#100WOMEN : આપણા ભવિષ્યનું સંચાલન મહિલાઓના હાથમાં હશે તો એ કેવું હશે?

મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (12:33 IST)
આ વર્ષની BBC 100 WOMEN શ્રેણીનો સવાલ એ છે કે તમારી આસપાસની મહિલાઓ માટે આગામી દિવસો કેવા હશે?
2013થી શરૂ થયેલી BBC 100 WOMENની આ ઝૂંબેશ તમારા સુધી એવી મહિલાઓની કથા લઈને આવે છે, જેઓ દુનિયાભરની બીજી મહિલાઓને પ્રેરણા આપી રહી છે.
ગત છ વર્ષોમાં BBC 100 WOMEN શ્રેણી અંતર્ગત અમે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓનું સન્માન કર્યું છે.
મેક-અપ ઉદ્યમી બોબી બ્રાઉન, સંયુક્ત રાષ્ટ્રસંઘના ડૅપ્યુટી સેક્રેટરી અમીના મોહમ્મદ, ઍક્ટિવિસ્ટ મલાલા યુસુફઝઈ, ઍથ્લિટ સિમોન બાયલ્સ, સુપરમૉડલ અલેક વેક, સંગીતકાર અલીસિયા કિઝ અને ઑલિમ્પિક ચૅમ્પિયન બૉક્સર નિકોલા એડમ્સ.
2019ની BBC 100 WOMEN શ્રેણીમાં મહિલાઓનાં ભવિષ્યની વાત કરવામાં આવશે.
ફ્યુચરિઝમ એટલે કે ભવિષ્યને નિહાળવાની અને તેને સજાવવાની પ્રક્રિયા.
પિતૃસત્તાક સમાજમાં ભવિષ્ય બનાવવાની અને સજાવવાની જવાબદારી અત્યાર સુધી પુરુષો જ ઉઠાવતા રહ્યા છે, પરંતુ આ વર્ષની BBC 100 WOMEN શ્રેણી તમને એ જણાવશે કે આપણાં ભવિષ્યનું સંચાલન મહિલાઓનાં હાથમાં હશે તો એ કેવું હશે?
BBC 100 WOMENની સિઝન-2019માં સૌથી વિશિષ્ટ પ્રસ્તુતિ છે બે કૉન્ફરન્સ. એ પૈકીની પહેલી કૉન્ફરન્સ 17 ઑક્ટોબરે લંડનમાં યોજાઈ ચૂકી છે અને બીજી 22 ઑક્ટોબરે દિલ્હીમાં યોજાશે.
 
આ કૉન્ફરન્સમાં અમે તમારી મુલાકાત એવી મહિલાઓ સાથે કરાવીશું કે જેઓ તેમનાં ક્ષેત્રમાં ધુરંધર છે.
એવી મહિલાઓ, જે વિજ્ઞાન, કળા, મીડિયા, સિનેમા, શિક્ષણ, ફૅશન, ધર્મ, અંતરીક્ષવિજ્ઞાન તથા જેન્ડર જેવા મુદ્દાઓ પર મજબૂત પકડ ધરાવે છે અને ભવિષ્યને જોવા-સમજવાની સાથે તેને બહેતર બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે.
સ્માર્ટ ફોન અને 5Gના જમાનામાં અમે તમારી મુલાકાત એક ઈરાની ઊદ્યોગસાહસિક મહિલા સાથે કરાવીશું, જેઓ તમને જણાવશે કે ભવિષ્યમાં સ્કૂલો કેવી હશે?
આ કૉન્ફરન્સમાં તમારી મુલાકાત બેંગલુરુની એ એન્જિનિયર સાથે થશે, જેઓ સ્પેસ ટૂરિઝમ જેવા નવીન આઈડિયાનો પરિચય તમને કરાવશે.
એમની સાથે ફૅશનની દુનિયામાં વિખ્યાત બનેલી ઈઝરાયલના એક મહિલા પણ હશે, જે તમારો પરિચય 3D ફૅશનની લાક્ષણિકતાનો પરિચય તમને કરાવશે.
પોતપોતાનાં ક્ષેત્રનાં આ મહારથીઓ આપણને બધાંને 2030ની, ભવિષ્યની દુનિયાનો સાક્ષાત્કાર કરાવશે.
આ કૉન્ફરન્સમાં ઉપસ્થિત દર્શકોને અમારા સન્માનિત મહેમાનોને સવાલ કરવાની તક પણ મળશે.
આ કૉફરન્સમાં એક વર્ચુઅલ રિઆલિટી ઍક્સપીરિઅન્સ ઝોન હશે, જ્યાં વર્ચુઅલ રિઆલિટીની અલગ દુનિયાનો અનુભવ કરી શકાશે.
સિઝન-2019 તમને એવો અનુભવ કરાવશે, જે ભવિષ્ય વિશેની તમારી કલ્પનાને પડકારશે, તેને હચમચાવશે અને તમને ભવિષ્ય વિશે અલગ રીતે વિચારવા મજબૂર કરશે.
દિલ્હી કોન્ફરન્સ ક્યારે?
22 ઓક્ટોબરે.
ક્યાં?
ગોદાવરી ઓડિટોરિયમ, આંધ્ર અસોસિએશન,
24-25, લોધી ઈન્સ્ટિટ્યુશનલ એરિયા,
નવી દિલ્હી-110003
સમગ્ર કોન્ફરન્સને બે હિસ્સામાં વહેંચવામાં આવી છેઃ સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી અને બપોરે 2 વાગ્યાથી સાંજે 5.45 સુધી.
કાર્યક્રમઃ
સવારનું સત્ર
અરણ્યા જોહર - કવિતા, સમાનતા અને ભવિષ્ય.
રાયા બિદશહરી (શિક્ષણ) - ભવિષ્યની સ્કૂલો: ન કોઈ વિષય કે નહીં હોય દીવાલોની વચ્ચે બંધાયેલી સ્કૂલ. આગામી સમય માટે એક નવા પ્રકારની શિક્ષણની પરિકલ્પના.
સારાહ માર્ટિન્સ દા સિલ્વા (ફર્ટિલિટી) - પુરુષોનું વાંઝિયાપણુઃ તેનો કોઈ ઈલાજ છે?
સુસ્મિતા મોહંતી (સ્પેસ એન્ડ સાયન્સ) - 21મી સદીની સ્પેસ ફ્લાઈટઃ કમરપટ્ટો બાંધીને અંતરીક્ષની યાત્રા માટે તૈયાર થઈ જાઓ.
મેરલિન વેરિંગ અને શુભલક્ષ્મી નંદી સાથે દેવીના ગુપ્તા વાતચીત કરશે. વાતચીતનો મુદ્દો હશે - મહિલાઓ જે રોજિંદાં કામ કરે છે અને જેનાં માટે તેમને કોઈ મહેનતાણું નથી મળતું, તે કામને જો અર્થવ્યવસ્થા સાથે સાંકળી લેવામાં આવે તો દેશના અર્થતંત્રમાં શું પરિવર્તન થશે?
દનિગ પેલેગ (ફૅશન) - 3D પ્રિન્ટિંગ મારફત ભવિષ્યમાં ફૅશનમાં થનારું પરિવર્તન.
બપોરનું સત્ર
પાઓલા વિલારિયલ (જસ્ટિસ અને ડાટા ઈક્વાલિટી) - ભવિષ્યમાં ન્યાયની પ્રક્રિયા કેવી હશે? ડાટા અને ટેક્નૉલૉજી આગામી દિવસોમાં વિશ્વની ન્યાય વ્યવસ્થાને કેવી રીતે પ્રભાવિત કરી શકે?
ગિના જુર્લો (ધર્મ) - ભવિષ્યમાં ધર્મની અવધારણાઃ શું બાળકો ચલાવશે દુનિયા?
પ્રગતિ સિંહ (સેક્સુએલિટી એન્ડ જેન્ડર આઈડેન્ટિટી) - સેક્સ પછી શુઃ પ્રેમ, પરિવાર અને આત્મીયતાનું ભવિષ્ય.
હાઈફા સદિરી (બિઝનેસ એન્ડ ઉદ્યોગસાહસિકતા) - વર્ચુઅલ ઇન્વેસ્ટમેન્ટ ઉત્તર આફ્રિકાના શિક્ષિત યુવાનોને અન્યત્ર જતા કેવી રીતે રોકી શકે?
વાસુ પિરમલાણી (પર્યાવરણ) - પર્યાવરણને બચાવવા માટે મહિલાઓનું એક ડગલું, દુનિયાને બચાવવામાં કેટલી મોટી ભૂમિકા ભજવી શકે? ઇતિહાસમાંથી બોધ લઈને આપણે આપણાં પક્ષે તકેદારીના ક્યા પગલાં લઈ શકીએ?
નંદિતા દાસ (ફિલ્મ) - ગોરા રંગ માટેનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું વળગણઃ શું મહિલાઓને તેમની ત્વચાનો રંગ જોઈને ફિલ્મોમાં કામ આપવામાં આવે છે?
*આ કાર્યક્રમોમાં જરૂરિયાત અનુસાર મામૂલી ફેરફાર થઈ શકે છે. આ અંગેની તાજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર