ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ - 100 વર્ષ જૂના વિવાદની કહાણી જેની આગ હજુ ભભૂકી રહી છે

બુધવાર, 11 ઑક્ટોબર 2023 (11:20 IST)
ઇઝરાયલ પર શનિવારના રોજ ગાઝાથી અચાનક મોટો હુમલો થયો. ત્યાર બાદ ઇઝરાયલ તરફથી જવાબી કાર્યવાહી શરૂ કરવામાં આવી અને એક જૂનો વિવાદમાં ફરી હિંસોનો નવો તબક્કો શરૂ થયો.
 
ઇઝરાયલ પર હુમલાની જવાબદારી પેલેસ્ટાઇનના ચરમપંથી સંગઠન હમાસે લીધી છે. હમાસે જેટલા મોટા પ્રમાણ પર ઇઝરાયલ પર હુમલો કર્યો છે, તેને અભૂતપૂર્વ કહેવામાં આવી રહ્યો છે.
 
હમાસનો દાવો છે કે તેણે શનિવાર સવારે ઇઝરાયલ પર પાંચ હજાર રૉકેટ છોડ્યા. ઇઝરાયલના કેટલાંક શહેરોમાં જાનમાલનું ઘણું નુકસાન થયું છે.
 
અધિકારીઓનું કહેવું છે કે હુમલામાં 100 જેટલા ઇઝરાયલના નાગરિકોનું મૃત્યુ થયું છે અને 500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
 
જવાબમાં ઇઝરાયલે કાર્યવાહી શરૂ કરી અને તેણે ગાઝા પટ્ટીમાં હમાસનાં 17 સૈન્ય ઠેકાણાં અને ચાર હેડક્વાર્ટર પર હવાઈ હુમલા કર્યા જેમાં સ્થાનિક અધિકારીઓ અનુસાર 161 પેલેસ્ટાઇનિયન લોકોનું મૃત્યુ થયું અને એક હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
 
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે કેટલાક દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો છે. આને લઈને અનેક વખત યુદ્ધ પણ થયાં અને યુદ્ધ જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ ચૂકી છે.
 
આ વિવાદનાં મૂળિયાં સો વર્ષ જૂનાં છે જ્યારે યહૂદીઓ માટે એક અલગ દેશની માગ ઊઠી. વાંચો આ વિવાદનાં મૂળિયા ક્યાં સુધી પહોંચે છે અને ક્યારે શું થયું.
 
સો વર્ષ જૂનો વિવાદ
વીસમી સદીની શરૂઆતમાં યુરોપમાં યહૂદીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. આ પરિસ્થિતિમાં યહૂદી લોકો માટે એક અલગ દેશની માગ જોર પકડવા લાગી. ભૂમધ્યસાહર અને જૉર્ડનની વચ્ચે સ્થિત પેલેસ્ટાઇનનો વિસ્તાર મુસ્લિમ, યહૂદી અને ખ્રિસ્તી ધર્મ, એમ ત્રણેય ધર્મો માટે પવિત્ર માનવામાં આવે છે.
 
આ વિસ્તાર પર ઑટોમન સામ્રાજ્યનું નિયંત્રણ હતું અને એ મોટાભાગે આરબો તથા બીજા મુસ્લિમ સમુદાયોનો કબજો રહ્યો.
 
આ દરમિયાન અહીં યહૂદી લોકો મોટી સંખ્યામાં આવીને વસવા લાગ્યા અને સ્થાનિક લોકોમાં તેમને લઈને વિરોધ શરૂ થયો.
 
પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઑટોમન સામ્રાજ્ય ભાંગી પડ્યું અને બ્રિટનને રાષ્ટ્ર સંધ તરફથી પેલેસ્ટાઇનનું પ્રશાસન પોતાના નિયંત્રણમાં લેવાની મંજૂરી મળી ગઈ.
 
પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં અને લડાઈ દરમિયાન અંગ્રેજોએ આરબો અને યહૂદી લોકોને કેટલાક વાયદા કર્યા હતા. આ વાયદાઓમાંથી થોડાં એવાં વચનો પણ તેઓ પૂરા નહોતા કરી શક્યા.
 
