સ્વદેશ દર્શન યોજના અંતર્ગત ગાંધી સરકીટના વિકાસ માટે રૂ.૮૫૦૧ લાખ ગ્રાન્ટ ફાળવાઇ

બુધવાર, 26 ફેબ્રુઆરી 2020 (15:47 IST)
વિધાનસભા ગૃહમાં સ્વદેશ દર્શન યોજના અંતર્ગત ગાંધી સરકીટના વિકાસ માટે ફાળવેલ ગ્રાન્ટ સંદર્ભે પૂછાયેલા પ્રશ્નોના પ્રત્યુત્તર આપતા પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન યોજના અંતર્ગત ગાંધી  સરકિટ ના વિકાસ માટે કુલ રૂ. ૮૫૦૧ લાખ મંજૂર કર્યા છે, જે પૈકી ૩૧ ડિસેમ્બર-૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રૂ.૪૩૯૪ લાખ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
 
ગાંધી સરકીટના વિકાસ માટે કયા કામો માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે તે અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નના ઉત્તર આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, કોચરબ આશ્રમ ખાતે એકટીવીટી સેન્ટર, પ્રવેશ  દ્વાર, પાથ-વે, લેન્ડસ્કેપીંગ, લાઈટીંગ, સાઈનેજીસ, ટોયલેટ, ડસ્ટબીન સહિતની સુવિધાઓ માટે રૂ.૨૬૯.૧૬ લાખ, સાબરમતી આશ્રમ ખાતે પ્રોજેકશન મેપીંગ શૉ અને ઓડીયો શૉ, કાફે, પ્રવેશ દ્વાર, લેન્ડસ્કેપીંગ, લાઈટીંગ, સાઈનેજીસ, સી. સી. ટી. વી., ટોયલેટ, ડસ્ટબીન સહિતની સુવિધાઓ માટે રૂ.૧૫૬૯.૯૪  લાખ, દાંડી બ્રીજ ખાતે અલગ અલગ સાઈનેજીસ,  સુશૉભન માટે રૂ.૧૮.૧૬ લાખ, રાજકોટમાં આફ્રેડ હાઈસ્કુલ ખાતે સેન્ટ્રલ  બ્લોકમાં પ્રોજેકશન મેપીંગ શૉ, પ્રવેશદ્વાર, કમ્પાઉન્ડ વોલ, કાફેટેરિઆ, પુસ્તકાલય, નોર્થ બ્લોકમાં લેન્ડસ્કેપીંગ તથા પરિસર વિકાસ, પ્રવાસી સવલત કેન્દ્ર, પ્રદર્શન હોલ, લાઈટીંગ, લિફટ, ફાયર સિસ્ટમ, સાઈનેજીસ, ટોયલેટ સહિતની સુવિધાઓ માટે રૂ.૧૯૮૬.૭૨ લાખ, તે ઉપરાંત રાજકોટના કબા ગાંધીના ડેલા ખાતે ઓડીયો વિઝયુઅલ શૉ માટેની તમામ કામગીરી, સ્ટ્રીટ લાઈટીંગ અને સુશૉભન, સાઈનેજીસ, ડસ્ટબીન માટે રૂ.૫૩.૬૫ લાખ મંજૂર થાય છે. 
 
તે ઉપરાંત રાજકોટની રાષ્ટ્રીય શાળા ખાતે પેસેજ અને પાથ વે, સુશૉભન, સાઈનેજીસ માટે રૂ.૭૭.૧૫લાખ, પોરબંદરના કીર્તિ મંદિર ખાતે ચોકથી શીતલમાતા મંદીર સુધી સ્ટ્રીટના કામો, ફુવારા, પીવાનું પાણી, સાઈનેજીસ માટે રૂ.૨૩૯.૬૪ લાખ, બારડોલીના પટેલ મ્યુઝીયમ ખાતે અલગ અલગ સાઈનેજીસ, કરાડી વિલેજ ખાતે લેન્ડ સ્કેપીંગ, સાઈટ સુશૉભન, બેન્ચીસ, લેક પેરીફરી, ટોયલેટ બ્લોક, સાઈનેજીસ, ડસ્ટબીન માટે રૂ.૩૮૧.૩૮ લાખ ઉપરાંત દાંડી મેમોરીયલ, દાંડી ખાતે પેવર બ્લોક સાથે પાર્કિંગ, પ્રવેશ દ્વાર તથા પ્રવેશ વિસ્તાર વિકાસ, પ્રવાસી સવલત કેન્દ્ર, કાફેટેરીયા, કમ્પાઉન્ડ વોલ, બાયો ટોયલેટ બ્લોક, સીક્યુરીટી અને કન્ટ્રોલ રૂમ, સ્ટ્રીટ લાઈટીંગ, સુશૉભન, સી.સી.ટી.વી., સાઈનેજીસ, ડસ્ટબીન સહિતની સુવિધાઓ માટે રૂ.૧૨૩૭.૪૬ લાખ  ફાળવવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, ગાંધી સર્કિટ પર પાંચ જગ્યાએ વે-સાઈડ એમીનિટીઝ માટે પણ રૂ.૨૨૫૨.પ૨ લાખ ફાળવવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી આ યોજના હેઠળ વિકાસ કાર્ય માટે કુલ રૂ.૩૮૨૭.૯૨ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
 
