ર૬ નવેમ્‍બર : નેશનલ મિલ્‍ક ડે- શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગિસ કુરિયનનો જન્‍મદિવસ

શનિવાર, 26 નવેમ્બર 2016 (10:29 IST)
રાજ્યનું ર૦૧પ-૧૬નું દૂધ ઉત્‍પાદન ૧રર લાખ મેટ્રિક ટનથી વધુ
રાજયમાં ૧૭,૮૪૬ ગ્રામ્‍ય દૂધ મંડળીઓમાં ૩૪ લાખથી વધુ સભાસદો
વિશ્વની મૂલ્‍યવાન બ્રાન્‍ડ ‘અમૂલ’ ભારત-વિશ્વને ગુજરાતની અમૂલ્‍ય ભેટ 
 
 
ર૬ નવેમ્‍બર ‘નેશનલ મિલ્‍ક ડે’, એટલે કે શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ.વર્ગિસ કુરિયનનો જન્‍મદિવસ સમગ્ર દેશમાં ‘નેશનલ મિલ્‍ક ડે’ તરીકે મનાવવામાં આવે છે. જોગાનુજોગ આ દિવસે એટલે કે, ર૬ નવેમ્‍બર, ૧૯૪૬ના રોજ બંધારણ સભાએ ભારતના બંધારણનો સ્‍વીકાર કર્યો હતો. આ નિમિત્તે આ દિવસને સમગ્ર દેશમાં બંધારણ-કાયદા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.ભારત દૂધ ઉત્‍પાદન ક્ષેત્રે વિશ્વમાં સૌથી મોટો દૂધ ઉત્‍પાદક-અગ્રેસર દેશ છે. ભારતમાં ડેરી દૂધ ઉદ્યોગ એ સૌથી મોટો ઉદ્યોગ છે. આ ઉદ્યોગ થકી લાખો લોકોને માત્ર રોજગારી જ નહીં પણ દૂધ ઉત્‍પાદકોના પરિવારોને સંપૂર્ણ આહાર પણ મળી રહે છે. ગ્રામિણ ભારતમાં બાળકોના પોષણમાં ડેરી ઉદ્યોગ મોટી ભૂમિકા ભજવે છે.ગુજરાતના આર્થિક તેમજ સામાજિક વિકાસમાં પશુપાલન-ડેરી વિકાસનું આગવું મહત્‍વનું પ્રદાન છે. ખાસ કરીને પશુપાલન કરતા રાજ્યના લાખો કુટુંબો-પરિવારોના આવકનું સાધન ડેરી ઉદ્યોગ છે. ગુજરાત દેશમાં દૂધ ઉત્‍પાદન અને સહકારી ડેરી માળખામાં અગ્રેસર છે. વર્ષ-ર૦૧પ-૧૬ના પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં દૂધ ઉત્‍પાદન ૧રર.૬ર લાખ મેટ્રિક ટનથી વધુ છે. રાજયમાં ૧૮ જિલ્‍લા દૂધ ઉત્‍પાદન સંઘ કાર્યરત છે. આ સહારી માળખા હેઠળ રાજ્યમાં કુલ ૧૭,૮૪૬ ગ્રામ્‍ય દૂધ ઉત્‍પાદન સહકારી મંડળીના ૩૪.૨૧ લાખથી વધુ સભાસદો છે. આ માળખામાં કુલ ૩૮૬૭થી વધુ મહિલા સંચાલિત ગ્રામ્‍ય દૂધ ઉત્‍પાદક સહકારી મંડળીઓ છે જેના ૧૧.ર૧ લાખ મહિલા સભાસદો છે.આ સહકારી ડેરીઓની  દૈનિક દૂધ એકત્રિત કરવાની  ક્ષમતા ૧૬૪.પ૦ લાખ લીટર છે. રાજ્ય સરકાર દ્વારા દૂધ ઉત્‍પાદન વધારવા બલ્‍ક મિલ્‍ક કુલર, ઓટોમેટિક મિલ્‍ક કલેકશન  સિસ્‍ટમ, મિલ્‍ક એડલ્ટરેશન ડીટેકશન મશીન, દૂધ ઘર સ્‍થાપવા, વિદ્યુત સંચાલિત ચાફ કટર મિલ્‍કીંગ મશીન ખરીદી સહાય તેમજ પશુ વિમા સહાય જેવી સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવી છે. ગુજરાત પાસે શ્રેષ્‍ઠ ઓલાદની ગીર અને કાંકરેજી ગાયો ઉપરાંત સુરતી, જાફરાબાદી, મહેસાણી અને બન્નીની ઉત્તમ પશુ ઓલાદની ભેંસો છે. આ પશુ ઓલાદોની કાળજી, સાર-સંભાળ માટે રાજ્ય સરકારે દરવર્ષે કૃષિ મહોત્‍સવની સાથે સાથે હજારો પશુ આરોગ્‍ય કેમ્‍પ યોજીને લાખો પશુઓને વિનામૂલ્‍યે સારવાર આપી છે. ર૦૧પ-૧૬માં રાજ્યભરમાં દસ ગામ દીઠ એક પશુ દવાખાનું સ્‍થાપવાનું આયોજન છે.
 
રાજ્યમાં છેલ્‍લા ૧૦ વર્ષનો ઝોન પ્રમાણે દૂધ ઉત્પાદનનો વધારો આ પ્રમાણે છે.
 
મધ્‍ય ગુજરાતમાં ૧૪પ.૯ર ટકા
ઉત્તર ગુજરાતમાં ૯૮.૭૦ ટકા
કચ્‍છ-સૌરાષ્‍ટ્ર વિસ્‍તારમાં ૬૪.ર૦ ટકા
દક્ષિણ ગુજરાતમાં ૬૮.પ૩  ટકા છે.

વેબદુનિયા પર વાંચો