ગુજરાતમાં આજથી દારૂ અને જુગારના અડ્ડાઓ શોધી બંધ કરાવવા પોલીસ વડાએ સૂચના આપી
મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (12:08 IST)
રાજ્યમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સ્થાનિક પોલીસ દ્વારા ચલાવવા દેવામાં આવે છે. જેને અંકુશમાં લેવા રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ 15 દિવસની દારૂ-જુગારની ડ્રાઇવ ચલાવવા આદેશ કર્યો છે. 3 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ કરાવી કેસો કરવા જણાવ્યું છે. ભૂતકાળમાં જ્યાં પણ અડ્ડાઓ ચાલતાં હતા તે તપાસવા અને લિસ્ટેડ બુટલેગર ત્યાં તપાસ કરી રેઇડ કરવા સૂચના અપાઈ છે. દારૂ અને જુગારમાં નાસતાં ફરતા આરોપીઓને પકડવા પણ સૂચના આપવામાં આવી છે. તમામ શહેર-જીલ્લા ખાતે દારૂ અને જુગારની પ્રવૃતિ ઉપર દરોડા પાડવાનો આદેશ આપ્યો છે. એલ.સી.બી. અને ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબીને પણ મહત્તમ દરોડાઓ પાડવા કહ્યું છે. અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર કેસો બતાવવા પૂરતી કામગીરી ન કરે તે ખાસ જણાવ્યું છે. અસરકારક કામગીરી કરવામાં આવે અને યાંત્રિક રીતે ખાલી બતાવવા પૂરતી રેડ ન કરવામાં આવે તે માટે ખાસ કમિશનર અને જિલ્લા રેન્જ અને વડાઓએ અંગત ધ્યાન રાખવા સૂચના આપી છે. સિનિયર અધિકારીઓ દ્વારા પોલીસ સ્ટેશન, ઝોન અને જિલ્લામાં ક્રોસ રેડ પણ કરાવી સક્રિય કામગીરી કરવા આદેશ કર્યા છે.