યોજના વિશે માહિતી આપતા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વદેશ દર્શન યોજના થીમ આધારિત પર્યટન સ્થળોનો એકીકૃત વિકાસ અને દેશમાં પર્યટન સંબંધિત મૂળભૂત માળખાકીય વિકાસ માટે પર્યટન મંત્રાલયની એક મુખ્ય યોજના છે. 
 
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ યોજનાનાં ઉદ્દેશ પર્યટનને આર્થિક પ્રગતિ અને રોજગારી સર્જનનાં મુખ્ય માધ્યમ સ્વરૂપે સ્થાપિત કરવું, પર્યટકોની સંભાવનાઓ ધરાવતા સ્થળોને આયોજનબદ્ધ અને પ્રાથમિકતાઓ સાથે વિકસાવવા, ચિન્હિત ક્ષેત્રોમાં આજીવિકાનાં સાધનોનું સર્જન કરવા માટે દેશનાં સાંસ્કૃતિક મૂલ્યો અને વારસાઓને પ્રોત્સાહન આપવું, સ્થળો/ગંતવ્યોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની મૂળભૂત સુવિધાઓનો સતત વિકાસ અને પર્યટન સંબંધિત આકર્ષણને વધારવું, સમુદાય આધારિત વિકાસ અને ગરીબ સમર્થિત પર્યટન દ્રષ્ટિકોણનું સમર્થન કરવું, સ્થાનિક સમુદાયો વચ્ચે પગારનાં સ્રોતોમાં વૃદ્ધિ, જીવનનાં સ્તરમાં સુધારો કરવો તથા ક્ષેત્રનાં સંપૂર્ણ વિકાસનાં સંદર્ભમાં પર્યટનનાં મહત્વ વિશે જાગૃતિ લાવવી, સ્થાનિક સમુદાયોનાં સક્રિય યોગદાનનાં માધ્યમથી રોજગારીનું સર્જન, રોજગારીનાં સાધનોનું સર્જન કરવા અને આર્થિક વિકાસ માટે પર્યટનની ક્ષમતાઓનો ઉપયોગ કરવો તથા થીમ આધારિત સર્કિટોનાં વિકાસનાં માધ્યમથી દેશનાં દરેક ક્ષેત્રમાં હાલની ક્ષમતાઓ અને ઉપલબ્ધ મૂળભૂત સુવિધાઓ, રાષ્ટ્રીય સંસ્કૃતિ અને સશક્તિ વિશિષ્ટતાઓનાં સંદર્ભમાં લાભનો સંપૂર્ણ ઉપયોગ કરવાનો છે.
 
સ્વદેશ દર્શન યોજના મારફતે પર્યટન મંત્રાલય દેશમાં મહત્વપૂર્ણ પર્યટન માળખાનો સતત અને સમાવેશક રીતે વિસ્તાર કરી રહ્યું છે, જેથી ભારતને વિશ્વસ્તરનું પ્રવાસન સ્થળ બનાવી શકાય. આ યોજના અંતર્ગત એવી જાહેર સુવિધાઓ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જેમાં ખાનગી ક્ષેત્ર રોકાણ કરવા તૈયાર નથી, એમાં અંતિમ સ્થાન સુધી સંપર્ક એટલે કે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી, ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટર્સ, રોડ પર સુવિધાઓ, ઘન કચરાનું નક્કર વ્યવસ્થાપન, વીજળીની વ્યવસ્થા, લેન્ડસ્કેપિંગ, પાર્કિંગ વગેરેની સુવિધા સામેલ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર