અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા, ગુજરાત પર ત્રાટકશે?
શુક્રવાર, 2 જૂન 2023 (09:13 IST)
ભારતમાં ચોમાસાની શરૂઆત સામાન્ય રીતે 1 જૂનની આસપાસ થતી હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસું કેરળ પર મોડું પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે. બીજી તરફ ચોમાસું જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે એ સમયે જ અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું 1 જૂનના રોજ આગળ વધીને અરબી સમુદ્ર સુધી પહોંચી ચૂક્યું છે. માલદીવ અને કોમોરિન વિસ્તારો સુધી ચોમાસું પહોંચી ગયું છે.
હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા એક બે દિવસમાં ચોમાસું હજી પણ આગળ વધે તેવી શક્યતા છે. આ પહેલાં હવામાન વિભાગે તેના પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે ચોમાસું તેના સમય કરતાં મોડું પહોંચે તેવી શક્યતા છે. હવે ચોમાસા પર અરબી સમુદ્રમાં સર્જાવા જનારી સિસ્ટમનો પણ ખતરો પેદા થયો છે. આવતા અઠવાડિયામાં આ સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે.
વાવાઝોડું કઈ તારીખે સર્જાશે?
હવામાન વિભાગે જારી કરેલા તેના બુલેટિનમાં જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં 5 જૂનના રોજ સાયક્લૉનિક સર્ક્યુલેશન બનશે. જે બાદ આ સિસ્ટમ મજબૂત બનશે અને 7 જૂનના રોજ તે લૉ-પ્રેશર એરિયા બનશે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે જૂનના બીજા અઠવાડિયામાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતા છે.
એક્યુવેધરના વૈજ્ઞાનિક જેસન નિકોલસનું કહેવું છે કે અરબી સમુદ્રમાં ત્રીજી કે ચોથી જૂનની આસપાસ લૉ પ્રેશર એરિયા બને તેવી શક્યતા દેખાઈ રહી છે.
હાલ અરબી સમુદ્રનું તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે જે વાવાઝોડું બનવા માટેનું અનુકૂળ છે. લૉ પ્રેશર એરિયા બન્યા બાદ જો સિસ્ટમ વધારે મજબૂત બનશે તો તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે.
વિવિધ મૉડલો વાવાઝોડાની તારીખ અને વિસ્તાર વિશે અલગ-અલગ માહિતી આપી રહ્યાં છે. એટલે કઈ તારીખે વાવાઝોડું સર્જાય તેની કોઈ ચોક્કસ તારીખ હાલથી નક્કી થઈ શકે એમ નથી.
આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે?
અરબી સમુદ્રમાં બનતાં વાવાઝોડાંનો ખતરો ગુજરાત સહિત મહારાષ્ટ્ર પર પણ રહેલો હોય છે. સામાન્ય રીતે કેરળ કે માલદીવની આસપાસ બનતાં વાવાઝોડાં ઉત્તર તરફ આગળ વધે છે. બીજી તરફ અનેક વખત એવું પણ બન્યું છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું આગળ વધે છે અને ગુજરાત પર આવવાને બદલે તે ઓમાન તરફ જાય છે.
ઘણી વખત એવું પણ બને છે કે વાવાઝોડું બન્યા બાદ તે દરિયામાં આગળ વધે છે અને દરિયામાં જ વિખેરાઈ જાય છે. તેમ છતાં ગુજરાત પર તેની અસર થવાની શક્યતા છે. ગુજરાતના દરિયાકિનારાની પાસેથી પસાર થઈને જતાં વાવાઝોડાં પણ સૌરાષ્ટ્ર અને બીજી વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે. હાલ અરબી સમુદ્રમાં સર્જાનારી સિસ્ટમ લૉ-પ્રેશર એરિયા બને તે બાદ જ નક્કી કરી શકાશે કે તે કઈ તરફ આગળ વધે છે.
વિવિધ વેધર મૉડલ્સ આ સિસ્ટમ અંગે જુદા-જુદા રસ્તા દર્શાવી રહ્યા છે. 1 જૂનના રોજ ECMWF એવું દર્શાવી રહ્યું છે કે આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે. GFS એવું દર્શાવી રહ્યું છે કે આ સિસ્ટમ દક્ષિણ ભારતના દરિયાકાંઠે જ રહી જશે. હાલ ગુજરાત પર સીધો ખતરો છે એવી કોઈ માહિતી ભારતના હવામાન વિભાગે આપી નથી. જ્યારે વાવાઝોડું બનશે ત્યારે એની ચોક્કસ માહિતી મળશે.
વાવાઝોડું સર્જાય તો ચોમાસું મોડું થશે?
સામાન્ય રીતે ચોમાસું જ્યારે શરૂ થવાનું હોય અને એ સમયે અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાય ત્યારે તેની અસર ચોમાસા પર થતી હોય છે. સ્કાયમેટના વૈજ્ઞાનિક મહેશ પલાવતનું કહેવું છે કે જો આ સિસ્ટમ વાવાઝોડું બનશે તો તે ભેજ પોતાના તરફ ખેંચી લેશે. જેના કારણે ભારતના અનેક વિસ્તારોમાં ચોમાસું મોડું થાય તેવી શક્યતા છે.
બીજી તરફ જો વાવાઝોડું સર્જાય અને ઉત્તર તરફ આગળ વધે તો તેના કારણે મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જો, વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી ખૂબ દૂરથી વળાંક લઈ લે અથવા દરિયામાં જ સમાઈ જાય તો તેના કારણે રાજ્યમાં ચોમાસા પહેલાં વરસાદ ના પણ થાય અથવા ઓછો વરસાદ પડે તેવી પણ શક્યતા છે.
વાવાઝોડાં ચોમાસા પર કેવી અસર કરતાં હોય છે?
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર કોચીન યુનિવર્સિટીના એસટી રડાર સેન્ટરના સંશોધકોના એક રિપોર્ટ અનુસાર પાછલાં કેટલાંક વર્ષોથી અરબ સાગરમાં સર્જાયેલાં વાવાઝોડાં ભારતનાં ચોમાસાંમાં વિઘ્ન સર્જ્યાં હતાં. અહેવાલ અનુસાર અરબ સાગરમાં ચોમાસાની શરૂઆત પહેલાં વાવાઝોડાંની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો જ્યારે આ સમયે બંગાળની ખાડીમાં વાવાઝોડાંની સંખ્યામાં ઘટાડો થયો હતો.
નવા અભ્યાસ અનુસાર અરબ સાગરમાં સર્જાતાં વાવાઝોડાં તેના કેન્દ્ર તરફ ભેજ ખેંચે છે, જેના પરિણામે પશ્ચિમ કાંઠે વરસાદ ઓછો પડ્યો છે.
ડાઉન ટુ અર્થના એક અહેવાલ અનુસાર ગત વર્ષે એપ્રિલ અને મે માસમાં અમુક મોટાં વાવાઝોડાં સર્જાયાં હતાં, જે પૈકી કેટલાંકે ચોમાસાના આગમનમાં વિઘ્ન સર્જ્યું હતું. જ્યારે કેટલાંક વાવાઝોડાંના કારણે સર્જાયેલ પરિસ્થિતિને કારણે ચોમાસું જલદી બેઠું હતું.
ગત વર્ષે મે માસમાં સર્જાયેલા 'અસાની' વાવાઝોડા બાદ બંગાળની ખાડીમાં ચોમાસું આગળ વધતું અટક્યું પરંતુ કેરળમાં હવામાન વિભાગની આગાહી કરતાં બે દિવસ પહેલાં ચોમાસું બેઠું હતું.
ગત વર્ષે ચોમાસાના શરૂઆતના મહિનામાં વરસાદ પ્રમાણસર ઓછો પડ્યો હતો. જ્યારે વર્ષ 2021માં ચોમાસું બેઠું એ પહેલાં બે વાવાઝોડાં સર્જાયાં હતાં. મેના બીજા અને ત્રીજા અઠવાડિયામાં 'તૉકતે' વાવાઝોડું અરબ સાગરમાં સર્જાયું હતું. આ વાવાઝોડું દેશના પશ્ચિમ ભાગે ત્રાટક્યું, જેણે બંગાળની ખાડી આસપાસના વિસ્તારો સુધી ચોમાસાના આગમનને અસર કરી હતી. જ્યારે એ વર્ષે આવેલ બીજું વાવાઝોડું હતું 'યાસ'. એ મે માસમાં બંગાળની ખાડીમાં સર્જાયું હતું. જોકે, આ વાવાઝોડાને કારણે બિહાર અને કેટલાક વિસ્તારોમાં ચોમાસું જલદી બેઠું હતું, તેમજ અમુક વિસ્તારોમાં પૂર પણ આવ્યું હતું.
જૂનાગઢ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના ટેકનિકલ ઑફિસર ધીમંત વઘાસિયાએ વાવાઝોડાની સ્થિતિની ચોમાસાના આગમન પરની અસર અંગે વાત કરતાં કહે છે કે, "વાવાઝોડું સર્જાય ત્યારે વાતાવરણમાંથી ભેજ ખેંચાઈ જાય છે. જો વાવાઝોડું જમીનની નજીક પહોંચે તો ચોમાસું જલદી આવી શકે છે."
"પરંતુ જ્યારે વાવાઝોડું સર્જાય અને એ સમુદ્રમાં જ રહી જાય તો ફરી વાર સિસ્ટમ સર્જાતાં વાર લાગે છે, અને ચોમાસું ખેંચાઈ શકે છે."