રાજકોટથી લોકસભાની ટીકિટ કપાતા સાંસદ મોહન કુંડારિયાનો કટાક્ષ

બુધવાર, 6 માર્ચ 2024 (15:11 IST)
mohan kundariya
- ભાજપ એ માં સમાન છે. 
- નાનુ બાળક રમકડા માટે રડતું હોય તો માતા મોટા બાળક પાસેથી રમકડું લઈને નાના બાળકને આપી દે 
- બમણી લીડ રૂપાલાને મળે તે માટેનાં પ્રયાસો કરીશું
- ટીકિટ કપાતા પત્રકાર પરિષદમાં નારાજગી જોવા મળી
 
ગુજરાતમાં ભાજપે પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં રાજકોટ બેઠક પરથી બે વખત સાંસદ રહેલા મોહન કુંડારિયાની આ વખતે ટીકિટ કપાઈ છે. આજે તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે,મને 9 વખત ભાજપમાંથી ચૂંટણી લડવાની તક મળી અને તેમાંથી 8 વખત જીત મેળવી. જોકે આ સમયે તેમને લોકસભાની ટિકિટ કપાવવા મુદ્દે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ભાજપ એ માં સમાન છે. નાનુ બાળક રમકડા માટે રડતું હોય તો માતા મોટા બાળક પાસેથી રમકડું લઈને નાના બાળકને આપી દે છે. આ જ ભાજપની પ્રક્રિયા છે. આ રીતે કુંડારીયાએ કટાક્ષ કર્યો હતો. 
 
બમણી લીડ રૂપાલાને મળે તે માટેનાં પ્રયાસો કરીશું
મોહન કુંડારિયાએ જણાવ્યુ હતું કે, છેલ્લી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી મને લોકસભાની ચૂંટણી લડવાની તક આપી હતી. તે જ રીતે ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડે પરષોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટેની ટિકિટ આપી છે. ત્યારે તેમને જીતાડવાની જવાબદારી અમારા સૌ કોઈની છે. મને પણ ભારતીય જનતા પાર્ટીએ 9 વખત ટિકિટ આપી અને 8 વખત ચૂંટણી લડ્યો છું અને જીત્યો પણ છું. મંત્રીમંડળમાં પણ મને કામ કરવાની તક આપી છે.તેમણે કરેલા કટાક્ષને લઈને રાજકીય વર્તુળોમાં અનેક અર્થ કાઢવામાં આવી રહ્યાં છે. તેમના કહેવા પ્રમાણે અત્યારે અહીં સવાલ એ છે કે શું લોકસભાની ટિકિટ એ રમકડું છે? અને પરષોત્તમ રૂપાલા નાનું બાળક છે? આ પ્રકારની ભૂમિકા ભાજપની હોવાનું તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, લોકસભાની ચૂંટણીમાં અગાઉ મને ટિકિટ મળી હતી તેના કરતાં બમણી લીડ રૂપાલાને મળે તે માટેનાં પ્રયાસો રહેશે. 
 
ટીકિટ કપાતા પત્રકાર પરિષદમાં નારાજગી જોવા મળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે મોહન કુંડારીયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ રાજકોટથી ધારાસભ્યની ચૂંટણી લડી મુખ્યમંત્રી બન્યા અને આજે તેઓ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. ત્યારથી અત્યાર સુધી તેમની સાથે કામ કરવાની મને તક મળી છે. ગુજરાતમાં 2 વખત મંત્રીમંડળમાં કામ કર્યું અને કેન્દ્રમાં પણ તેમની સરકારમાં કામ કરવાની તક મળી છે. જે માણસ 18 કલાક સુધી કામ કરે છે ત્યારે તેમનામાંથી અમને પણ ઘણી પ્રેરણા મળી છે. કાર્યકર્તાઓ સાથે સારામાં સારું વર્તન કરવું અને ભાઈચારાની લાગણી ઉભી કરવી તે ગુણ અમને તેનામાંથી પ્રાપ્ત થયા છે. સાંસદ મોહન કુંડારિયાએ પત્રકાર પરિષદમાં સંબોધન કર્યા બાદ રાજકોટ ભાજપમાં અનેક તર્કવિતર્કો શરૂ થઈ ગયાં છે. કુંડારિયાની ટીકિટ કપાતા તેમની નારાજગી પત્રકાર પરિષદમાં જોવા મળી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર