World Cup Final 2023 - ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા જીતશે કે ભારત? પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો શું કહે છે ?

શુક્રવાર, 17 નવેમ્બર 2023 (19:30 IST)
india vs austreliya
કોલકાતામાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપની સેમીફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને એક રોમાંચક મુકાબલામાં ત્રણ વિકેટથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
 
રવિવારે અમદાવાદમાં ફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયા અને ભારત રમશે.
 
ભારતે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 10 મૅચ રમી છે અને બધી જ ભારતે જીતી છે. તો ઑસ્ટ્રેલિયાએ રમેલી 10 મૅચમાંથી આઠ મૅચ જીતી છે.
 
ગ્રૂપ મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. કહેવાય છે કે જો ફાઈનલમાં ભારત સામે દક્ષિણ આફ્રિકા હોત તો ભારત માટે મૅચ સરળ રહેતી.
 
કેટલાય લોકો 2003ના વર્લ્ડકપનો ફાઇનલ મુકાબલો યાદ કરી રહ્યા છે જેમાં ભારતને ઑસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું.
 
જોકે 2003 અને 2023ની ટીમ ઇન્ડિયામાં ફેર ઘણો છે. આ ટીમની સરખામણી 20 વર્ષ પહેલાના ફાઇનલ મુકાબલા સાથે ના કરી શકાય.
 
વર્લ્ડકપના ફાઈનલ મૅચમાં ઑસ્ટ્રેલિયા ભારે પડશે કે ભારત? આ બાબતે વિવિધ વાતો થઈ રહી છે. આ કહાણીમાં વાંચો પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટ નિષ્ણાતો આ ફાઇનલ મૅચ વિશે શું કહી રહ્યા છે?
 
જાણકારો માનીને ચાલે છે કે ઑસ્ટ્રેલિયા મજબૂત ટીમ છે પણ ભારત પણ આ વખતે સારા ફોર્મમાં છે. આવામાં બંને વચ્ચેની મૅચ ખૂબ રસપ્રદ હોઈ શકે છે.
 
ક્રિકેટ પર આધારિત પાકિસ્તાનના નિષ્ણાત કે. એ. સ્પૉર્ટ્સના કાર્યક્રમ 'ધ પેલેવિયન'માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન શોએબ મલિકે એક સવાલનો જવાબ આપતા ઑસ્ટ્રેલિયાની જીત વિશે કહ્યું હતું કે "વર્લ્ડકપ આ વખતે ઑસ્ટ્રેલિયા જીતશે."
 
શોએબ મલિક કહે છે, “ઑસ્ટ્રેલિયાની ટીમ જ્યારે દબાણમાં હોય છે, તો તે તેને જે રીતે સંભાળે છે એવું કોઈ નથી કરતું. રહી વાત ભારતની તો બધી વાતો તેના પક્ષમાં છે. બસ એટલું થઈ શકે છે કે એ દિવસ તેમના માટે ખરાબ દિવસ ના હોય.”
 
“આ વખતના વર્લ્ડકપમાં ભારતે અત્યાર સુધી શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું છે, તે સતત જીત મેળવે છે. આવામાં ભારત પાસે ઘણી આશા છે.”
 
આ કાર્યક્રમમાં પાકિસ્તાનના પૂર્વ કૅપ્ટન વસીમ અકરમે કહ્યું, "ભારતની જીતની સંભાવના વધારે છે કારણ કે આ તેમના માટે તેમનું હોમ ગ્રાઉન્ડ છે."
 
વસીમ કહે છે, “આપણે માત્ર રાઈનો પહાડ બનાવી રહ્યા છીએ.”
 
વસીમ અકરમે કહ્યું, “સારું એ થતું કે ફાઈનલમાં ભારત સામે દક્ષિણ આફ્રિકા હોત. ભારત માટે રમત સરળ રહેતી પણ ઑસ્ટ્રેલિયા સામે રમવું ભારત માટે પડકારજનક હોઈ શકે છે.”
 
તેઓ કહે છે, “ઑસ્ટ્રેલિયા એક ટફ ટીમ છે અને મેદાનમાં ઝઝૂમે છે. બંને ટીમ પ્રેશરને સારી રીતે હૅન્ડલ કરે છે, મજબૂત છે. ભારતની ટીમ તેના સારા ફોર્મમાં છે.”
 
“પણ ઑસ્ટ્રેલિયાની ટીમ સાથે એક તકલીફ એ છે કે જો શરૂઆત કરનારા બે ખેલાડી પેવેલિયન ભેગા થયા તો આખી ટીમ ડામાડોળ થવાનો ખતરો ઊભો થાય છે, પણ આ સ્થિતિમાં ભારત મજબૂત છે.”
 
સેમીફાઇનલ મૅચમાં 7 વિકેટ લેનારા મોહમ્મદ શમીના વિષયમાં વસીમ અકરમે કહ્યું, “તેઓ સવાલો પછી સવાલો પૂછે છે, નવી વાતો શીખતા રહે છે અને આજે જે કંઈ બન્યા છે તે તેમની પોતાની મહેનતનું પરિણામ છે.”
 
આ કાર્યક્રમમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મોઈન ખાને કહ્યું, “ભારત પાસે પાંચ બૉલર છે પણ આમાંથી કોઈ ઘાયલ થઈ ગયું તો ભારત માટે સ્થિતિ બગડી શકે છે.”
 
તેમણે કહ્યું, “આવું થઈ શકે છે. આ પછી તમારી પાસે પર્યાય નથી. પણ ભારત પાસે સારા બૉલર છે અને તેમણે તેમની રમત પર ધ્યાન આપવું જોઈએ.”
 
પાકિસ્તાન ક્રિકેટ ટીમના એક પૂર્વ કૅપ્ટન મિસ્બાહ ઉલ-હકે કહ્યું, “ભારત પાસે પાંચ ઇમ્પેક્ટ પ્લેયર છે પણ ઑસ્ટ્રેલિયામાં તેની ખામી છે.”
 
ત્યાં એઆરવાય ટીવીના એક કાર્યક્રમમાં ક્રિકેટર ઇમાદ વસીમે રોહિત શર્મા વિશે આશા વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ આજના સમયમાં દુનિયાના સૌથી સારા કૅપ્ટનમાંથી એક છે.
 
તેમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ફાઈનલમાં જીત્યા પછી શું રોહિત શર્માએ નિવૃત્ત થઈ જવું જોઈએ? આના જવાબમાં તેમણે કહ્યું, “તેમણે નિવૃત્તિ ના લેવી જોઈએ. તેમણે આવું કંઈ જ ના કરવું જોઈએ.”
 
કોણ કેટલીવાર ફાઇનલમાં પહોંચ્યું, કોણ કેટલીવાર જીત્યું
અત્યાર સુધી વર્લ્ડકપની 13 ટુર્નામેન્ટ આયોજીત થઈ છે.
 
ઑસ્ટ્રેલિયાએ અત્યાર સુધી પાંચ ટુર્નામેન્ટમાં જીત મેળવી છે. (1987, 1999, 2003, 2007, 2015) અને બે વાર તે ફાઇનલમાં હાર્યું છે.
 
ભારત અત્યાર સુધી બે વાર ફાઇનલમાં જીત્યું છે. (1983 અને 2011) અને 2003માં એકવાર ફાઇનલમાં તેને હાર મળી છે.
 
વેસ્ટઇન્ડિઝે અત્યાર સુધી બે વાર જીત મેળવી છે. (1974, 1979) અને એકવાર (1983) ફાઇનલમાં તે હારી ગયું હતું. આ વર્ષના વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે ભાગ નથી લીધો. વેસ્ટ ઇન્ડિઝ આ વખતે ક્વૉલિફાય નહોતું કરી શક્યું.
 
ઈંગ્લૅન્ડ, શ્રીલંકા, પાકિસ્તાને એક એક વાર વર્લ્ડકપ જીત્યો છે. ઈંગ્લૅન્ડે 2019માં, શ્રીલંકાએ 1996માં અને પાકિસ્તાને 1992માં વર્લ્ડકપ જીત્યો હતો.
 
ઈંગ્લૅન્ડ ત્રણવાર (1979, 1987, 1992), શ્રીલંકા બે વાર (2007, 2011) અને પાકિસ્તાન એકવાર (1999)વર્લ્ડકપ ફાઇનલમાં હારી ચૂક્યા છે.
 
ન્યૂઝીલૅન્ડ બે વાર (2015, 2019) વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચ્યું છે અને બંને વાર તે હારી ગયું હતું.
 
દક્ષિણ આફ્રિકા અત્યાર સુધી વર્લ્ડકપ ફાઇનલ સુધી નથી પહોંચી શક્યું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર