અલ્પેશ ઠાકોર ટીકિટ માટે કોંગ્રેસને બ્લેકમેલ કરી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું
મંગળવાર, 26 માર્ચ 2019 (14:36 IST)
અગાઉ મારી લોકસભા લડવાની કોઈ જ ઈચ્છા નથી એવું કહેનાર અલ્પેશ ઠાકોર હવે કોંગ્રેસ હાઈકમાન્ડને પોતાને ટિકિટ મળે તે માટે બ્લેકમેઈલિંગ કરી રહ્યો છે. કોંગ્રેસના રાજકીય સુત્રોના જણાવ્યા અનુસાર અલ્પેશે ગુજરાતના કોંગી નેતાઓને અલ્ટિમેટમ પણ આપ્યું છે કે જો મને લોકસભાની ટિકિટ ના મળી તો જોયા જેવી થશે. અલ્પેશની આ જિદ્દનું સમાધાન કરવા ધાનાણી- ચાવડા આજે દિલ્હીમાં રાહુલ ગાંધીને પણ મળવાના છે. પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોરને ટિકિટ આપવાનું કોંગ્રેસે મન બનાવી લેતાં અલ્પેશ ઠાકોરે નારાજ થયાં છે. અલ્પેશ ધાનાણી અને ચાવડાને બ્લેકમેઈલિંગ કરવાનું શરૂ કર્યું છે. આ સાથે સાબરકાંઠા બેઠક પરથી ઠાકોર સેનાના ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવા માટે પણ લોબિંગ કરી રહ્યો છે. જોકે અમિત ચાવડાએ જગદીશ ઠાકોર સાથે એકમત થઈ અલ્પેશને ચૂંટણી પ્રચારમાં લાગી જવા સુચવ્યું છે. હાર્દિક પટેલને જામનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારી કરાવશે એવું નિશ્ચિત બનાતા અલ્પેશ ઠાકોર પણ હાઈકમાન્ડ પાસે પહોંચ્યો છે. સુત્રોના કહેવા મુજબ અલ્પેશે હાઈકમાન્ડને કહ્યું છે કે જો હાર્દિકને લોકસભા લડાવો તો હું માત્ર ધારાસભ્ય ના રહી શકું.