અમદાવાદ શહેરમાં 38 કિમી પ્રતિ કલાકની ઝડપે cફૂંકાઈ રહ્યો છે, લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ
મંગળવાર, 18 મે 2021 (16:02 IST)
રાજયમાં વાવઝોડાની અસરના પગલે અમદાવાદ જિલ્લા અને શહેરમાં પણ ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં અત્યારે 38 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ શહેરમાં ભારે વરસાદ અને વાવઝોડાની અસર દેખાશે. મ્યુનિસિપલ મુકેશકુમારે અને જિલ્લા કલેક્ટર સંંદિપ સાગલેએ અમદાવાદીઓ અને જિલ્લાના લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. શહેરમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સતત પવનની ગતિ વધી રહી છે.
અમદાવાદ કલેક્ટરના જણાવ્યા મુજબ 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદ કલેકટર સંદિપ સાગલેએ જણાવ્યું હતું કે, આગામી પાંચથી આઠ કલાક અમદાવાદ જિલ્લા માટે મહત્વના છે. અમદાવાદના લોકોને અપીલ કે ઘરની બહાર ન નીકળે. ભારે પવન અને વરસાદ થશે. માંડલ, ધોલેરા, ધંધુકા, વિરમગામમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 2 NDRF ટીમ છે, ધોલેરા અને ધંધુકામાં સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે. 35 જેટલા શેલ્ટર હોમની વ્યવસ્થા છે જેમાં લોકોને સ્થળાંતર કર્યા છે. કોવિડ હોસ્પિટલમાં તકલીફ ન પડે માટે PGVCL જાણ કરી છે. 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર તાઉ- તે વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. હાઇવે પર વિઝિબિલિટી ઘટી છે ,જેના કારણે વાહન ચાલકોએ વાહનોની લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. શહેરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાઇવે પર પણ તેવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ભારે પવનના કારણે હાઇવે પરના કેટલાક નાના વૃક્ષો પણ પડી ગયા હતા.