દ્રોપદીથી લઈને દામિનીની ચિત્કાર... કૃષ્ણ હવે તો આવો
શનિવાર, 22 ડિસેમ્બર 2012 (15:24 IST)
P.R
હસ્તિનાપુરમાં દ્રોપદીનુ ચીરહરણ થયુ હતુ. ઈન્દ્રપ્રસ્થ(દિલ્લી)માં દામિનીનો બળાત્કાર. પ્રાચીનકાળથી જ સ્ત્રી પુરૂષો માટે પોતાના પૌરૂષ(?) અને 'પરાક્રમ' બતાડવાનું સહેલુ સાધન બનતી આવી છે.
દ્રોપદીના ચીરહરણથી કૌરવોને શુ મળવાનુ હતુ. એ તો માત્ર બીજાને દુ:ખી કરીને મેળવવાનુ જ સુખ હતુ. દ્રોપદીની સાથે પાંડવ પણ આ અપમાનથી પ્રતાડિત થયા. અપમાનિત અને દુ:ખી થયા. દામિનીના બળાત્કાર અને અત્યાચારથી પણ અમાનુષોને શુ મળ્યુ, વાસના તૃપ્ત કર્યા પછી પણ આટલો અત્યાચાર...તેનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો બીજાને દુ:ખી કરીને સુખ મેળવવાની ચેષ્ટા !!
શુ મહાભારતમાં આંધળા રાજા ધૃતરાષ્ટ્રે કૌરવો દ્વારા દ્રોપદીના ચિરહરણનું સમર્થન નહોતુ કર્યુ ? શુ મહાન ભીષ્મ પિતામહના હાથ એ અબળાને બચાવવા માટે ઉભા ન થઈ શક્યા ? નહી.. કોઈ રાજધર્મ સાથે બંધાયુ હતુ તો કોઈ પુત્રમોહ સાથે.. એટલુ જ નહી પત્નીરક્ષાના સૂત્રથી બંધાયેલા મહાપરાક્રમી પાંડવ પણ દાસ બનીને માથુ નમાવી બેસ્યા હતા. માનવતાના ધર્મથી તો ફક્ત ભગવાન જ બંધાયેલા હતા અને માત્ર કૃષ્ણ જ હતા જે દ્રોપદીનો જીવ બચાવવા માટે પ્રકટ થયા હતા.
બસ એ જ રીત આધુનિક ભારતવર્ષના શ્રેષ્ઠવર્ગ પણ સંવિધાન, કાયદા અને ન જાને કેવા કેવા બહાનાઓથી બંધાયેલા હોવાની વાતો કરીને સામુહિક બળાત્કારની ભોગ બનેલ દામિનીને બચાવવાની અધૂરી આશા લઈને પોતાની રીતે સ્વયંને બચાવીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.
લાગે છે કે હવે અન્યાય વિરુદ્ધ કૃષ્ણને ફરી આવવુ પડશે અને દિલ્હીમાં ઘણા દિવસોથી પોતાનો રોષ બતાવી રહેલ પ્રદર્શનકારીઓમાં હવે મુરલીધર સુદર્શનચક્રધારી કૃષ્ણની ઝલક જોવા મળી રહી છે. સ્ત્રી અત્યાચાર વિરુદ્ધ અથક અને નિરંતર પ્રદર્શનને જોઈને આ વાત સિદ્ધ થઈ રહી છે કે જનતા જ જનાર્દન છે અને જનાર્દન હવે અન્યાય નહી થવા દે...
હવે પ્રશ્ન એ છે કે માનવતાને જર્જરિત કરનાર આ અપરાધની સજા શુ હોવી જોઈએ.. દ્રોપદીના અપમાનના બદલાથી કુરુક્ષેત્રમાં મહાભારતનુ મહાયુદ્ધ લડાયુ અને ભારતવર્ષનો ઈતિહાસ બદલાઈ ગયો. પણ શુ દામિનીનો બદલો માત્ર થોડાક અમાનુષોને મૃત્યુદંડ આપીને રહી જાય કે પછી આ જાગૃત થયેલ જનતાના યુદ્ધઘોષથી એક એવા સમાજ અને દેશના સ્થાપનાની શરૂઆત થાય જેમા સ્ત્રીને સન્માનીય અને અપેક્ષિત દરજ્જો મળે.