ક્રિસ ગેલની આઈપીએલમાં સૌથી ઝડપી સદી, 30 બોલમાં સેંચુરી

મંગળવાર, 23 એપ્રિલ 2013 (17:55 IST)
આઈપીએલ 6ની 31મી મેચમાં પુણે વોરિયર્સના કપ્તાન એરોન ફિંચે રોયલ ચેલેંજર્સ બેંગલુરુ વિરુદ્ધ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પુણે વોરિયર્સે લક્ષ્યનો પીછો કરવુ ઠીક સમજ્યુ અને બેંગલુરુ રોયલ ચેલેંજર્સને પહેલા બેટિંગની તક આપી. પણ ક્રિસ ગેલે ફિંચના આ નિર્ણયને ખોટો સાબિત કર્યો. ક્રિસ ગેલે પોતાનુ પરાક્રમ બતાવતા માત્ર 30 બોલમાં સદી લગાવી. આ આઈપીએલની સૌથી ઝડપી સદી છે. ગેલે પોતાની સદીમાં 11 છક્કા અને 8 ચોક્કા લગાવ્યા.
P.R

પુણે વોરિયર્સે પોતાની અગાઉની મેચમાં પહેલા બેટિંગ કરતા મોટો સ્કોર બનાવ્યો હતો, પણ કિંગ્સ ઈલેવન પંજાબે આ લક્ષ્ય મેળવી લીધુ હતુ. પણ આ વખતે ટીમે લક્ષ્યનો પીછો કરવાનો નિર્ણય લીધો.

રોયલ ચેલેંજર્સ બેંગલુરુ માટે ક્રિસ ગેલ અને તિલકરત્ને દિલશાને રમતની શરૂઆત કરી. પણ રમત હજુ બીજી ઓવર સુધી પહોંચે તે પહેલા જ વરસાદ ચાલુ થયો. ઝડપી વરસાદને કારણે રમત રોકવી પડી. રમત રોકતી વખતે રોયલ ચેલેંજર્સ બેંગલુરુએ 1.2 ઓવરમા 11 રન બનાવ્યા હતા.

લગંભગ 30 મિનિટ પછી રમત શરૂ થઈ. ગેલે પાંડેની ઓવરમાં એક પછી એક ત્રણ ચોક્કા લગાવ્યા. બીજી ઓવરમાં ગેલે સતત પાંચ ચોક્કા માર્યા.

ત્યારબાદ ફિંચ પાંડેને બોલિંગ આપવાની હિમંત ન કરી શક્યા. પણ તેના સ્થાન પર બોલિંગ કરવા આવેલ મિશેલ માર્શની ઓવરમાં ગેલે ચાર છક્કા અને એક ચોક્કો લગાવીને કુલ 28 રન ઝૂંટવી લીધા. ગેલે ફક્ત 17 બોલમાં 6 સિક્સર અને 4 ચોક્કાની મદદથી પોતાના પચાસ રન પૂરા કર્યા.

ગેલે પોતાના બીજા 50 રનો માટે માત્ર 13 બોલ રમી અને કુલ 30 બોલમાં આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી બનાવી દીધી.

વેબદુનિયા પર વાંચો