બીજેપીએ મહારાષ્ટ્રમાં મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક (Mumbai North Central Lok Sabha Seat) પરથી આતંકવાદીઓ અને ગુનેગારો સામે કેસ લડનારા જાણીતાવકીલ ઉજ્જવલ નિકમને (Ujjwal Nikam) પાર્ટીના લોકસભા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. બીજેપીએ આ બેઠક પરથી વર્તમાન સાંસદ પૂનમ મહાજનની ટિકિટ કાપી છે અને ઉજ્જવલ નિકમને ઉમેદવાર જાહેર કર્યા છે. પૂનમ મહાજન પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ પ્રમોદ મહાજનની પુત્રી છે. વર્ષા ગાયકવાડને મહાવિકાસ આઘાડી દ્વારા આ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં વર્ષા ગાયકવાડ વિરુદ્ધ ઉજ્જવલ નિકમ નોર્થ સેન્ટ્રલ મુંબઈમાં જોવા મળશે.
બીજેપીનું 15મુ લીસ્ટ જાહેર
ભાજપે શનિવારે લોકસભાના ઉમેદવારોની 15મી યાદી જાહેર કરી. જેમાં પાર્ટીએ માત્ર ઉજ્જવલ નિકમની ઉમેદવારીની જાહેરાત કરી છે. જો રાજકીય સૂત્રોનું માનીએ તો છેલ્લા કેટલાક દિવસોથી ખાસ સરકારી વકીલ તરીકે કામ કરનાર ઉજ્જવ નિકમના નામની ચર્ચા થઈ રહી હતી. આ પછી આખરે શનિવારે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી.
કોણ છે ઉજ્જવલ નિકમ?
કાયદાકીય વિદ્વાન તરીકે જાણીતા ઉજ્જવલ નિકમે દેશના ઘણા મહત્વના કેસ પર કામ કર્યું છે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ઉજ્જવલ નિકમે 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટ અને 2008માં 26/11ના આતંકી હુમલાના ગુનેગારો સહિત અનેક હાઈપ્રોફાઈલ કેસોમાં ગુનેગારો અને આતંકવાદીઓ વિરુદ્ધ કેસ લડ્યા છે અને તેમને દોષિત ઠેરવ્યા છે. આ ઉપરાંત તેમણે ખેરલાંજી, સોનાઈમાં દલિત અત્યાચાર કેસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પૂનમ મહાજનની ટિકિટ કેમ કેન્સલ થઈ?
પૂનમ મહાજન 2014 અને 2019માં મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા સીટ પરથી ચૂંટાઈ આવ્યા હતા. તેઓ ભાજપની યુવા શાખા ના પૂર્વ અધ્યક્ષ પણ છે. પાર્ટીના નેતાઓએ કહ્યું છે કે તેમને હટાવવાનો નિર્ણય સંગઠનાત્મક પ્રતિક્રિયા પર આધારિત છે. જોકે થોડા સમયથી એવા સંકેતો હતા કે પૂનમ મહાજનને હટાવવામાં આવશે, પરંતુ પાર્ટીને તેમના સ્થાને યોગ્ય ઉમેદવાર શોધવામાં સમય લાગ્યો.
કોંગ્રેસ વર્ષા ગાયકવાડ બનાવ્યા છે ઉમેદવાર
કોંગ્રેસે તેના શહેર એકમના પ્રમુખ અને ધારાવીના ધારાસભ્ય વર્ષા ગાયકવાડને મુંબઈ ઉત્તર મધ્યથી મેદાનમાં ઉતાર્યા છે. મુંબઈમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 20 મેના રોજ મતદાન થવાનું છે.