કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના મંત્રીઓના ઈશારે ચાલી રહ્યા હોવાની પક્ષમાં ફરિયાદ
બુધવાર, 26 ફેબ્રુઆરી 2020 (11:35 IST)
કોંગ્રેસમાં કકળાટ શમવાનું નામ નથી લેતો. તાજેતરમાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ કથિત રીતે કોંગ્રેસના જ તેમના સાથી નેતા શક્તિસિંહ ગોહિલ પર ટ્વિટર પર ટ્વિટ કરીને વ્યંગ્ય કર્યો હતો. આ ટ્વિટ જબરદસ્ત ચર્ચાઓનો માહોલ બની હતી. હવે જ્યારે ગુજરાતનું બજેટ રજુ થવા જઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસમાં ફરીવાર એક નવા કકળાટે જન્મ લીધો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે વિધાનસભાના બજેટ સત્ર પહેલા કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે, આપણા ધારાસભ્યો જ ભાજપ સરકારને અને મંત્રીઓને પક્ષની રણનીતિ વિધાનસભા ગૃહમાં કઇ હશે તે પહોંચાડે છે. ધારાસભ્યના આક્ષેપને બેઠકમાં હાજર અન્ય ધારાસભ્યો અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે ટેકો આપતા બેઠકમાં સોપો પડી ગયો હતો. ધારાસભ્યોએ કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની રણનીતિ શાસક પક્ષ આગળ ખુલ્લી પાડી દે છે. આથી સરકાર અગાઉથી સાવધ થઈ જાય છે. છેવટે આવું થવું ન જોઇએ તે બાબતે પક્ષના ટોચના નેતાઓએ ટકોર કરી હતી.