કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ -કાશ્મીરની મુલાકાતના અંતિમ દિવસે પુલવામા પહોંચ્યા હતા. અહીં તેઓ CRPF કેમ્પમાં રાત વિતાવશે. અમિત શાહ હુમલાના સ્થળની મુલાકાત પણ લઈ શકે છે. આ પહેલા ગૃહમંત્રીએ શ્રીનગરમાં ઘાટીના લોકોને સંબોધિત કર્યા હતા. તેમના સંબોધન પહેલાં, શાહે બુલેટ પ્રૂફ શિલ્ડ કાચ હટાવી દીધો હતો
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની જમ્મુ -કાશ્મીરની મુલાકાત સરકારને ધ્યાનમાં રાખીને ખૂબ મહત્વની છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ઘાટીમાં આતંકવાદી હુમલાના કારણે લોકોમાં ભયનું વાતાવરણ છે. જેના પર કેન્દ્રીય ગૃહ મંત્રી સતત લોકોના મનમાંથી ડર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે ઘાટીના પ્રવાસના ત્રીજા દિવસે અમિત શાહ પુલવામામાં CRPF કેમ્પમાં રાત્રિ રોકાણ કરી શકે છે. તે અહીં સૈનિકોને મળશે અને તેમનું મનોબળ વધારશે. આ ઉપરાંત એવી પણ માહિતી મળી રહી છે કે શાહ હુમલાના સ્થળની મુલાકાત પણ લઈ શકે છે.
આજે વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા અને લોકોને સંબોધન કર્યું. તેમના સંબોધન દરમિયાન, તેમણે સ્ટેજ પરથી બુલેટ પ્રૂફ ગ્લાસ શિલ્ડ હટાવી દીધું. આ પછી સંબોધનમાં તેમણે ઘાટીના લોકોને કહ્યુ કે તેઓ કાશ્મીરના લોકો સાથે ખુલ્લા મનથી વાત કરવા માંગે છે. તેથી તેમણે બુલેટ પ્રુફ શીલ્ડ હટાવી. પોતાના સંબોધનમાં તેમણે રાજ્ય કક્ષાએ ચાલી રહેલી રાજનીતિ પર પણ નિશાન સાધ્યું હતું. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેઓ પાકિસ્તાન નહીં પણ કાશ્મીરના લોકો સાથે વાત કરશે. ઉલ્લેખનીય છે કે ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે ભારત સરકારે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ.