હવેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દારૂ-જુગારના અડ્ડા પર રેડ પાડે તો તપાસ સ્થાનિક પોલીસ નહીં કરે

સોમવાર, 9 માર્ચ 2020 (11:05 IST)
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હવે રાજ્યભરમાં ગમે ત્યાં દારૂ - જુગારની રેડ પાડવામાં આવશે તો તેના કેસની તપાસ પણ હવેથી મોનિટરિંગ સેલ દ્વારા જ કરવામાં આવશે. બુટલેગરો-જુગારના સંચાલકોની સાથે સ્થાનિક પોલીસની મિલી ભગત છે કે નહીં તેની તપાસ પણ હવેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જ કરવામાં આવશે. પોલીસ મહાનિરીક્ષક નરસિમ્હા કોમરે તમામ શહેર પોલીસ કમિશનર, રેન્જ ડીઆઈજી અને જિલ્લા ડીએસપીને પરિપત્ર કરીને જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં ક્યાંય પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ-જુગારની રેડ પાડવામાં આવી હોય તો તેવા કેસના કાગળો મોનિટરિંગ સેલની કચેરીમાં મોકલી આપવી. રેડ દરમિયાન કસૂરવાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરાયા હોય તો તેવા કેસોની તપાસ પણ મોનિટરિંગ સેલમાં મોકલી આપવી. આગામી દિવસોમાં દારૂ-જુગારના રેડની તમામ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ જ કરશે. મોનિટરિંગ સેલ દારૂનો કેસ કરીને મુદ્દામાલ અને આરોપીને સ્થાનિક પોલીસને સોંપી દેતા હતા. જોકે તે બુટલેગર સાથે સ્થાનિક પોલીસને સાંઠગાંઠ હોવાથી દારૂના કેસમાં પોલીસ સપ્લાયર તેમજ દારૂ બનાવનારા સુધી પહોંચી જતી હતી. પરંતુ તેમને પકડવાની કે તેમની સામે કાર્યવાહી કરતી ન હતી. જેના કારણે ઘણા બધા ગુનાઓમાં પોલીસ જડમૂળ સુધી પહોંચી જ નથી. છેલ્લાં અઢી વર્ષમાં રાજ્યમાં દારૂ-જુગારના અડ્ડાઓ ઉપર 100 જેટલા દરોડા પડાયા હતા, જેમાંથી ડીજીપી દ્વારા 60 જેટલા પીઆઈ - પીએસાઈને અત્યાર સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર