તમારો મહેમાન એ અમારો મહેમાનના મંત્ર સાથે આપણે ‘વિશ્વ પ્રવાસન દિવસ’ ઉજવીએ. પ્રવાસન ઉદ્યોગના માધ્યમથી આજે ગુજરાતમાં વર્ષે ૫ કરોડથી વધુ પ્રવાસીઓ મુલાકાતે આવતા થયા છે જેમાં આપણા મીઠા આવકારથી આ સંખ્યા આગામી સમયમાં ૧૦ કરોડ સુધી પહોંચાડી શકાય છે તેમ, ગાંધીનગર ખાતે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતું.
‘ટુરિઝમ એન્ડ જોબ્સ : અ બેટર ફ્યુચર ફોર ઓલ’ ની થીમ સાથે ઉજવાયેલા આ કાર્યક્રમમાં જવાહર ચાવડાએ કહ્યું હતું કે, આપણે ગુજરાતી હોવાનું આપણા સૌએ ગૌરવ હોવું જોઇએ. ગુજરાતમાં ગીરનાર, પાવાગઢ, સાપુતારા જેવા પર્વતો, સફેદ રણ, સમુદ્રીતટ, નર્મદા, સાબરમતી જેવી પવિત્ર નદીઓ, નળસરોવર-થોળ જેવા પક્ષી અભ્યારણ્યો, એશિયાટીક સિંહોનું ઘર સાસણ-ગીર, રાણી કી વાવ, ચાંપાનેર જેવા હેરિટેજ વિરાસત, સોમનાથ, દ્વારકા, અંબાજી જેવા યાત્રાધામો, સાડા છ કરોડ વર્ષ પુરાણા ડાયનાસોરના અવશેષો ધરાવતો રૈયાલી ખાતે આવેલો ફોસિલ પાર્ક, વિશ્વનું સૌથી પ્રાચિન બંદર લોથલ અને સિન્ધુ સંસ્કૃતિની વિરાસત ધરાવતું ધોળાવીરા તેમજ ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા અનેક પ્રાચિન, ઐતિહાસિક અને આધુનિક ધરોહર આપણી પાસે છે, જે પ્રવાસન ઉદ્યોગને મહત્વનું બળ પુરૂ પાડે છે.
જવાહર ચાવડાએ કહ્યું હતું કે, ગુજરાત સરકારે વર્ષ-૨૦૧૫-૨૦ માટે નવી પ્રવાસન નીતિ તૈયાર કરી છે. જેનો હેતુ વર્ષ-૨૦૨૫ સુધીમાં ગુજરાતને ભારતના ટોચના પાંચ ટુરિસ્ટ ડેસ્ટીનેશનમાંથી એક બનાવવાનો છે. આ પ્રસંગે ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બનાવવા ગુજરાતના ફરવાલાયક સ્થળો, ઇતિહાસ અને વર્તમાનથી દેશ-વિદેશથી આવનાર મહેમાનોને માહિતગાર કરવા ઉપસ્થિત સૌને સંકલ્પ લેવા આહવાન કર્યું હતું.
ટુરિઝમ કમિશનર જેનુ દેવ કહ્યું હતું કે, ભારતના ડી.જી.પી.માં પ્રવાસનનો હિસ્સો ૧૨ ટકા છે. વર્ષ-૨૦૧૮-૧૯માં અંદાજે ૫.૨ કરોડ લોકોએ પ્રવાસનના હેતુ ગુજરાતની મુલાકાત લીધી હતી. આગામી વર્ષમાં ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે ૫૦,૦૦૦ થી વધુ પ્રત્યક્ષ તેમજ તેનાથી પાંચ ગણી વધુ રોજગારી અપ્રત્યક્ષ રીતે ઉપલબ્ધ થશે. કેન્દ્ર સરકારના નેશનલ સ્કીલ ડેવલપમેટ મિશન અંતર્ગત વિવિધ વિદ્યાર્થીઓને તાલીમ પણ આપવામાં આવે છે. ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણ વધવાથી ટુરિઝમ અને હોસ્પિટાલિટીના વિદ્યાર્થીઓ માટે રોજગારીની ખૂબ જ નવી તકો ઉપલબ્ધ થશે.