમ પાટીદારોમાં ભાગલા પડી ગયા છે. નેતા બનવાની મહત્વકાંક્ષા અને હાર્દિકના ખોટા નિર્ણયનું પરિણામ આજે સમાજ ભોગવી રહ્યું હોવાનો આરોપ કેતને અને ચિરાગે હાર્દિક પર લગાવ્યો છે. પત્ર દ્વારા કેતન અને ચિરાગ પટેલે હાર્દિકને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે બસ હવે બહુ થયું. સમાજ અને રાષ્ટ્રનિર્માણની વાતો કરનાર હાર્દિકે માત્ર ઘરનું જ નિર્માણ કર્યું છે અને સમાજમાં વર્ગવિગ્રહની પરિસ્થિત સર્જાઇ છે. ત્યારે હાર્દિકને હવે અહીંથી જ અટકી જવા ચેતવણી આપી છે.