પેગાસસ જાસૂસીના મામલાને લઈને વિપક્ષ સતત મોદી સરકાર પર આક્ષેપ કરી રહ્યો છે. તેથી, આ સત્ર દરમિયાન સદનમાં ભારે હંગામો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ બુધવારે ગૃહમાંથી તૃણમૂલ કોંગ્રેસના છ સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા, જેઓ પેગાસસ જાસૂસી મુદ્દાને લઈને આસન સમક્ષ બેનરો લઈને હંગામો કરી રહ્યા હતા.
સંસદની કાર્યવાહી દરમિયાન આ સાંસદોએ પ્લેકાર્ડ્સ દર્શાવ્યા હતા અને પેગાસસ જાસૂસી પર ચર્ચા કરવાની માગ સાથે હોબાળો કાર્યો હતો. સ્પીકર વેંકૈયા નાયડુએ તેમને ફરી પોતાની જગ્યા પર જવા સૂચવ્યું હતું, પરંતુ આ સાંસદોએ વિરોધ પ્રદર્શન ચાલુ જ રાખ્યું હતું. ત્યાર બાદ સ્પીકરે તેમની વિરુદ્ધ આ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે સ્પીકરે સદનના નિયમ 255 હેઠળ આ કાર્યવાહી કરી છે. જોકે, સદનની કાર્યવાહી સ્થગિત થયા બાદ ટીએમસીના સાંસદ ડેરેક ઓબ્રાયને ટવીટ કરીને કહ્યું હતું કે હવે વિપક્ષ મોદી-શાહની તાનાશાહી વિરુદ્ધ એકજુટતા બતાવશે.