સુભષચંદ્ર બોઝ - વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નેતાજીના મોતનુ રહસ્ય આજે અકબંધ

શનિવાર, 19 જાન્યુઆરી 2019 (15:56 IST)
નેતાજી સુભાષચંદ્ર બોઝના અવસાન અંગે આજે પણ હજુ રહસ્‍ય અકબંધ છે ત્‍યારે સત્તાવાર દસ્‍તાવેજ મુજબ ક્રાંતિકારી નેતા 18 ઓગસ્‍ટ, 1945એ સર્જાયેલી વિમાની દુર્ઘટનાનો ભોગ બન્‍યા હતા. નેતાજી બોમ્‍બર વિમાન કે-21ની પેટ્રોલની ટેન્‍ક પાસે બેઠા હતા. માહિતી અધિકાર ધારા (આરટીઆઈ) હેઠળ દસ્‍તાવેજો પ્રસિદ્ધ કરતાં સરકારે આ મુજબ જણાવ્‍યું હતું.
 
પ્રાપ્ત માહિતી મુજબ સુભાષચંત્ર બોઝ(નેતાજી) અંગેના 90 દસ્‍તાવેજોની વિગતો જાહેર કરવામાં આવી છે, જ્‍યારે 100 દસ્‍તાવેજોની વિગતો પ્રસિદ્ધ કરવાનો સરકારે ઈનકાર કર્યો હતો. સુભાષચંદ્ર બોઝના નજીકના સાથી હબીબ-ઉર-રહેમાનની પૂછપરછ કરનાર કાઉન્‍ટર ઈન્‍ટેલિજન્‍સના અહેવાલ મુજબ તાઈવાનના ફોર્મોસામાં તેઈહોકુ ખાતેની વિમાને ઉડ્ડયન કર્યું હતું, પરંતુ વધુ ઊંચાઈ હાંસલ કરે તે પહેલાં જ પ્રચંડ વિસ્‍ફોટ સાંભળ્‍યો હતો. જેના લીધે વિમાન બેફામ રીતે ધ્રૂજવા માંડયું હતું. ત્‍યાર બાદ વિમાન આગની જ્‍વાળાઓમાં લપેટાઈ ગયું હતું. 
 
તે સમયે નેતાજી પેટ્રોલ ટેન્‍ક પાસેની બેઠકે હોવાથી ભડકે બળતું પેટ્રોલ તેમનાં વસ્ત્રો પર પડયું હતું, એમ 29 સપ્‍ટેમ્‍બર, 1945ના અહેવાલમાં જણાવાયું હતું. નેતાજી અંગે વિગતો માંગનાર દિલ્‍હી સ્‍થિત મિશન નેતાજી નામના સંગઠનને આરટીઆઈ ધારા હેઠળ ડિક્‍લાસીફાઈડ દસ્‍તાવેજો પૂરા પાડવામાં આવ્‍યા હતા.
 
વિસ્‍ફોટ બાદ બોઝ વિમાન પાસે જ પડયા હતા. રહેમાન તેમની પાસે ગયા હતા અને આગમાં બળી ગયેલાં વસ્ત્રો દૂર કર્યા હતાં. ગળા અને માથામાં ઈજા ઉપરાંત દાઝી ગયા હોવા છતાં તેઓ વાતચીત કરે શકે તેટલા પ્રમાણમાં ભાનમાં આવી ગયા હતા, એમ ઈન્‍ડિયન નેશનલ આર્મીના ડેપ્‍યુટી ચીફ ઓફ સ્‍ટાફે જણાવ્‍યું હતું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર