તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ કરુણાનિધિનું મંગળવારે સાંજે 6.10 કલાકે અવસાન થયું હતું. તેઓ 94 વર્ષના હતા. કરૂણાનિધિની તબિયત સોમવારે વધારે કથળી હતી અને હોસ્પિટલ દ્વારા એક બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે આગામી 24 કલાક તેમના માટે મહત્વના છે. તેના પર નજર રાખવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરૂણાનિધિના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.
તમિલનાડુના પાટનગર ચેન્નાઈમાં મોડી રાત્રે મહાન નેતા કરૂણાનિધિને ગુમાવ્યા પછી નવો વિવાદ ઊભો થઈ રહ્યો છે. AIADMK સરકારે કરૂણાનિધિના દફનાવવા માટે મરીના બીચ પર જગ્યા આપવાની ના પાડી છે. આ પહેલા કરૂણાનિધિને દફનાવવા માટે ડીએમકે તરફથી મરીના બીચ પર સ્થાન માંગવામાં આવ્યું છે. જેના કારણે ડીએમકે હોસ્પિટલની બહાર ભારે વિરોધ શરૂ થઈ ગયો છે. આ મામલે મોડી રાત્રે મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ કરશે.
કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ હુલુવાદી જી રમેશે કહ્યું કે, મરીના બીચ પર જગ્યા આપવાના મામલે રાત્રે 10.30 કલાકે સુનાવણી હાથ ધરવામાં આવશે. જ્યાં હાલમાં પૂર્વ મુખ્યમંત્રી સી રાજગોપાલચારી અને કે કામરાજનું સ્મારક આવેલ છે. ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમ કે સ્ટાલિને રાજ્યના મુખ્યમંત્રી કે પલનીસ્વામીને પત્ર લખીને કરૂણાનિધિને સીએન અન્નાદુરઈના સ્થાન પર મરીના બીચ પર બનેલા સ્મારકની અંદર દફનાવવાની માંગણી કરી છે. સ્ટાલિન આ માટે સીએમ સાથે મુલાકાત પણ કરી હતી.
આ તરફ તમિલનાડુ સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મદ્રાસ હાઈકોર્ટ તરફથી મરીના બીચ પર ઘણાં સ્થાનો પર હજી સુધી જગ્યા ફાળવવામાં આવી નથી. સરકાર સરદાર પટેલ રોડ પર રાજાજી અને કામરાજના સ્મારત પાસે બે એકર જગ્યા આપવા માટે તૈયાર છે. જ્યારે કેટલાંક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કરૂણાનિધિનું અવસાન ચાલું સત્તાએ થઈ તેથી સરકાર તેમને મરીના બીચ પર જગ્યા આપવાના મૂડમાં નથી.