ભારતમાં મૂડીરોકાણ કરવાનો આ સર્વશ્રેષ્ઠ સમય - મેક ઇન ઇન્ડિયા વીકમાં નરેન્દ્ર મોદી
રવિવાર, 14 ફેબ્રુઆરી 2016 (07:40 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયા વીકમાં આજે વાત કરતા કહ્યું હતું કે, સરકાર સ્થિર અને અસરકારક કરવેરા વ્યવસ્થા માટે કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં મૂડીરોકાણ કરવાનો આ સર્વશ્રેષ્ઠ સમય છે. કારણ કે સરકાર સુધારા પગલાને આગળ વધારી રહી છે. સરકાર અસરકારક આઈપીઆર વ્યવસ્થા અને કંપની લો ટ્રીબ્યુનલની રચના કરવા જઇ રહી છે. મોદીએ કરવેરાના મોરચે શ્રેણીબદ્ધ સુધારા કર્યા હોવાનો દાવો પણ કર્યો હતો અને કહ્યું હતું કે, સુધારાની દિશામાં પગલા લેવાઈ રહ્યા છે.
પારદર્શક કરવેરા વ્યવસ્થા લાવવામાં આવશે. મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા સરકારની પહેલ અંગે વિગત આપતા તેમણે કહ્યું હતું કે, સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવવા તથા લાયસન્સના સંબંધમાં જોગવાઈને તર્કસંગત બનાવવામાં આવી રહી છે. સુરક્ષા અને પર્યાવરણની મંજુરી પ્રક્રિયા સરળ કરાઈ રહી છે. આ સદી એશિયાની સદી છે. મેક ઇન ઇન્ડિયા તમામને આર્કષિત કરશે અને વિદેશી રોકાણ ખેંચી લાવશે. વિદેશી રોકાણ માટે ભારત સૌથી ફેવરિટ સ્થળ બન્યું છે. ભારતમાં વિકાસ દર સાત ટકાથી વધુ છે. મોદીએ અન્ય મુદ્દા ઉપર પણ વાત કરી હતી. બીજી બાજુ મોદીએ બાંદરામાં બોમ્બે આર્ટ સોસાયટીની નવી ઇમારતનું ઉદ્ધાટન કર્યું હતું અને કહ્યું હતું કે, રેલવે પ્લેટ ફોર્મ પર ખાલી પડેલી જગ્યાનો ઉપયોગ કલાકારોને તેમના કુશળતા પ્રદર્શનની મંજુરી આપીને કરી શકાય છે. સ્વચ્છ ભારતનો મુદ્દો તેઓએ ફરી ઉઠાવ્યો હતો.