અનુરાગ ઠાકુરે કહ્યું, - એકબાજુ 'ભારત જોડો યાત્રા' ચાલી રહી છે અને બીજી બાજુ 'કૉંગ્રેસ છોડો યાત્રા

રવિવાર, 16 ઑક્ટોબર 2022 (10:06 IST)
હાલમાં ચાલી રહેલી ભાજપની ગૌરવયાત્રામાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર ધ્રાંગધ્રા આવ્યા હતા. ત્યાં તેમને ન્યૂઝ ચેનલ એબીપી સાથેની વાતચીતમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.
 
તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષમાં ભાજપે વિશ્વાસની સાથે વિકાસનાં કામ કર્યાં છે. વડા પ્રધાન મોદીએ ગુજરાતને સફળતાનાં શિખરો સર કરાવ્યાં છે. જ્યારે દિલ્હીમાં બધું ગોટાળા પર જ ચાલી રહ્યું છે.
 
હાલમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં દિલ્હી મૉડલની ચર્ચા ચાલી રહી હોવા અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે દિલ્હીમાં મહોલ્લા ક્લિનિકની બહાર પશુઓ જોવા મળે છે અને અંદર ડૉક્ટરો પણ હોતા નથી. દિલ્હીના આરોગ્યમંત્રી પણ જેલમાં છે.
જ્યારે દિલ્હીના શિક્ષણમંત્રીનું નામ 'દારૂ કૌભાંડ'માં બહાર આવે છે.
 
અનુરાગસિંહ ઠાકુરે દિલ્હી મૉડલને કેજરીવાલનું ભ્રષ્ટાચાર મૉડલ ગણાવ્યું હતું. આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કરેલી ટિપ્પણી વિશે તેમણે કહ્યું કે વડા પ્રધાનનાં માતા વિશે ટિપ્પણી કરીને તેમણે ગુજરાતનાં માતાનું અપમાન કર્યું છે.
 
આડકતરી રીતે કૉંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું, "એક વખત એક ઈટાલિયાને આમ કર્યું હતું અને ગુજરાતની જનતાએ તેનો જવાબ આપ્યો હતો. આ ઈટાલિયા તો તેનાથી ઘણો નાનો છે."
 
કૉંગ્રેસ વિશે તેમણે કહ્યું કે જે પાર્ટી છેલ્લાં ત્રણ વર્ષથી અધ્યક્ષ ન પસંદ કરી શકી હોય એ લોકો સત્તામાં આવવાનું વિચારી પણ કેવી રીતે શકે?
 
તેમણે કૉંગ્રેસની 'ભારત જોડો યાત્રા' અને રાહુલ ગાંધીને ટાંકીને કહ્યું, "એક તરફ ભાઈ યાત્રા કરવા નીકળ્યા છે અને બહેન ક્યાંય દેખાતાં પણ નથી. અહીં આ લોકો 'ભારત જોડો' યાત્રા કરી રહ્યા છે અને બીજી બાજુ 'કૉંગ્રેસ છોડો' યાત્રા ચાલી રહી છે."
 
'મફતની રેવડી' સંદર્ભે અનુરાગસિંહ ઠાકુરે કહ્યું કે ગુજરાતની જનતા આપવામાં માને છે. પહેલાં ગુજરાતે સરદાર પટેલ જેવા પ્રતિભાશાળી નેતા આપ્યા. જેમણે દેશને એક કરવાનું કામ કર્યું, હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા નેતા આપ્યા. જેમણે વિશ્વકક્ષાએ દેશને નામના અપાવી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર