મોદીના ગુજરાત પ્રવાસને પગલે 3500 જવાનોનો લોખંડી બંદોબસ્ત
ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (14:00 IST)
વડા પ્રધાનના ગુજરાત પ્રવાસને પગલે પોલીસને આજથી જ ખડેપગે તહેનાત કરી દેવામાં આવી હતી જેમાં રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝા સહિત 20 જેટલા આરપીએસ અધિકારીઓ, એટીએસ, ક્રાઈમબ્રાંચ, ડોગ સ્કવોર્ડ સહિત 3500 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમની સુરક્ષામાં ગોઠવી દેવામાં આવ્યા હતા એવું ગાંધીનગર પોલીસ ભવનના અધિકારીઓએ જણાવ્યું હતું. વડાપ્રધાનની સુરક્ષાને લઈને પોલીસને તેમના પસાર થવાના માર્ગ પર ઠેરઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એરપોર્ટ, વી.એસ હૉસ્પિટલ તેમજ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમો શાંતિપૂર્વક થાય તે માટે પોલીસ બંદોબસ્તમાં ગોઠવી દેવાના આદેશો ડીજી ઑફિસથી કરવામાં આવ્યા છે. વી.એસ હૉસ્પિટલમાં ઉદ્ઘાટન માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિત 10 આઈપીએસ અધિકારીઓ ઉપરાંત ડીજીપી ઑફિસ દ્વારા પણ બીજા 10 આઈપીએસ અધિકારીઓ સહિત 20 અધિકારીઓ તેમજ 30 ડીવાયએસપી, 50 પીઆઈ, 80 પીએસઆઈ અને પાંચ એસઆરપીની ટુકડીઓ બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવી છે. વાયબ્રન્ટ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સહિત વિદેશી મહેમાનો પણ આવતા હોવાથી રાજ્ય પોલીસ વડાએ તેમની સુરક્ષામાં કચાશ રહી ન જાય તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.