રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: કોરોનાને ડામવા માટે 33 જિલ્લામાં 33 પ્રભારી સચિવ નિમાયા

શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (10:38 IST)
દેશ સહિત રાજ્યભરમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. હાલની સ્થિતિને જોતાં રાજ્યમાં યોજાનારા મોટા કાર્યક્રમો મોકૂફ રાખવાની ફરજ પડી છે. કોરોના સામે લડવા માટે સરકાર દ્રારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના ૩૩ જિલ્લાઓની અસરકારક દેખરેખ અને નિયંત્રણ માટે સરકાર દ્વારા IAS અધિકારીઓની નિમણૂક જે તે જિલ્લાના પ્રભારી તરીકે કરવામાં આવી છે. 
 
રાજ્ય સરકારના 28 ઓક્ટોબર 2021 હુકમથી જિલ્લાઓ માટે પ્રભારી સચિવોની નિમણૂંક કરવામાં આવી હતી. હવે કોવિડ-19ની પરિસ્થિતિ અનુસંધાને અગાઉ જિલ્લાઓમાં જેમને પ્રભારી સચિવ તરીકે કામગીરી કરી હોય, તેમાં સાતત્ય જળવાઇ રહે તે હેતુથી તારીખ 28 ઓક્ટોબર 2021ના આદેશમાં ફેરફાર કરી નીચે મુજબના IAS અધિકારીઓને અલગ અલગ જિલ્લાઓમાં પ્રભારી સચિવ તરીકે નિમણૂંક કરાઈ છે.
 
જિલ્લા વહીવટીતંત્ર-સંબંધિત મનપા દ્વારા લેવામાં આવેલા પગલાનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્ર મનપાએ જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવા માટે સંબંધિત જિલ્લા પ્રભારી સચિવને તેમની મૂળ ફરજ ઉપરાંત તાત્કાલિક અસરથી નિમણૂંક કરવામાં આવી છે.
 
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો વધારો થઇ રહ્યો છે. સતત વધતાં કેસને લઇને આરોગ્ય તંત્ર પણ સાબદુ બન્યું છે. વિદેશથી આવતાં મુસાફરો દ્વારા ઓમિક્રોન વાયરસ ફેલાય નહીં તે માટે તેમને કવોરેન્ટાઇન કરવામાં આવી રહ્યાં છે ત્યારે આ વિદેશી મુસાફરો તથા સ્થાનિક પોઝિટિવ દર્દીઓ જો કવોરેન્ટાઇનના નિયમોનો ભંગ કરે તો તેમના વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સુચના આપવામાં આવી છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કેસ રોજ ઝડપથી વધી રહ્યા છે. સાડા 7 મહિના બાદ પહેલીવાર 4200થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4213 નવા કેસ નોંધાયા હતા. એ પહેલા 22 મેના રોજ 4205 કેસ હતા.
 
સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે અને ત્યાં એક હજારથી વધારે એટલે કે 1105 નવા કેસ નોંધાયા છે. રાજ્યના સૌથી વધુ 1835 કેસ અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કેસ નોઁધાયા છે. તો આજે ઓમિક્રોનના એક પણ કેસમાં નોધાયા નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર