Paris Olympics 2024: વિનેશ ફોગાટે રચ્યો ઇતિહાસ, ફાઇનલમાં પહોંચીને સિલ્વર મેડલ કર્યો પાક્કો

મંગળવાર, 6 ઑગસ્ટ 2024 (22:47 IST)
Vinesh Phogat In Final - ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં ઈતિહાસ રચ્યો છે. વિનેશે 50 કિલો  ફ્રી સ્ટાઇલ રેસલિંગની સેમિફાઇનલમાં ક્યુબાની  પહેલવાન ગુઝમાંન લોપેઝને 5-0થી હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવી લીધુ છે.   આ ઐતિહાસિક જીત સાથે વિનેશનો સિલ્વર મેડલ નિશ્ચિત થઈ ગયો છે. આ રીતે વિનેશ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી બીજી મહિલા રેસલર બની ગઈ છે. આ પહેલા સાક્ષી મલિકે મહિલા કુશ્તીમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો વિનેશ ફાઈનલ જીતવામાં સફળ થશે તો તે ઓલિમ્પિકના ઈતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ મહિલા રેસલર જ નહિ પરંતુ તે પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ પણ બની જશે. જો વિનેશ ફાઇનલમાં હારી જાય તો પણ તેને સિલ્વર મેડલ મળવો પાક્કો છે. 


પેરિસ ઓલિમ્પિક પહેલા વિનેશ પાસે ઓલિમ્પિક સિવાય દરેક મોટા મેડલ હતા. જેમાં કોમનવેલ્થ ગેમ્સમાંથી ગોલ્ડ, એશિયન ગેમ્સમાંથી ટાઇટલ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બે બ્રોન્ઝ અને એશિયન ચેમ્પિયનશિપના આઠ મેડલનો સમાવેશ થાય છે. જોકે, તે રિયો અને ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતી શકી નહોતી.પરંતુ તેણે પેરિસ ઓલિમ્પિકમાં કમાલ કરી અને મેડલ પાક્કો કરી લીધો છે. 

જાપાન અને યુક્રેનના કુસ્તીબાજોને હારનો સામનો કરવો પડ્યો
અગાઉ, વિનેશ ફોગાટે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના ધાકડ રેસલર યુઇ સુસાકીને હરાવીને ઓલિમ્પિક ગેમ્સમાં મોટો અપસેટ સર્જ્યો હતો અને પછી યુક્રેનની ઓક્સાના લિવાચને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન બનાવી લીધું હતું.  ટોક્યો ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા અને ચાર વખતની વિશ્વ ચેમ્પિયન સુસાકીએ અગાઉ તેણીની આંતરરાષ્ટ્રીય કરિયરમાં રમાયેલી 82 મેચોમાંથી એકપણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો નથી. પરંતુ વિનેશનો મુકાબલો થતાંની સાથે જ મેચ છેલ્લી થોડી સેકન્ડોમાં મેચનું પાસું પલટાઈ ગયું અને ભારતીય કુસ્તીબાજે 3-2ની શાનદાર જીત નોંધાવી. ત્યારબાદ વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં ભૂતપૂર્વ યુરોપિયન ચેમ્પિયન અને 2018 વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા લિવાચને 7-5 થી હરાવી. 29 વર્ષની વિનેશ, તેની ત્રીજી ઓલિમ્પિક રમી રહી છે, તે હવે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલથી માત્ર એક જીત દૂર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર