લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. જેમાં કોઈપણ એક પક્ષને સંપૂર્ણ બહુમતી મળી નથી. એટલે કે કેન્દ્રમાં ગઠબંધન સરકાર રચાવાનું નક્કી છે. NDA પાસે સરકાર રચવા માટે પૂરતો આંકડો છે. બીજી તરફ INDI એલાયન્સ પણ સ્વભાવિક રીતે 272ના આંકડા સુધી કઈ રીતે પહોંચવું તેની ગણતરી કરી રહ્યુ છે. 2024 લોકસભાની ચૂંટણીમાં કુલ 7 અપક્ષ ઉમેદવારો જીત્યા છે. જેમાંના એક દમણ-દિવ બેઠક પરના ઉમેશ પટેલ છે. પોતાનું સમર્થન લેવા માટે ભાજપ અને કોંગ્રેસે સંપર્ક કર્યો હોવાનો ઉમેશ પટેલે દાવો કર્યો હતો.
ભાજપ અને કોંગ્રેસે સંપર્ક કર્યો હોવાનો ઉમેશ પટેલે દાવો કર્યો
કેન્દ્રમાં સરકાર રચવા માટે ભાજપને તેના સાથીપક્ષોનો ટેકો અનિવાર્ય બન્યો છે. એવામાં નાના પક્ષના વિજેતા થયેલા ઉમેદવારો અને અપક્ષ તરીકે વિજેતા થયેલા ઉમેદવારોનું મહત્વ પણ વધી ગયું છે. સરકાર રચવા માટે NDA પાસે બહુમતી છે. બીજી તરફ INDI એલાયન્સે પણ તેના સાથીપક્ષો સાથે વાતચીતનો દૌર શરૂ કર્યો છે.ત્યારે દમણ-દિવ બેઠક પર અપક્ષ તરીકે વિજેતા થયેલા ઉમેશ પટેલે આજે દાવો કરતા કહ્યું હતું કે, તેમના સમર્થન માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આગામી દિવસોમાં દમણ અને દિવના તેમના સમર્થકો અને અગ્રણીઓ સાથે ચર્ચા વિચરણા કર્યા બાદ આ અંગે નિર્ણય કરશે.