ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચારેબાજુ ગુજરાતની ચૂંટણીની ચર્ચા છે. બીજી તરફ શ્રદ્ધા વાલ્કરની ઘાતકી હત્યા અને તેનો હત્યારો આફતાબ અત્યારે દેશભરમાં ચર્ચામાં છે. ત્યારે આફતાબના નામની એન્ટ્રી ગુજરાતની ચૂંટણીમાં થઈ છે. ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા શર્માએ કચ્છમાં એક રેલીમાં કહ્યું કે, જો દેશમાં મજબૂત નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે અને આપણે આપણા સમાજનું રક્ષણ કરી શકીશું નહીં.દેશને નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં ત્રીજી ટર્મ આપવાની જરૂર છે.
હિમંત બિશ્વા સર્માએ શ્રદ્ધા હત્યા કેસને ભયાનક ગણાવી "લવ જેહાદ" તરીકે ઓળખાવ્યો. આસામના મુખ્યમંત્રીએ એક જાહેર સભામાં કહ્યું, "આફતાબ શ્રદ્ધા બહેનને મુંબઈથી દિલ્હી લાવ્યો અને લવ જેહાદના નામે તેના 35 ટુકડા કરી નાખ્યા. અને ટુકડા ક્યાં રાખ્યા? ફ્રિજમાં. અને જ્યારે એક યુવતીની લાશના ટુકડા ફ્રિજમાં હતા તો એ બીજી યુવતીને ઘરે લાવ્યો અને ડેટિંગ શરૂ કર્યું. જો દેશ પાસે કોઈ શક્તિશાળી નેતા ન હોય, જે દેશને તેની માતા માને છે, તો આવા આફતાબ દરેક શહેરમાં પેદા થશે અને આપણે આપણા સમાજની રક્ષા નહીં કરી શકીએં. એટલે મહત્વનું એ છે કે 2024માં ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં આવે.
કચ્છની સભામાં આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા સર્માએ એમ પણ કહ્યું કે, ભાજપ મુસ્લિમ મહિલાઓનું સન્માન કરે છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રિપલ તલાક પ્રથામાંથી મુસ્લિમ મહિલાઓને મુક્તિ મળી છે. નરેન્દ્ર મોદીએ જે કામ પાર પાડ્યા તે શાંતિથી પાર પાડ્યા. કાશ્મીરમાંથી કલમ 370 હટાવી, ત્રિપલ તલાકની પ્રથા દૂર કરી. બધું શાંતિથી પાર પાડ્યું. કોઈ ઉહાપોહ ન થયો. હવે થોડી ધીરજ રાખો, કોમન સિવિલ કોડ પણ આવશે અને ચાર-ચાર લગ્નોમાંથી મુક્તિ મળશે.