દિલ્હીની દિવાલો પર લખાયુ... 'હેલ હિટલર' કેજરીવાલ

મંગળવાર, 7 એપ્રિલ 2015 (10:45 IST)
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લગાવાયા છે. આ પોસ્ટર રાજધાનીમાં મહાદેવ રોડ પર લાગ્યા છે. આ પોસ્ટરોમાં કેજરીવાલને હિટલર બતાવ્યા છે. પોસ્ટરમાં લખ્યુ છે કે જો આમ આદમી પાર્ટીમાં રહેવુ છે તો અરવિંદ-અરવિંદ કહેવુ પડશે. આ પોસ્ટર ભગત સિંહ ક્રાંતિ સેનાએ લગાવ્યા છે. 
 
ભગત સિંહ ક્રાંતિ સેનાએ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર પહેલીવાર નથી લગાવ્યા, આ પહેલા એક એપ્રિલ મતલબ મૂર્ખ દિવસના અવસર પર પણ ભગત સિંહ ક્રાંતિ સેનાએ દિલ્હીમાં જુદા જુદા સ્થાન પર પોસ્ટર લગાવીને કેજરીવાલની મજાક ઉડાવી હતી. આ પોસ્ટરો દ્વારા દિલ્હીવાલાઓને કેજરીવાલ દિવસના નામથી શુભેચ્છા પાઠવી હતી.  
 
ભગત સિંહ ક્રાંતિ સેના પહેલા પણ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર હુમલો કરતી રહી છે. કાશ્મીર મુદ્દે પ્રશાંત ભૂષણના જનમત સંગ્રહવાળા નિવેદન પર જે વ્યક્તિએ ભૂષણના ઓફિસમાં ઘુસીને તેમની સાથે મારપીટ કરી હતી. એ પણ ભગત સિંહ ક્રાંતિ સેના સાથે જ સંબંધિત હતા. 

વેબદુનિયા પર વાંચો