મહાપુરુષો એક મંચ ઉપર મળવા જોઇએ, તેની ભારત અને વિશ્વને જરૂર છે : પૂજય મોરારીબાપુ

સોમવાર, 29 માર્ચ 2021 (11:40 IST)
ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં પોતાના મુખથી જેને પોતાનો શ્રીવિગ્રહ કહ્યો છે તેવાં વૃંદાવનધામના વૈજયંતી આશ્રમમાં નવ દિવસથી આયોજિત 'માનસ વૃંદાવન' વિષય ઉપર રામકથા ચાલી રહી હતી. આજે કથાનો વિરામ દિવસ હતો. આ કથામાં પૂજ્ય મોરારીબાપુએ રસમય વૃંદાવનને વિશેષ રસમાં તરબોળ કર્યું. હોળાષ્ટકના દિવસોમાં રસની સાથે રંગનો પણ સૂક્ષ્મરૂપે અનુભવ થઇ રહ્યો હતો. રસ અને રંગના બે કિનારાની અનુભૂતિ કરાવતી આ રામકથામાં સમગ્ર મંડપ જાણે તરબોળ થઇ ગયો હતો. વૃંદાવન રસિકોની રાજધાની છે. ત્યાં સ્વાભાવિક સંભાવ્ય હતું.
 
દરરોજ કથાના પ્રારંભમાં વૈષ્ણવાચાર્ય શ્રી પુંડરીકજી મહારાજ મોરારીબાપુ પ્રતિ પોતાનાં હ્રદયના અપ્રતિમ ભાવોને નિઃશેષ રૂપે પોતાની મધુર વાણીમાં ઉતારીને વિનીત ભાવથી વ્યાસપીઠની વંદના કરતાં આવ્યાં છે. આ સાથે દરરોજ એક વરિષ્ઠ કથાકાર વ્યાસપીઠની વંદના કરવા અને સમગ્ર આયોજન પ્રત્યે પોતાનાં આશીર્વચનોથી પરિષ્કૃત કરવા માટે ઉપસ્થિત થતાં હતાઉ. શ્રી પુંડરીકજીએ પોતાના વક્તવ્યમાં ભાવપૂર્વક કહ્યું કે બાપુ, તમે ન જાઓ. આજે સવારથી હૃદય કંઇક વિદીર્ણ છે. 
 
પોતાનાં જૂનાં સંસ્મરણોને યાદ કરતાં શ્રી પુંડરીકજીએ જણાવ્યું હતું કે, બાપુના ખોળામાં રમવાનો અવસર પણ મળ્યો છે અને વિશ્રામ ઘાટની કથામાં તેમની સાથે પ્રસાદ પ્રાપ્ત કરવાનો અવસર પણ  મળ્યો છે. આ તેમનું પરમ સૌભાગ્ય હતું. બાપુ આજે વ્રજને પોતાના મૂળ સ્વરૂપમાં છોડીને જાય છે. ત્યારબાદ ઓરિસ્સાના મહામહિમ રાજ્યપાલ પ્રોફેસર શ્રી ગણેશી લાલજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને તેમના સદ્ભાવનાપૂર્ણ વચનો સૌએ સાંભળ્યાં. તેઓ ત્રણ દિવસ ઉપસ્થિત રહીને કથા સાંભળવા ઇચ્છતા હતા, પરંતુ તેમ ન થઇ શકયાનો તેમને અફસોસ હતો. તેમણે કહ્યું કે બાપુની વાણી મધુર, પ્રિય અને સત્યથી ભરપૂર છે.
 
બાપુના હૃદયમાં અત્યંત પ્રેમ રહે છે, આંખોમાં કરૂણાનો સાગર રહે છે. તેમના મસ્તક ઉપર શાંતિ અને બંધુત્વનો કુમકુમ છે. બાપુ ત્રસ્ત, પીડિત, અપનાનિત, ઉપેક્ષિત માનવના હૃદયમાં સંજીવનીનો સંચાર કરે છે. બાપુની વાણી તમસનું નિર્વાણ કરે છે, જ્યોતિનું નિર્માણ કરે છે. આ વાણી તો વાસ્તવમાં આ ધરતીના માનવની વાણી ન હોઇ શકે. આ તો આકાશવાણી છે. આ સ્વાતિ નક્ષત્રમાં પ્રકટી વાણીની એક બુંદ પણ કોઇ ચાતક, કોઇ શ્રોતા પામી લે તો તે પ્રભુ રામના ગળાના હારનું એક મોતી બની જાય છે. આજે ભાઇજી શ્રી ભુપેન્દ્રભાઇએ પોતાની ભાવ-વંદના અને આશિર્વાદ પ્રસ્તુત કર્યાં. તેમણે કહ્યું કે આજે હું નદીનાં બે કિનારાનુ મિલન જોઇ રહ્યો છું.
 
તેમણે ગૌડીય પરંપરાના શ્રી આચાર્યજી અને બાપુ પ્રતિ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી. મર્યાદા પુરુષોત્તમની અનંતતામાં, સરળતામાં દિવ્યતા શું છે તે મેં પૂજ્ય બાપુ પાસેથી સમજ્યું છે. વિશેષ કરીને જેમ તુલસીદાસજીની સામે ઉભેલા રામજીના દર્શન હનુમાનજીએ કરાવ્યાં તેમ રામચરિત માનસ અને ગોસ્વામી તુલસીદાસજીના રામચંદ્રજીના દર્શન કરાવનાર મારા હનુમાન મોરારીબાપુ છે. આ પહેલાં હું ગોસ્વામીજીના રામચંદ્રજીથી અવગત ન હતો.
 
કથાનાં પ્રારંભમાં બાપુએ ઉપસ્થિત તમામ સાધુ-સંતોની વંદના કરતાં કહ્યું કે અહીં કૃષ્ણ કાયમ રહે છે, કૃષ્ણની કથા પણ કાયમ નિવાસ કરે છે. માત્ર કથાના ગાયક આવતા જતા રહે છે. બાકીની કથાને આગળ ધપાવતાં બાપુએ વિશ્વામિત્રની સાથે ગયેલાં રામ-લક્ષ્મણના મિથિલા દર્શનની ચર્ચા કરતાં કહ્યું કે પરમની આંખોથી જો સંસાર જોઇએ તો વ્યક્તિ સંસારમાં ખોવાશે નહીં, ધન્ય થઇ જશે. સીતાજીનો બાગમાં પ્રવેશ, સ્નાન કરવું અને પછી ગૌરીની પૂજા કરવી, એક સખીનું પાછળ રહી જવું, સખીના દ્વારા સીતાજીના રામદર્શન..આ સમગ્ર ઘટનાક્રમનું આધ્યાત્મિક અર્થઘટન કરતાં બાપુએ કહ્યું કે જેમ સંસારીઓને પહેલા સત્સંગરૂપી બાગમાં જવું જોઇએ. 
 
સત્સાંગ કથાનાં રૂપમાં તો હોય છે જ, પણ કોઇ સારી વાર્તા સાંભળો, કોઇ સારો દૃષ્યો જોવાથી જો દબાયેલો સદ્ભાવ પ્રગટ થાય તો તે સત્સંગ છે. કોઇ વહેતી નદીની પાસે બેસીને જીવનમાં ગતિશીલતાનો બોધ લો, તે પણ સત્સંગ છે. હિમાલય જેવાં પર્વતોની પાસેથી તેમની ધવલતા, શીતલતા, અચલતાનો બોધ ગ્રહણ કરો તો પણ તે સત્સંગ છે. કોઇ સજ્જન વ્યક્તિની સાથે સંવાદ કરો તે પણ સત્સંગ છે. સારું નૃત્ય, સારી ગઝલ, સારી ફિલ્મનું ગીત કે જે આંતરિત સદ્ભાવને પ્રગટ કરે તે પણ સત્સંગ છે. સંદર્ભ જોયા વિના કોઇની ટીકા કરીએ તો એ સત્સંગની ટીકા છે. જળાશયમાં સ્નાન કરવું, મતલબ સત્સંગ કરતી વખતે કોઇ સાધુના હ્રદયમાં ડુબકી લગાવવી, કોઇ સાધુ આપણને યાદ કરે. સાધુની પ્રિયતા પ્રાપ્ત થાય.
 
કથાના વિવિધ પ્રસંગે અંગે વાત કરતાં બાપૂએ નવ દિવસીય રામકથાનું સુકૃત, હ્રદયના ભાવ રૂપે ગૌર પૂર્ણિમાના આજના દિવસે ગૌર-હરિ કૃષ્ણ ચૈતન્ય ગૌરાંગ મહાપ્રભુજી અને તેમની પરંપરા અને યુગલ શતાબ્દી મહોત્સવની આ બે વિભૂતિયોના ચરણમાં અર્પણ કર્યું. કથાના આયોજક શુભોદયજીએ હૃદયાંજલી આપી અને તેમના પિતા શ્રી રમાભૈયાનું પુણ્ય સ્મરણ કર્યું. બાપુએ કહ્યું કે કોરોના સંક્રમણમાં વધારાને જોતાં સાવધાની રાખવી જરૂરી છે, જેથી તેને ફેલાતા રોકી શકાય. તેમણે પૂર્ણ સતર્કતા સાથે સરકાર દ્વારા નિર્દેશિત નિયમોનું પાલન કરવાની અપીલ કરી અને તે સાથે કથાને વિરામ આપ્યો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર