ટ્યુશન જવા નીકળેલી ધો.12માં ભણતી બે કિશોરીઓ ગુમ થઇ જતા ચકચાર
શનિવાર, 23 નવેમ્બર 2019 (13:42 IST)
કડી શહેરમાં ગુરુવારે બપોરે ટ્યુશન જવા નીકળેલી ધો.12માં ભણતી બે કિશોરીઓ ગુમ થઇ જતા ચકચાર મચી ગઇ છે. હાલ પોલીસે આ બંન્ને સગીર હોય અપહરણનો ગુનો નોંધીને બંન્ને કિશોરીઓનાં મોબાઇલ કોલ ડિટેઇલ્સ અને સીસીટીવી કેમેરાનાં ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરી છે. જેમાં એક કિશોરીએ તેના દાદાને એક લખેલો પત્ર મળ્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, હું તમને મોઢું બતાવવા લાયક નથી રહી તેથી જાઉં છું.
આ મામલે મળતી માહીતી પ્રમાણે, નાની કડીમાં ધો.12માં અભ્યાસ કરતી 17 વર્ષની બે કિશોરી ગુરુવારે બપોરે 3 કલાકે ટ્યુશન માટે ગઇ હતી. તેઓ ઘરે કહીને ગયા હતાં કે, અમારે પ્રોજેક્ટ બનાવવાનો સામાન ખરીદવાનો છે એટલે ટ્યુશન પછી તે ખરીદવા જઇશું જેથી મોડું થશે. જોકે, બંન્ને મોડી રાત સુધી ઘરે પાછા ન આવતા શોધખોળ કરી હતી. જે બાદ તેમણે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંન્નેનાં મોબાઇલની કોલ ડિટેઇલ્સ કઢાવી હતી. જેમાં મોબાઇલમાં સતત સંપર્કમાં રહેલા પાંચેક યુવકોની પોલીસે પૂછપરછ કરી હતી. કડી
પોલીસને બંન્ને કિશોરીઓ બસ સ્ટેન્ડ પરથી રિક્ષામાં બેસતા ફૂટેજ મળી આવ્યાં હતાં. બંન્ને કિશોરીઓ બે જોડી કપડા અને થોડી રોકડ સાથે લઇ ગઇ છે. કિશોરીઓ મુસ્લિમ યુવાનનાં સંપર્કમાં હતા. જેની વિગતો બહાર આવતા મોટી સંખ્યામાં એસપીજી સાથે અન્ય સંસ્થાઓનાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતાં. પરંતુ કડી પોલીસે મળીને આ લોકોને સમજાવ્યાં વિવાદ સમ્યો હતો. રહસ્યમય ગુમ થયેલી બે કિશોરીમાંની એકનાં માતાપિતા વિદેશ રહે છે. તે પોતાનાં દાદા સાથે રહે છે. ઘરેથી જતાં પહેલા દાદાને લખેલી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં લખ્યું હતું કે, 'હું તમને મોઢું બતાવવા લાયક નથી. માટે ઘરેથી નીકળી જાઉં છું, હુ માનતી નહોતી. હું મારી રીતે જાઉં છું, કોઇનો દોષ નથી, હું કોઇની સાથે કે છોકરા સાથે જતી નથી.'