તમામ બોર્ડમાં ગુજરાતમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવા સરકારની જાહેરાત
મંગળવાર, 27 માર્ચ 2018 (14:42 IST)
ગુજરાતી ભાષાનો લોપ થઈ રહ્યો હોવાની કાગારોળ અને વાલીઓનો પોતાના સંતાનોને ઈંગ્લિશ મીડિયમમાં ભણાવવાના ક્રેઝને પરિણામે, ગુજરાતી ભાષા પ્રત્યે ગુજરાતમાં જ ઓરમાયું વર્તન થતું હોવાની ફરિયાદ વચ્ચે સરકારે હવે ગુજરાતી ભાષાને ફરજીયાત કરી દીધી છે. આ અંગે ટૂંક સમયમાં જ ગૃહમાં જાહેરાત કરવામાં આવશે. માત્ર એટલું જ નહીં આગામી સત્રથી તેનો અમલ પણ શરૂ કરવામાં આવશે. સરકાર દ્વારા એવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, જો ગુજરાતમાં રહેવું હોય અને ગુજરાતમાં શિક્ષણ મેળવવું હોય તો ગુજરાતી ફરજીયાતપણે ભણવું પડશે. ગુજરાતમાં તમામ બોર્ડ હેઠળ ગુજરાતી ભણાવવું ફરજીયાત થઈ જશે. જેથી હવે વિદ્યાર્થીઓએ ગુજરાતી શીખવું જ પડશે. આ અંગે આજે શિક્ષણ મંત્રીએ ગૃહમાં જાહેરાત કરી હતી. આ નવા નિર્ણયનો વર્ષ 2018-19ના પ્રથમ સત્રથી જ અમલ કરવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત હવેથી નવા સત્ર એટલે કે જુન 2018થી અથવા તો જે શાળાઓમાં સત્ર વહેલું શરૂ થતું હશે એવી શાળાઓમાં બીજા સત્રથી ગુજરાતી વિષય ફરજીયાત ભણાવવામાં આવશે. આ ઉપરાંત CBSE, ICSE, IB, CISCE, IGCSEની સાથે સાથે ગુજરાતી માધ્યમની અન્ય શાળાઓમાં ધોરણ 1થી 8માં ભણતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષય ફરજીયાત કરવામાં આવ્યો છે.