કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગેહલોતે ખરડાને રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બિલ ગઇકાલે લોકસભામાં પસાર થયું હતું. લોકસભામાં ફક્ત ત્રણ સભ્યોએ જ બિલનો વિરોધ કર્યો હતો. આ બિલ પર ચર્ચા દરમિયાન કોગ્રેસ સાંસદ સિબ્બલે કહ્યું હતું કે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમુદાયને અનામત છે પરંતુ જ્યારે આર્થિક રીતે કમજોર વર્ગને અનામત આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ બિલમાં 5-10 હજાર રૂપિયા કમાવનાર દલિત પરિવાર કમજોર વર્ગનો નથી પરંતુ આઠ લાખ રૂપિયા કમાવનાર નબળા વર્ગના છે. સિબ્બલે કહ્યું કે, આ બિલ સુપ્રીમ કોર્ટના નવ જજોની પીઠના વિરુદ્ધમાં છે. એટલા માટે બંધારણમાં સંશોધન કરી શકાય નહીં.
કેન્દ્રિય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, આ બંધારણના મૂળભૂત અધિકારમાં પરિવર્તન છે. આ કાયદો ફક્ત કેન્દ્ર જ નહીં પરંતુ રાજ્યોની નોકરીઓમાં પણ લાગુ થશે. આજે સંસદ ઇતિહાસનું સર્જન કરશે. ખરડામાં વિલંબના આરોપોનો જવાબ આપતાં પ્રસાદે જણાવ્યું હતું કે, ક્રિકેટમાં સિક્સર સ્લોગ ઓવરમાં જ વાગે છે. આ પહેલી સિક્સર નથી, હજુ વિકાસ અને બદલાવ માટે વધુ સિક્સર વાગવાની છે.
જોકે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે બાથ ભીડવા એકજૂથ દેખાવાના પ્રયાસો કરતા વિપક્ષમાં રહેલા મતભેદો રાજ્યસભામાં સપાટી પર આવી ગયા હતા. ગરીબ સવર્ણ અનામત ખરડાને સિલેક્ટ સમિતિની ચકાસણી માટે મોકલવાના મુદ્દે વિપક્ષમાં જ તડાં સામે આવી ગયાં હતાં. કોંગ્રેસ, ડીએમકે, ટીડીપી, રાજદ, જેડીએસ. આપ અને ડાબેરી પક્ષો ખરડાને જેપીસી સમક્ષ મોકલવાની માગ કરી રહ્યા હતા જ્યારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો.