રેપ થયો કે અફેયર પછી પ્રેગનેટ થઈ ગઈ ? સગીર છોકરીના મોત પર સીએમ મમતા બેનર્જીનુ શરમજનક નિવેદન, TMC નેતા પર આરોપ
સોમવાર, 11 એપ્રિલ 2022 (21:21 IST)
પશ્ચિમ બંગાળના નાદિયામાં 14 વર્ષની બાળકી સાથે બળાત્કારની ઘટના પર સીએમ મમતા બેનર્જીએ સવાલ ઉઠાવ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું- વાર્તા કહેવામાં આવી રહી છે કે એક સગીર બાળકીનું રેપને કારણે મોત થયું, શું તમે તેને રેપ કહો છો? તમે એ જાણવાની કોશિશ કરી કે શુ તે છોકરી ગર્ભવતી હતી કે પછી તેણીનું અફેર ચાલી રહ્યુ હતું? પોલીસે મને કહ્યું છે કે છોકરી અને છોકરાનું અફેર હતું.
ઉલ્લેખનીય છે કે, 5 એપ્રિલે 14 વર્ષની સગીર છોકરીનું મોત થયું હતું. પીડિતાના પરિવારનો આરોપ છે કે તે જન્મદિવસની પાર્ટીમાં ગઈ હતી જ્યાં તેના પર બળાત્કાર કરવામાં આવ્યો અને ત્યારબાદ તેનું મોત થઈ ગયું. પરિવારનું કહેવું છે કે તૃણમૂલ કોંગ્રેસના નેતાના દબાણ હેઠળ બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જબરદસ્તીથી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ જ તૃણમૂલ કોંગ્રેસના નેતા બ્રજ ગોપાલ ગોઆલાના 21 વર્ષીય પુત્ર પર છોકરી પર બળાત્કારનો આરોપ છે.
TMC નેતાના પુત્ર પર બળાત્કારનો આરોપ
ઘટનાના પાંચ દિવસ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ બાબતે સીએમ મમતા બેનર્જીએ કહ્યું- બાળકીનું મૃત્યુ 5 એપ્રિલે થયું હતું પરંતુ પોલીસને તેની જાણ 10 એપ્રિલે થઈ હતી. જો બાળકીનું મૃત્યુ 5મી એપ્રિલે થયું હોય તો યુવતીના પરિવારજનોએ તાત્કાલિક પોલીસ ફરિયાદ કેમ ન નોંધાવી? પરિવારે મૃતદેહનો અગ્નિસંસ્કાર કર્યો તો પોલીસ પુરાવા ક્યાંથી લાવશે?
બંગાળમાં લવ જેહાદ નથી થતો
મમતા બેનર્જીએ કહ્યું- આ પ્રેમ પ્રકરણનો મામલો છે, જેના વિશે પરિવારને પણ જાણ હતી. જો કોઈ પ્રેમમાં હોય તો આપણે તેને કેવી રીતે રોકી શકીએ? યોગી સરકાર પર કટાક્ષ કરતા મમતા બેનર્જીએ કહ્યું કે અમે અહીં લવ જેહાદ નથી કરતા. આ તેમની પોતાની સ્વતંત્રતા છે, પરંતુ જો કંઇક ખોટું થશે તો પોલીસ ગુનેગારોની ધરપકડ કરશે.
ભાજપ પર મામલાને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવતા મમતા બેનર્જીએ કહ્યું- દરરોજ સવારે ભાજપ નક્કી કરે છે કે મીડિયામાં કઈ હેડલાઈન ચાલશે. કેટલી વાર આ લોકોએ તેલની કિંમતો પર કે દિલ્હીના રમખાણો પર કે NRC પર વાત કરી છે?
પિતાએ સંભળાવી આપબીતી
બીજી તરફ પ્રદેશ ભાજપે આ મામલે રાણાઘાટમાં 12 કલાકના બંધનું એલાન આપ્યું હતું. ભાજપના નેતા અર્ચના મઝુમદાર પણ પીડિત પરિવારને મળવા ગયા હતા. મૃતક યુવતીના પિતાના જણાવ્યા અનુસાર 4 એપ્રિલે તેમની પુત્રી સમર ગોઆલાના પુત્રના આમંત્રણ પર તેની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. સાંજે 7:30 વાગ્યાની આસપાસ એક પુરુષ અને બે મહિલાઓ તેમની પુત્રીને પકડીને ઘરે લઈ આવ્યા હતા. ઘરે આવ્યા બાદ પુત્રીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હતું. બીજે દિવસે સવારે તેની તબિયત બગડવા લાગી તેથી અમે ડૉક્ટરને શોધવા ગયા, અમે પાછા આવ્યા ત્યાં સુધીમાં અમારી દીકરી મરી ગઈ હતી. સમર ગોવાલાના દીકરાએ અમારી દીકરી પર બળાત્કાર કર્યો.
મોઢું ખોલશો તો ઘરને આગ લગાડી દઈશુ
પીડિતાની માતાના કહેવા પ્રમાણે, 4 એપ્રિલે સાંજે 4 વાગ્યાની આસપાસ તેઓ મારી પુત્રીને બર્થડે પાર્ટીમાં લઈ ગયા હતા. ત્યાં સમર ગોવાલાના પુત્રએ મારી પુત્રી પર બળાત્કાર કર્યો હતો. મારી દીકરીને મૂકવા આવેલા લોકોએ અમને ધમકી આપી હતી કે જો અમે મોઢું ખોલીશું તો ઘરને આગ લગાવી દઈશું. તે સમયે અમે ડરી ગયા હતા તેથી અમે કંઈ બોલ્યા નહીં પરંતુ હવે અમને ન્યાય જોઈએ છે.