કોર્ટે સામૂહિક બળાત્કાર, હત્યાના કેસમાં તમામ 26 આરોપીઓને કર્યા મુક્ત

સોમવાર, 3 એપ્રિલ 2023 (09:09 IST)
ગુજરાતની એક અદાલતે પુરાવાના અભાવે 2002ના કોમી રમખાણો દરમિયાન કલોલમાં અલગ-અલગ ઘટનાઓમાં લઘુમતી સમુદાયના 12 થી વધુ સભ્યો પર સામૂહિક બળાત્કાર અને હત્યાના આરોપી તમામ 26 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. કુલ 39 આરોપીઓમાંથી 13 કેસ પેન્ડિંગ દરમિયાન મૃત્યુ પામ્યા હતા અને તેમની સામેની ટ્રાયલ અટકી ગઈ હતી.
 
પંચમહાલ જિલ્લાના હાલોલના એડિશનલ સેશન્સ જજ લીલાભાઈ ચુડાસમાની કોર્ટે પુરાવાના અભાવે હત્યા, ગેંગરેપ અને રમખાણોના આરોપમાંથી 26 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે, આ કેસના કુલ 39 આરોપીઓમાંથી 13નું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું.
 
આરોપીઓ કથિત રીતે 27 ફેબ્રુઆરીના ગોધરા સાબરમતી ટ્રેન સળગાવવાની ઘટના બાદ 'બંધ'ના એલાન દરમિયાન 1 માર્ચ, 2002ના કોમી રમખાણોમાં ઉશ્કેરાયેલા ટોળાનો ભાગ હતા. 2 માર્ચના રોજ કલોલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.
 
1 માર્ચ, 2002 ના રોજ, ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં બે અલગ-અલગ સમુદાયના 2,000 થી વધુ લોકોના ટોળાએ તીક્ષ્ણ હથિયારો અને જ્વલનશીલ સામગ્રી સાથે અથડામણ કરી હતી. હિંસક ટોળાએ દુકાનોને નુકસાન પહોંચાડ્યું અને આગ લગાવી દીધી હતી. પોલીસ ગોળીબારમાં ઘાયલ એક વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જતી વખતે ટેમ્પો સાથે જીવતો દાઝી ગયો હતો. અન્ય એક બનાવમાં દેલોલ ગામથી કલોલ તરફ આવી રહેલા 38 લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાંથી 11 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. એફઆઈઆર મુજબ, એક મહિલા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો જ્યારે તે અને અન્ય લોકો ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર