સુરતના તક્ષશિલા કાંડમાં બચાવપક્ષની દલીલો પુર્ણ થઈ, આજે જામીન માટે વધુ સુનાવણી
શુક્રવાર, 23 ઑગસ્ટ 2019 (13:06 IST)
સુરતનાં તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ કેસમાં બચાવપક્ષની દલીલો પુરી થઇ છે અને આજે આરોપીઓની જામીનની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ સરકારપક્ષ આરોપીઓના જામીનના વિરોધમાં રજૂઆત કરશે. ત્યારે દુર્ઘટના સમયે હાજર રહેનાર વિદ્યાર્થીએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું છે કે ક્લાસનાં સંચાલક ભાર્ગવ બુટાણીની મુર્ખાઇને કારણે 22 વિદ્યાર્થીઓનાં જીવ ખોયો છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે અગ્નિકાંડ પહેલા ક્લાસમાં હાજરના નિવેદન આધારે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. ક્લાસમાં હાજર ઋષિત વેકડિયાએ એક નિવેદન આપ્યું છે કે 'પ્લાસ્ટિકનો કચરો સળગતો હોવાનું અનુમાન ક્લાસનાં સંચાલક ભાર્ગવ બુટાણીએ લગાવ્યું હતું. જેના કારણે 3.30 વાગ્યે કચરો બળતો હોવાનું કહી ક્લાસનો દરવાજો બંધ કરાયો હતો. સંચાલક ભાર્ગવ બુટાણીની મૂર્ખામીને કારણે 22 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 'આગ કાંડમાં સાપરાધ મનુષ્ય વધના ગુનામાં જેલવાસ ભોગવતા 9 આરોપીઓએ અગાઉ જામીન નકારાયા બાદ વધુ એકવાર ચાર્જશીટ રજુ થયાના ગ્રાઉન્ડ પર જામીન માટે માંગ કરી છે. આજે આ કેસમાં સંડોવાયેલા તક્ષશિલા આર્કેડના આરોપી બિલ્ડર હરસુખ વેકરીયા, રવિન્દ્ર કહાર,સવજી પાઘડાળ તથા ફાયર વિભાગના આરોપી અધિકારી કીર્તિ મોઢ, હિમાંશુ ગજ્જર તથા ડીજીવીસીએલના આરોપી ઈજનેર દિપક નાયકના બચાવપક્ષની દલીલો હાથ ધરવામાં આવી હતી.