ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ મત આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પરિવારમાં ભાજપ અને કોંગ્રેસ મુદ્દે પોતાનો મત અને પાર્ટી પસંદગીની સ્વતંત્રતા અંગે જણાવ્યું હતું. તથા રવીન્દ્ર જાડેજાએ સતત તેમની મદદ કરી હોવાનું કહ્યું હતું. આની સાથે ભાજપના બુથ મેનેજમેન્ટથી લઈ 150 બેઠકો જીતવા અંગે મોટુ નિવેદન આપ્યું હતું.
રિવાબાએ રાજકારણમાં પોતાના પારિવારના લોકો વિવિધ પાર્ટીને સમર્થન આપતા હોવા મુદ્દે કહ્યું કે આવું પહેલીવાર નથી થઈ રહ્યું જ્યારે કોઈ એકજ પરિવારના સભ્યો વિવિધ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોય. પરિવારમાં પોતાના મત મુજબ અન્ય પાર્ટી સાથે જોડાયા છે અને હું ભાજપ સાથે જોડાયેલી છું. આ દરમિયાન મારા માટે સૌથી મોટી વાત એ રહી છે કે મારા પતિ રવીન્દ્ર જાડેજા મારા સમર્થનમાં છે.બુથ મેનેજમેન્ટ મુદ્દે રિવાબાએ કહ્યું કે ભાજપ પાસે મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો છે. મને ઉમેદવાર તરીકે પસંદ કરાયા ત્યારથી લઈને અત્યારસુધી સંગઠનનું મેક્રોમેનેજમેન્ટથી લઈ લોકોને મતદાન જાગૃતિ સુધી ભાજપના માધ્યમથી સારી રીતે મેનેજ કરાઈ રહી છે.