માથાભારે શખ્સે શ્રમિકોને મફતમાં મજૂરી કરવાનું કહેતા શ્રમિકોએ ઈનકાર કર્યો હતો. ત્યાર બાદ આ માથાભારે શખ્સે મજૂરોને જીવતાં સળગાવી દેવા તેમના ઝૂંપડાઓને આગ ચાંપી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. ગતરોજ અંજારના ખત્રી બજાર નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતાં જોતજોતામાં આઠથી દસ ઝૂંપડા બળીને ખાખ થઈ ગયાં હતાં. સદભાગ્યે ઝૂંપડામાં રહેતાં બારેક શ્રમિક પરિવારો બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. આગમાં તેમની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ વીજ લાઈનને સ્પર્શતા વીજ લાઈનમાં પણ ધડાકાઓ થવા માંડ્યા હતાં.
પેટ્રોલિયમ જેવો જલદ પદાર્થ છાંટી ઝૂંપડાઓમાં આગ ચાંપી
ઝૂંપડામાં રહેતા બદ્રીનાથ ગંગારામ યાદવે નોંધાવેલી ફરિયાદ મુજબ, અંજારમાં રહેતો આરોપી મહમ્મદ રફિક ઉર્ફે બટી હાજી કાસમ કુંભાર તેમની આસપાસ રહેતા લોકોને મજૂરી કામે લઇ જતો હતો, પરંતુ પૈસા આપતો ન હોવાથી આ લોકોએ તેની જોડે કામ કરવા ના પાડી દીધી હતી. જેના કારણે ઉશ્કેરાયેલા રફિકે શનિવારે રાત્રે બોલાચાલી કરી તમારા ઝૂંપડા સળગાવી તમને લોકોને જીવતા બાળી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. રવિવારે સવારે તેણે આવી ઝૂ઼પડાઓમાં રહેતા પરિવારના બાળકો ઉંઘી રહ્યા હતા. ત્યારે પેટ્રોલિયમ જેવો જલદ પદાર્થ છાંટી ઝૂંપડાઓમાં આગ ચાંપી હતી.
ક્રોધે ભરાયેલા લોકો પોલીસ મથકે દોડી ગયા હતા
આગ લાગતાં જ અંદર રહેલા પરિવારજનો બહાર દોડી આવ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસ રહેતા અને અવર જવર કરતા લોકોમાં પણ નાસભાગ થઇ હતી. વિકરાળ આગને કારણે ઉપરથી પસાર થતી વીજ લાઇનમાં પણ ધડાકાઓ થયા હતા.ફાયર બ્રિગેડની ટીમે આવી આગ ઉપર કાબૂ તો મેળવ્યો હતો. પણ તમામ આઠ ઝૂંપડાઓ અને અંદરની ઘરવખરી ખાક થઇ જતાં બેઘર બનેલા 12 પરિવારો ઉપર આભ નીચે ધરતી જેવી સ્થિતિમાં મુકાયા હતા. આ આગને કારણે ક્રોધે ભરાયેલા લોકો પોલીસ મથકે દોડી ગયા હતા અને આવું અધમ કૃત્ય કરનાર સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા માગ કરી હતી. પોલીસે આગ લગાડનાર સામે નોંધાયેલી ફરિયાદ બાદ હત્યાના પ્રયાસ સહિતનો ગુનો દાખલ કરી આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.
રફીક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ટોક ઓફ ધ ટાઉન બનેલી આ ઘટનામાં ભોગ બનનાર પરિવારોની અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગાએ મુલાકાત લઇ આશ્વાસન આપ્યું હતું અને નવા વસવાટની ખાતરી આપી હતી. આઠ ઝૂંપડાઓમાં લાગેલી વિકરાળ આગમાં માનવ જીંદગીઓ તો બચી હતી પણ આ ઝૂંપડામાં રહેતી 13 વર્ષીય પૂજાએ રડતી આંખે જણાવ્યું હતું કે મારી રમકડાની ઢીંગલી બળી ગઇ તેનું મને દુ:ખ નથી, પણ એક દિવસ પહેલાં જ આ ઝૂંપડાઓમાં બે બિલાડીએ સાત બચ્ચાને જન્મ આપ્યો હતો. તેમાંથી જન્મેલા સાત બચ્ચા અને એક મા આગમાં ભડથું થયા તેનું દુ:ખ છે.પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે, પોલીસે બદરીનાથ ગંગારામ યાદવ નામના યુવકે નોંધાવેલી ફરિયાદના આધારે રફીક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.