બ્રિટને ફ્રાન્સ સાથે પહેલાં જ મધ્યપૂર્વનું વિભાજન કરવામાં આવ્યું. તેના કારણે આરબ લોકો અને યહૂદીઓ વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ અને બંને જ પશ્રોના સશસ્ત્ર જૂથો વચ્ચે હિંસક સંઘર્ષ શરૂ થયો.
 
બીજા વિશ્વયુદ્ધ અને નાજીઓના હાથે યહૂદીઓના વ્યાપક નરસંહાર પછી યહૂદીઓ માટે અલગ દેશની માગને લઈને દબાવ વધવા લાગે. તે વખતે એવી યોજના બની કે બ્રિટનના નિયંત્રણવાળા વિસ્તારોને પેલેસ્ટાઇન અને યહૂદીઓ વચ્ચે વહેંચવામાં આવશે.
 
1948 બાદની સ્થિતિ
 
1947માં સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઇનને યહૂદીઓ અને આરબો માટે અલગ-અલગ રાષ્ટ્રમાં વિભાજિત કરવા મતદાન થયું અને જેરુસલેમને એક આંતરરાષ્ટ્રીય શહેર બનાવાયું.
 
આ યોજનાને યહૂદી નેતાઓએ સ્વીકાર કરી જ્યારે આરબ પક્ષે ખારિજ કરી અને એ ક્યારેય લાગુ ન થઈ.
 
1948માં સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ થઈને બ્રિટિશ શાસકો જતા રહ્યા.
 
આખરે 14 મે, 1948ના રોજ ઇઝરાયલની સ્થાપના થઈ ગઈ અને સાથે જ સ્થાનિક તણાવ ક્ષેત્રીય વિવાદમાં ફેરવાઈ ગયો.
 
બીજા જ દિવસે ઇજિપ્ત, જૉર્ડન, સીરિયા અને ઇરાકે આ વિસ્તાર પર હુમલો કરી દીધો. આ પ્રથમ આરબ-ઇઝરાયલ સંઘર્ષ હતો. એને જ યહૂદીઓનો સ્વતંત્રતા સંગ્રામ પણ કહેવામાં આવે છે. આ લડાઈ ખતમ થયા પછી સંયુક્ત રાષ્ટ્રએ આરબ રાજ્ય માટે અડધી જમીન મુકરર કરી.
 
પેલેસ્ટાઇન માટે એ ત્રાસદીની શરૂઆત થઈ ગઈ. સાડા સાત લાખ પેલેસ્ટાઇનવાસીઓએ પાડોશી દેશમાં ભાગીને દેશોમાં શરણું લેવું પડ્યું અથવા તો યહૂદી સશસ્ત્ર દળોએ તેમને બેદખલ કરી દીધા.
 
પરંતુ વર્ષ 1948 યહૂદીઓ અને આરબો માટે આખરી સંઘર્ષ નહોતો. વર્ષ 1956માં સુએજ નહેરને લઈને વિવાદ થયો અને ઇઝરાયલ તથા ઇજિપ્ત ફરી એકબીજા સામે ઊભા થઈ ગયા. પરંતુ આ મામલો મેદાન-એ-જંગની બહાર ઉકેલી લેવાયો.
 
પરંતુ વર્ષ 1967માં છ દિવસો સુધી ચાલેલા આરબ-ઇઝરાયલ સંઘર્ષ એક રીતે છેલ્લી મોટી લડાઈ હતી. એ વર્ષે પાંચ જૂન વચ્ચે જે થયું તેનો દીર્ઘકાલીન પ્રભાવ ઘણા સ્તરો પર જોવા મળ્યો.
 
આરબ દેશોના સૈનિક ગઠબંધન પર ઇઝરાયલને જીત મળી. ગાઝા પટ્ટી, ઇજિપ્તનનો સિનાઇ પ્રાયદ્વીપ, જૉર્ડનથી વેસ્ટ બૅન્ક (પૂર્વીય જેરુસલેમ સહિત) અને સીરિયાથી ગોલન હાઇટ્સ તેના નિયંત્રણમાં આવી ગયું. પાંચ લાખ પેલેસ્ટાઇનવાસી વિસ્થાપિત થઈ ગયા.
 
છેલ્લું આરબ ઇઝરાયલ યુદ્ધ વર્ષ 1973નું યોમ કિપ્પુર યુદ્ધ હતું. ઇજિપ્ત અને સીરિયાએ ઇઝરાયલ વિરુદ્ધ જંગ લડી. ઇજિપ્તને સિનાઇ પ્રાયદ્વીપ ફરીથી મળી ગયો. વર્ષ 1982માં ઇઝરાયલે આ ક્ષેત્ર પર પોતાનો દાવો છોડી દીધો પરંતુ ગાઝા પર નહીં. છ વર્ષો પછી ઇજિપ્ત ઇઝરાયલ સાથે શાંતિ સમજૂતી કરનારો પહેલો આરબ દેશ બન્યો. જૉર્ડને પણ પછી એનું અનુસરણ કર્યું.
 
ઇઝરાયલની સ્થાપના મધ્યપૂર્વમાં કેમ થઈ
 
યહૂદીઓ માને છે કે આજે જ્યાં ઇઝરાયલ વસેલું છે, તે એ જ વિસ્તાર છે, જે ઇશ્વરે તેમના પ્રથમ પૂર્વજ અબ્રાહમ અને તેમના વશંજોને આપવાનું વચન આપ્યું હતું.
 
જૂના જમાનામાં આ વિસ્તાર પર અસીરિયા (આજનું ઈરાન, તુર્કી અને સીરિયામાં રહેતા કબિલાના લોકો), બૅબીલૉન, પર્શિયા, મકદૂનિયા અને રોમન લોકોના હુમલા થતાં રહેતા હતા. રોમન સામ્રાજ્યમાં જ આ વિસ્તારને પેલેસ્ટાઇન નામ આપવામાં આવ્યું હતું અને ઈસાના સાત દાયકા બાદ યદૂહી લોકો આ વિસ્તારમાંથી બેદખલ કરી દેવાયા.
 
ઇસ્લામના અભ્યુદય સાથે 7મી સદીમાં પેલેસ્ટાઇન આરબોના નિયંત્રણમાં આવી ગયું અને પછી યુરોપના હુમલાખોરોએ આના પર વિજય મેળવ્યો. વર્ષ 1516માં આ તુર્કીના નિયંત્રણમાં ચાલ્યું ગયું અને પછી પ્રથમ વિશ્વ યુદ્ધ સુધી બ્રિટનના કબજામાં જવા સુધી યથાસ્થિતિ રહી.
 
પેલેસ્ટાઇન પર સંયુક્ત રાષ્ટ્રની એક વિશેષ સમિતિએ ત્રીજી સપ્ટેમ્બર, 1947ની સામાન્ય સભાને પોતાનો રિપોર્ટ આપ્યો. આ રિપોર્ટમાં સમિતિએ મધ્યપૂર્વમાં યહૂદી રાષ્ટ્રની સ્થાપના માટે ધાર્મિક અને ઐતિહાસિક દલીલોનો સ્વીકાર કરી લીધો.
 
વર્ષ 1917ના બાલફોર ઘોષણાપત્રમાં બ્રિટિશ સરકારે યહૂદીઓને પેલેસ્ટાઇનમાં ‘રાષ્ટ્રીય ઘર’ આપવાની વાત માની લીધી હતી. આ ઘોષણાપત્રમાં યહૂદી લોકોના પેલેસ્ટાઇન સાથે ઐતિહાસિક સંબંધોને માન્યતા અપાઈ હતી અને આના જ આધાર પર પેલેસ્ટાઇનના વિસ્તારોમાં યહૂદી રાજ્યનો પાયો નંખાયો.
 
યુરોપમાં નાઝીઓના હાથે લાખો યહૂદીનો નરસંહાર પછી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એક અલગ યહૂદી રાષ્ટ્રને માન્યતા આપવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ વધવા લાગ્યું હતું.
 
આરબ લોકો અને યહૂદીઓ વચ્ચે વધતા તણાવને ઉકેલવામાં નિષ્ફળ રહ્યા બાદ બ્રિટને આ મુદ્દા સંયુક્ત રાષ્ટ્રના વિચાર માટે મૂક્યા હતા.
 
29 નવેમ્બર 1947ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પેલેસ્ટાઇનના વિભાજનની યોજના મંજૂર કરી દીધી.
 
તેમાં એક આરબ દેશ અને યહૂદી રાજ્યની રચનાની ભલામણ કરવામાં આવી અને સાથે જ જેરુસલેમ માટે એક વિશેષ વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી.
 
આ યોજનાને યહૂદીઓએ સ્વીકાર કરી લીધી પરંતુ આરબ લોકોએ ફગાવી દીધી. તેઓ તેને પોતાની ભૂમિ ખોઈ દેવા જેવું માનતા હતા. આ કારણને લીધે સંયુક્ત રાષ્ટ્રની યોજના ક્યારેય લાગૂ ન થઈ શકી.
 
પેલેસ્ટાઇન પર બ્રિટનનું નિયંત્રણ સમાપ્ત થયાના એક દિવસ પહેલાં 14 મે, 1948ના રોજ સ્વતંત્ર ઇઝરાયલની રચનાની જાહેરાત કરાઈ. ત્યાર બાદ આગલા દિવસે ઇઝરાયલે સંયુક્ત રાષ્ટ્રની સદસ્યતા માટે અરજી કરી અને એક વર્ષ પછી તેને મંજૂરી મળી ગઈ. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોમાં 83 ટકા દેશ ઇઝરાયલને માન્યતા આપી ચૂક્યા છે. ડિસેમ્બર, 2019 સુધી 193 દેશોમાં 162એ ઇઝરાયલને માન્યતા આપી દીધી છે.
 
બે પેલેસ્ટાઇન ક્ષેત્ર કેમ છે?
 
પેલેસ્ટાઇન પર સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને રિપોર્ટ આપવામાં આવ્યો હતો, તેમાં ભલામણ થઈ હતી કે આરબ રાષ્ટ્રમાં વેસ્ટર્ન ગૅલી (સમારિયા અને જ્યુડિયાનો પહાડી વિસ્તાર) સામેલ કરવામાં આવે.
 
સમિતિએ જેરુસલેમ અને ઇજિપ્તની સરહદવાળા ઇસ્દુદના તટીય મેદાનને તેનાથી બહાર રાખવાની ભલામણ કરી હતી.
 
પરંતુ આ ક્ષેત્રના વિભાજનને વર્ષ 1949માં ખેંચવામાં આવેલી આર્મીસ્ટાઇસ રેખાથી પરિભાષિત કરવામાં આવી. આ રેખા ઇઝરાયલની રચના અને પ્રથમ આરબ-ઇઝરાયલ યુદ્ધ પછી ખેંચવામાં આવી હતી.
 
પેલેસ્ટાઇનના બે ક્ષેત્ર છે. વેસ્ટ બૅન્ક (જેમાં પૂર્વીય જેરુસલેમ સામેલ છે) અને ગાઝા પટ્ટી. આ બંને ક્ષેત્રો એકબીજાથી 45 કિલોમીટરના અંતર પર છે. વેસ્ટ બૅન્કનું ક્ષેત્રફળ 5970 વર્ગ કિલોમીટર છે તો ગાઝા પટ્ટીનું ક્ષેત્રફળ 365 વર્ગકિલોમીટર છે.
 
વેસ્ટબેન્ક જેરુસલેમ અને જૉર્ડનના પૂર્વીય વિસ્તાર વચ્ચે પડે છે. જેરૂસલેમને પેલેસ્ટાઇન પક્ષ અને ઇઝરાયલ બંને પોતાની રાજધાની ગણે છે.
 
ગાઝા પટ્ટી 41 કિલોમીટર લાંબો વિસ્તાર છે જેની પહોળાઈ 6થી 12 કિલોમીટર વચ્ચે છે.
 
ગાઝાની 51 કિલોમીટર લાંબી સરહદ ઇઝરાયલને સ્પર્શે છે, 7 કિલોમિટર ઇજિપ્ત સાથે અને 40 કિલોમીટર ભૂમધ્ય સાગરનો કાંઠા વિસ્તાર છે.
 
ગાઝા પટ્ટીને ઇઝરાયલે વર્ષ 1967ની લડાઈમાં પોતાના નિયંત્રણમાં લઈ લીધી હતી. વર્ષ 2005માં ઇઝરાયલે પોતાનો કબજો છોડી દીધો. પરંતુ ઇઝરાયલ ગાઝા પટ્ટીથી લોકો, સામાન અને સેવાઓની અવરજવરને હવા, જમીન અને સમુદ્ર એમ દરેક રીતે નિયંત્રિત કરે છે.
 
હાલ ગાઝા પટ્ટી હમાસના નિયંત્રણવાળો વિસ્તાર છે. હમાસ ઇઝરાયલનું સશસ્ત્ર જૂથ છે જે પેલેસ્ટાઇનના અન્ય જૂથો સાથે ઇઝરાયલની સમજૂતીને માન્યતા નથી આપતું.
 
એનાથી ઊલટું, વેસ્ટ બૅન્ક પર પેલેસ્ટાઇન નેશનલ ઑથોરિટીનું શાસન છે. પેલેસ્ટાઇન નેશનલ ઑથોરિટીને આંતરરાષ્ટ્રીય સમુદાય પેલેસ્ટાઇનની સરકારના રૂપમાં માન્યતા આપે છે.
 
પહેલા વિશ્વ યુદ્ધ પછી મધ્ય પૂર્વમાં ઑટોમન સામ્રાજ્યના અંત થયા પછી આ વિસ્તાર બ્રિટિશરોના કબજામાં ગયો.
 
અહીં મોટાભાગે યહૂદી અને આરબ સમુદાયના લોકો રહે છે. બંનેમાં તણાવ વધ્યો જ્યાર પછી બ્રિટિશ શાસકોએ અહીં યહૂદીઓ માટે પેલેસ્ટાઇનમાં ‘અલગ જમીન’ બનાવવાની વાત કરી. યહૂદી આ વિસ્તારને પોતાના પૂર્વજોની ભૂમિ માને છે. તેના પર આરબ સમુદાય પણ પોતાનો દાવો કરે છે. પરિણામ એ આવ્યું કે બંને વચ્ચે તણાવ વધવા લાગ્યો.
 
1947માં સંયુક્ત રાષ્ટ્રએ પેલેસ્ટાઇનને બે ભાગમાં વિભાજિત કરવાના નિર્ણય પર મહોર મારી. એક ભાગ યહૂદીઓનો બીજો અરબ સમુદાયનો.
 
આરબ વિરોધ વચ્ચે 14 મે 1948ના રોજ યહૂદી નેતાઓએ ઇઝરાયલ રાષ્ટ્રના ગઠનની જાહેરાત કરી અને બ્રિટિશરો અહીંથી ચાલ્યા ગયા.
 
તેના તુંરત બાદ પ્રથમ ઇઝરાયલ-આરબ યુદ્ધ થયું જેના કારણે સાડા સાત લાખ પેલેસ્ટાઇનવાસીઓ બેઘર થઈ ગયા.
 
આ યુદ્ધ પછી સમગ્ર ક્ષેત્રને 3 ભાગમાં વિભાજિત કરાયો – ઇઝરાયલ, વેસ્ટ બૅન્ક (જૉર્ડન નદીનો પશ્ચિમ કિનારો) અને ગાઝા પટ્ટી.
 
પેલેસ્ટાઇનની વસ્તી ગાઝા પટ્ટી અને વેસ્ટ બૅન્કમાં રહે છે. લગભગ 25 માઇલ લાંબી અને 6 માઇલ પહોળી ગાઝા પટ્ટી 22 લાખ લોકોની વસ્તી ધરાવે છે. વસ્તીની દૃષ્ટિએ આ દુનિયાનો સૌથી ગીચ વિસ્તાર છે.
 
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સંઘર્ષ હજુ સુધી ચાલુ છે. ઇઝરાયલનું લક્ષ્ય વિશ્વના મંચ પર યહૂદી રાષ્ટ્ર તરીકે માન્યતા મેળવવાનું છે. જ્યારે પેલેસ્ટાઇન આનો વિરોધ કરી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર