12 સાયન્સના ઓછા પરિણામથી શિક્ષણમંત્રીએ ચિંતા વ્યક્ત કરી, શિક્ષણ વ્યવસ્થામાં સુધારો જરૂરી

ગુરુવાર, 10 મે 2018 (12:57 IST)
આ વર્ષે છેલ્લા પાંચ વર્ષમાં ધો-12 સાયન્સનું સૌથી ઓછું પરિણામ આવ્યા બાદ રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.  શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કબુલાત કરતાં કહ્યું કે, શિક્ષણ વ્યવસ્થાની હાલની ડીઝાઈન ખામીયુક્ત રહેલી છે. જેમાં જરૂરી સુધારો કરવાનો સમય આવી ગયો છે. પરિણામ અને વિદ્યાર્થીઓના હિત અંગે વાત કરતાં શિક્ષણમંત્રીએ કહ્યું કે, શિક્ષણ વ્યવસ્થામાં રહેલી ક્ષતિઓ ચર્ચાનો વિષય છે. જેના પર વારંવાર ચર્ચા કરવામાં આવી રહી છે. તેમજ ભવિષ્યમાં આ અંગે ચર્ચાઓ કરવામાં આવશે અને તેના પર જરૂરી પગલાં ભરવામાં આવશે.

ચૂડાસમાએ બાળકોના ભવિષ્ય અંગે વાત કરતાં કહ્યું કે, ભવિષ્યમાં પણ આ અંગેની ચર્ચા કરવામાં આવશે અને તેમાં રહેલી ક્ષતિઓ જે પણ છે તેને સુધારવાનો પ્રયાસ કરાશે. તેમજ શિક્ષણનું સ્તર સુધારવા માટે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. આ ઉપરાંત દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, જેવા સ્થાનો પર સતત ઘટી રહેલા પરિણામ પર પણ શિક્ષણમંત્રીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, આદિવાસી બેલ્ટનું નબળું પરિણામ ગરીબીના કારણે આવી રહ્યું છે. તેમજ તે સ્થાનો પર સાક્ષરતાનાં અભાવથી આદિવાસી બેલ્ટનું પરિણામ ઘટી રહ્યું છે. સાથે જ ત્યાંના કુટુંબની અંદર શિક્ષણના વાતાવરણનો અભાવ છે. જેના અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર