અરુણ જેટલીનું નિધન: અમિત શાહ પહેલાં નરેન્દ્ર મોદીના ખાસંખાસ હતા જેટલી

રેહાન ફઝલ

શનિવાર, 24 ઑગસ્ટ 2019 (15:42 IST)
લાંબી બીમારી બાદ શનિવારે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું શનિવારે નિધન થયું. 67 વર્ષના જેટલીએ જીવનના ચાર દાયકાની રાજકીય કૅરિયર જોઈ હતી, જાણો તેમના જીવનની કહાણી. 
 
વાત 25 જૂન, 1975ની છે. દિલ્હી યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ અરુણ જેટલી પોતાના નારાયણાવાળા ઘરના આંગણામાં સૂતા હતા. બહાર કશોક અવાજ થયો એટલે તેઓ જાગી ગયા. તેમણે જોયું કે તેમના પિતા પોલીસવાળા સાથે માથાકૂટ કરી રહ્યા છે. પોલીસ જેટલીની ધરપકડ કરવા આવ્યા હતા. તે જોઈને અરુણ જેટલી પોતાના ઘરના પાછલા દરવાજેથી ભાગી ગયા. તે રાત તેમણે એ જ મહોલ્લામાં પોતાના મિત્રને ત્યાં વિતાવી.
 
બીજા દિવસે સવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 200 જેટલા વિદ્યાર્થીઓને તેમણે વાઇસ ચાન્સેલરની ઑફિસ સામે એકઠા કરી દીધા. અરુણ જેટલીએ ત્યાં ભાષણ આપ્યું અને બાદમાં તેઓએ ઇંદિરા ગાંધીનું પૂતળું બાળ્યું. થોડી વારમાં ડીઆઈજી પી. એસ. ભિંડરની આગેવાનીમાં પોલીસે તે વિસ્તારને ઘેરીને જેટલીની અટક કરી લીધી. તિહાર જેલમાં અરુણ જેટલીને અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને કે. આર. મલકાણી સહિતના અગિયાર રાજકીય કેદીઓ સાથે રાખવામાં આવ્યા. તેનો તેમને બહુ ફાયદો થયો હતો.
 
જેટલીના એક નિકટના દોસ્ત અનિપ સચદે કહે છે, "અરુણ જેટલીની રાજકીય દીક્ષા યુનિવર્સિટીના કૅમ્પસમાં નહીં, પણ તિહાર જેલની કોટડીમાં થઈ હતી."
 
"જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમને ખ્યાલ આવી ગયો હતો કે રાજકારણ હવે તેમની કૅરિયર બનવાની છે."
 
લાંબા વાળા અને જ્હૉન લેનન જેવાં ચશ્માં 
 
અરુણ જેટલી દિલ્હીની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને જાણીતી શ્રીરામ કૉલેજ ઑફ કૉમર્સમાં ભણ્યા હતા. તે વખતે જેટલી લાંબા વાળ રાખતા હતા અને બીટલ્સવાળા જ્હૉન લેનનની અદામાં તેમના જેવાં ચશ્માં પહેરતા હતા. તેમનાં ચશ્માં ગોળાકાર હતાં. કેટલાક તેને ગાંધી ગોગલ્સ પણ કહેતા હતા.
 
'ધ મેરીગોલ્ડ સ્ટોરી' નામના પુસ્તકનાં લેખિકા કુમકુમ ચઢ્ઢાએ જેટલીના કૉલેજકાળની એક મિત્ર બીનાને ટાંકીને લખ્યું: "અરુણનો દેખાવ સારો હતો."
 
"છોકરીઓ તેમને નોટિસ કરતી હતી, પણ અરુણ કોઈને ભાવ આપતા નહોતા, કેમ કે બહુ શરમાળ હતા."
 
"સ્ટેજ પર તેઓ કલાકો સુધી બોલી શકે, પણ સ્ટેજ પરથી ઊતર્યા પછી એક 'શેલ'માં જતા રહેતા હતા."
 
"મને નથી લાગતું કે તેઓ કોઈ છોકરી સાથે ત્યારે ડેટ પર ગયા હોય."
 
અરુણ જેટલીના સૌથી નજીકના દોસ્ત જાણીતા વકીલ રેયાન કરંજાવાલા કહે છે:
 
"અરુણ જેટલીને ફિલ્મો જોવાનો બહુ શોખ હતો. 'પડોસન' તેમની ફેવરિટ ફિલ્મ હતી અને કેટલીય વાર જોઈ હશે."
 
"મેં ઘણી વાર અરુણ જેટલીને ફિલ્મોના ડાયલૉગ બોલતાં સાંભળ્યા હતા. 'જ્હૉની મેરા નામ'માં દેવાનંદે કેવા રંગનો શર્ટ પહેર્યો હતો તે પણ તેમને યાદ હોય."
 
વાજપેયી 1977માં તેમને ચૂંટણી લડાવવા માગતા હતા લેખિકા કુમકુમ ચઢ્ઢા જણાવે છે કે 1977માં જનતા પાર્ટી બની ત્યારે જેટલીને તેની કારોબારી સમિતિમાં સભ્ય બનાવાયા હતા. વાજપેયી તેમને 1977ની લોકસભાની ચૂંટણી પણ લડાવવા માગતા હતા. જોકે ચૂંટણી લડવા માટે જરૂરી ઉંમર કરતાં તેઓ ત્યારે એક વર્ષ નાના હતા. બીજું જેલમાં રહેવાને કારણે તેમનું ભણવાનું એક વર્ષ બગડ્યું હતું. તેથી તેમણે પહેલાં વકીલાતની ડિગ્રી મેળવી લેવાનું નક્કી કર્યું હતું.
 
વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય બન્યા તે પહેલાં અરુણ તેમના મિત્રો સાથે દિલ્હીના એકમાત્ર ડિસ્કોથેક 'સેલર'માં જતા હતા. ચઢ્ઢા કહે છે, "તેમની દોસ્ત બીનાએ મને કહ્યું કે ડિસ્કોથેકમાં તેઓ એમ જ આવતા હતા, કેમ કે તેમને નાચતાં આવડતું નહોતું."
 
"તેમને ડ્રાઇવિંગ કરવાનું પણ ક્યારેય આવડ્યું નહીં. તેઓ ડ્રાઇવર રાખી શકે તેવી સ્થિતિમાં નહોતા ત્યાં સુધી તેમનાં પત્ની સંગીતા કાર ચલાવતાં હતાં."
 
મજાની વાત એ છે કે અરુણ જેટલીનાં લગ્ન સંગીતા ડોગરા સાથે થયાં. સંગીતા કૉંગ્રેસના મોટા નેતા ગિરધારી લાલનાં પુત્રી હતાં. તેઓ જમ્મુમાંથી બે વાર સાંસદ બન્યા હતા અને જમ્મુ-કાશ્મીર સરકારમાં પ્રધાન તરીકે પણ રહ્યા હતા. તેમનાં લગ્નમાં અટલ બિહારી વાજપેયી અને ઇંદિરા ગાંધી બંને હાજર રહ્યાં હતાં. અરુણ જેટલી તેમના જમાનામાં ભારતના ટોચના વકીલ બની ગયા હતા અને તેમની ફી બહુ તગડી હતી.
 
તેમને મોંઘી ઘડિયાળ ખરીદવાનો બહુ શોખ હતો. મોટા ભાગના ભારતીયો ઓમેગા ઘડિયાળથી આગળનું વિચારી શકતા નહોતા, તે વખતે તેમણે પેટેક ફિલિપ ઘડિયાળ ખરીદી હતી.
તેમને 'મૉ બ્લાં' પેન અને જામવાર શાલનો સંગ્રહ કરવાનો પણ ગજબનો શોખ હતો. મૉ બ્લાંની નવી પેન આવે તેના સૌપ્રથમ ખરીદદાર અરુણ જેટલી જ હોય. ક્યારેક ભારતમાં ના મળે તો રાજીવ નૈયરની મદદથી વિદેશમાંથી કોઈની પાસેથી મગાવતા. રાજીવ નૈયર એટલે મશહૂર પત્રકાર કુલદીપ નૈયરના પુત્ર. તે જમાનામાં જેટલી લંડનમાં બનેલી બેસ્પોક શર્ટ અને હાથ બનાવટના જ્હૉન લૉબ શૂઝ પહેરતા હતા.
આજીવન તેઓ જિયાફ ટ્રંપર્સની શેવિંગ ક્રીમ અને બ્રશ જ વાપરતા રહ્યા.
 
 
અરુણ જેટલી ભોજનના પણ રસિયા હતા. દિલ્હીની સૌથી જૂની ક્લબમાંની એક રોશનારા ક્લબનું ખાણું તેમને બહુ પસંદ હતું. કોનૉટ પ્લેસની મશહૂર ક્વૉલિટી રેસ્ટોરાંના 'ચને ભટૂરે' જીવનભર તેમને ભાવતા રહ્યા હતા.જૂની દિલ્હીની સ્વાદિષ્ટ જલેબી, કચોરી અને રબડી-ફાલુદાનો સ્વાદ માણતાં માણતાં જ જેટલી મોટા થયા હતા. જોકે તેમને ડાયાબિટીસ છે તેની જાણ થઈ પછી ખાણીપીણીના શોખ પર નિયંત્રણો મૂકી દેવાં પડ્યાં હતાં.બાદમાં તેઓ ભોજનમાં માત્ર રોટી અને શાક જ લેતા હતા.
 
2014માં બજેટ પ્રવચન આપતી વખતે તેમણે લોકસભાના અધ્યક્ષને વિનંતી કરી હતી કે પોતાને બેસીને વાંચવાની મંજૂરી આપવામાં આવે. નિયમ અનુસાર નાણામંત્રી ઊભા રહીને બજેટ વાંચતા, જોકે સુમિત્રા મહાજને તેમને બેસીને બજેટ વાંચવાની અનુમતિ આપી હતી. પ્રેક્ષક ગૅલરીમાં બેઠેલાં તેમનાં પત્ની સંગીતાને લાગ્યું કે તેમની તબિયત બરાબર લાગતી નથી. જેટલી વારંવાર પોતાની પીઠ પર હાથ લઈ જઈ રહ્યા હતા, કેમ કે ત્યાં તેમને પીડા થવા લાગી હતી.
 
બોફોર્સની તપાસમાં મહત્ત્વની ભૂમિકા
 
1989માં વી. પી. સિંહ સરકાર સત્તામાં હતી ત્યારે માત્ર 37 વર્ષની ઉંમરે જેટલીને ભારતના ઍડિશનલ સૉલિસિટર જનરલ બનાવાયા હતા. જાન્યુઆરી 1990માં જેટલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારી ભૂરેલાલ અને સીબીઆઈના ડીઆઈજી એમ. કે. માધવન સાથે બોફોર્સ મામલાની તપાસમાં જોડાયા હતા. જેટલી તેમની સાથે અનેક વાર સ્વિટ્ઝર્લૅન્ડ અને સ્વિડન ગયા હતા, જોકે આઠ મહિના સુધી તેમને કશા સગડ મળ્યા નહોતા. તે વખતે એક સાંસદે કટાક્ષ પણ કર્યો હતો કે 'જો જેટલીની ટીમ આ રીતે જ વિદેશમાં બોફોર્સની તપાસ કરતી રહેશે, તો તેમને એનઆરઆઈનો દરજ્જો મળી જશે.'
 
 
જૈન હવાલા કેસમાં અડવાણીનો બચાવ
 
1991માં લોકસભા ચૂંટણી વખતે નવી દિલ્હી મતવિસ્તારમાં લાલકૃષ્ણ અડવાણીના ચૂંટણી એજન્ટ તરીકે જેટલીએ કામ કર્યું હતું. બહુ મહેનત કર્યા પછી તેઓ અડવાણીને ફિલ્મસ્ટાર રાજેશ ખન્ના સામે બહુ ઓછી લીડથી જિતાડી શક્યા હતા.  અદાલતોમાં પણ તેઓ અડવાણી માટે કેસ લડતા રહ્યા. પહેલાં બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં અને બાદમાં મશહૂર જૈન હવાલા કેસમાં તેમણે અડવાણીને અદાલતમાંથી નિર્દોષ સાબિત કરાવ્યા હતા.
 
1990ના દાયકામાં ટીવી સમાચારોને કારણે ભારતીય રાજનીતિનું સ્વરૂપ બદલાઈ ગયું. ટીવીનું મહત્ત્વ વધતું ગયું, તેમ-તેમ ભારતીય રાજકારણમાં અરુણ જેટલીનું કદ પણ વધતું ગયું. 2000ની સાલમાં 'એશિયાવીક' મૅગેઝિને જાહેર કરેલી ભારતના ઊભરતા યુવાનેતાઓની યાદીમાં અરુણ જેટલીને પણ સ્થાન આપ્યું હતું. તેમને ભારતના આધુનિક ચહેરા તરીકે વર્ણવાયા હતા કે જેમની છાપ બિલકુલ સાફ હતી.
રવિદાસમંદિર તોડી પાડવાના વિરોધમાં દિલ્હીમાં ઉગ્ર પ્રદર્શન
 
નરેન્દ્ર મોદી સાથે દોસ્તી
 
1999માં જેટલીને અશોક રોડ પર પક્ષના મુખ્ય કાર્યાલયની નજીકમાં જ આવેલા સરકારી બંગલાની ફાળવણી થઈ હતી. તેમણે પોતાનો બંગલો ભાજપના નેતાઓ માટે રાખી દીધો, કેમ કે જે નેતાઓને દિલ્હીમાં રહેવા માટે જગ્યા નહોતી તેમને અહીં ઉતારો અપાતો હતો. આ જ ઘરમાં ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ તથા વીરેન્દ્ર કપૂર, શેખર ગુપ્તા અને ચંદન મિત્રાનાં સંતાનોનાં લગ્ન થયાં હતાં.
 
આ દરમિયાન એક સંબંધ જેટલીએ સૌથી ગાઢ રીતે વિકસાવ્યો, તે હતો ગુજરાતના નેતા નરેન્દ્ર મોદી સાથેનો સંબંધ. આગળ જતા તેમને આ સંબંધ બહુ ફળ્યો હતો. 1995માં ગુજરાતમાં ભાજપને સત્તા મળી, પણ નરેન્દ્ર મોદીને દિલ્હી મોકલી દેવાયા ત્યારે જેટલીએ તેમને સાથ આપ્યો હતો. તે વખતના પત્રકારો કહે છે કે નરેન્દ્ર મોદી મોટા ભાગે અરુણ જેટલીના કૈલાસ કૉલોનીના ઘરમાં જોવા મળતા હતા. 
 
ભાજપમાં હંમેશાં મિસફિટ રહ્યા
 
જેટલીનો જીવનમંત્ર જીવનને બરાબર માણવાનો હતો. સ્વાદિષ્ટ ભોજન, સારાં વસ્ત્રોના તેઓ શોખી હતા. તેમના માટે એ વાત બહુ મહત્ત્વની રહેતી કે તમે કઈ રીતે વાત કરો છો, કેવાં કપડાં પહેરો છો, ક્યાં રહો છો અને કેવી કાર ચલાવો છો. ભાજપના એક ભૂતપૂર્વ મહામંત્રી સહિત ઘણા લોકોનું કહેવું છે કે જેટલી ક્યારેય ભારતીય જનતા પક્ષના પ્રમુખ ના બની શક્યા, કેમ કે તેમની સાથે 'એલીટ' હોવાની છાપ હંમેશાં જોડાયેલી રહી.
 
તેના કારણે રાજકીય રીતે તેમને કેટલુંક નુકસાન પણ થયું. તેમની આધુનિક અને સંયમિત છાપ, તેમના પક્ષની જુનવાણી અને આક્રમક છાપ સાથે તાલમેલ બેસાડી શકતી નહોતી. તેમને પક્ષમાં હંમેશાં શંકાથી જ જોવામાં આવતા હતા. તેઓ ક્યારેય આરએસએસના 'ઇનસાઇડર' ના બની શક્યા. 2011માં ધ હિન્દુ અખબારમાં 'વિકિલીક્સ'ના લેખો પ્રગટ થયા, તેમાં એકમાં એવું કહેવાયું હતું કે જેટલીએ હિંદુત્વના મુદ્દાને તકવાદી ગણાવ્યો હતો. જોકે તેમણે બાદમાં એ વાતને નકારી કાઢી હતી.
 
જોકે તેની એક બીજી પણ બાજુ હતી. જેટલીના જૂના દોસ્ત સ્વપ્ન દાસગુપ્તા કહે છે કે જેટલીની ઇમેજને કારણે ભાજપને નવા ઊભા થઈ રહેલા મધ્યમ વર્ગમાં સ્વીકાર્યતા પણ મળી. જેટલી માટે હંમેશાં એવું કહેવાતું રહ્યું હતું કે તેઓ 'ખોટા પક્ષમાં રહેલી સાચી વ્યક્તિ' છે. જોકે જેટલીને આવી વાત ક્યારેય ગમી નહોતી.
 
જનાધાર ના હોવાથી નુકસાન
 
અરુણ જેટલી કાયમ રાજ્યસભામાં જીતીને સાંસદ બનતા રહ્યા હતા. તેઓ બહુ સારા વક્તા હતા, આમ છતાં તેઓ લોકોમાં પોતાનો ટેકેદાર વર્ગ ઊભો કરી શક્યા નહોતા. તેના કારણે જ તેઓ એ ઊંચાઈએ ના પહોંચી શક્યા, જેની અપેક્ષા તેમની પાસે હતી. સંસદમાં તેમનો દેખાવ એટલો સારો હતો કે ભાજપનાં આંતરિક વર્તુળોમાં તેમને ભાવિ વડા પ્રધાન તરીકે પણ જોવાનું શરૂ થયું હતું. જુલાઈ 2005માં અરુણ જેટલી પ્રથમ વાર ગંભીર રીતે બીમાર પડ્યા હતા. તેમણે ટ્રિપલ બાયપાસ સર્જરી કરાવવી પડી હતી.
 
ડિસેમ્બરમાં લાલકૃષ્ણ અડવાણીએ રાજીનામું આપ્યું ત્યારે જેટલીને અંદાજ હતો કે કદાચ તેમને તક મળશે. થોડાં વર્ષો પહેલાં તેમના સમકાલીન વેંકૈયા નાયડુ પણ આ પદ સંભાળી ચૂક્યા હતા, પણ જેટલીએ નિરાશ જ થવું પડ્યું. તેમની જગ્યાએ ઉત્તર પ્રદેશના ઠાકુર નેતા રાજનાથ સિંહને પક્ષના પ્રમુખ બનાવાયા.
 
સરકારી ગેસ્ટહાઉસનું ભાડું ખિસ્સામાંથી
 
અરુણ જેટલી જ્યારે વાજપેયી પ્રધાનમંડળમાં મંત્રી હતા ત્યારે કેટલાક દોસ્તો સાથે નૈનીતાલ ગયા હતા. તે વખતે તેમને રાજભવનમાં ઉતારો મળ્યો હતો.
 
તેમના મિત્ર સુહેલ સેઠે 'ઓપન' મૅગેઝિનમાં એક લેખ લખ્યો હતો - 'માય ફ્રેન્ડ અરુણ જેટલી.' તેમણે લખ્યું હતું કે 'ચેકઆઉટ કરતાં પહેલાં તેમણે બધાં જ રૂમનું ભાડું પોતાના ખિસ્સામાંથી ચૂકવી દીધું. ત્યાંના કર્મચારીઓએ મને જણાવ્યું કે કોઈ કેન્દ્રીયમંત્રીને આજ સુધીમાં તેમણે આ રીતે ભાડું ચૂકવતા જોયા નહોતા."
 
આ જ દોસ્તનું કહેવું છે કે ઘણી વાર તેઓ લંડન જાય ત્યારે ટોચના ઉદ્યોગપતિઓ ઍરપોર્ટ પર ગાડીઓ મોકલી દેતા હતા. આમ છતાં જેટલી લંડનના હીથ્રો ઍરપૉર્ટથી હંમેશાં ટ્યૂબ (અંડરગ્રાઉન્ડ રેલવે)થી જ પ્રવાસ કરતા. ઘણા લોકો બીજાને દેખાડવા માટે આવું કરતા હોય છે, પરંતુ અરુણ જેટલી કોઈ જોનારું ના હોય ત્યારે પણ આવું જ કરતા હતા.
 
દોસ્તોના દોસ્ત
 
અરુણ જેટલીના ઘરના એક રૂમને 'જેટલી ડેન' કહેવાતો હતો. આ રૂમમાં તેઓ પોતાના ખાસ દોસ્તોને મળતા, જે જુદાજુદા વ્યવસાય અને પક્ષોમાંથી પણ આવતા. ત્યાં વારંવાર દેખાતા દોસ્તોમાં સુહેલ સેઠ, વકીલ રેયાન કરંજાવાલા અને રાજીવ નૈયર રહેતા, જ્યારે હિન્દુસ્તાન ટાઇમ્સનાં માલકણ શોભના ભરતિયા અને કૉંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંઘિયા પણ દેખાતાં.
 
2014માં મોદીને આપ્યો સાથ
 
વાજપેયીના સમયગાળામાં જેટલીને હંમેશાં અડવાણીના માણસ સમજવામાં આવતા હતા. જોકે 2013 સુધીમાં તેઓ અડવાણી કૅમ્પ છોડીને પૂર્ણપણે નરેન્દ્ર મોદી કૅમ્પમાં જોડાઈ ગયા હતા. 2002માં ગુજરાતનાં રમખાણો પછી વાજપેયીએ મોદીને રાજધર્મ માટેની સલાહ આપી હતી, પણ ત્યારે જેટલીએ મોદીને ટેકો આપ્યો હતો. એટલું જ નહીં, તેઓ મુખ્ય મંત્રી તરીકે ટકી રહે તે માટે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાત રમખાણોના કેસમાં તેમણે મોદી તરફથી વકીલાત પણ કરી હતી.
 
2014માં તેઓ અમૃતસર લોકસભાની બેઠક પરથી હારી ગયા. આમ છતાં નરેન્દ્ર મોદીએ તેમને પ્રધાનમંડળમાં લીધા અને નાણાં તથા સંરક્ષણ જેવાં મહત્ત્વનાં મંત્રાલયો તેમને સોંપ્યાં હતાં. તેઓ નાણામંત્રી હતા તે ગાળામાં જ નરેન્દ્ર મોદીએ નોટબંધી અને જીએસટી લાગુ કરવા જેવા મહત્ત્વના નિર્ણયો લીધા હતા. ગયા વર્ષે જેટલીની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તેમની તબિયત સારી ના હોવાથી તેમણે 2019માં ચૂંટણી ના લડવાનું નક્કી કર્યું હતું. તેમણે સામેથી આ માટેની જાહેરાત કરી હતી.
 
હાલમાં અમિત શાહને નરેન્દ્ર મોદીના સૌથી નિકટવર્તી માનવામાં આવે છે, પરંતુ એક સમય હતો કે જ્યારે અરુણ જેટલી નરેન્દ્ર મોદીના સૌથી નજીકના નેતા મનાતા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર