સૌથી મોંઘી ક્રીમ ત્વચાને અંદરથી તંદુરસ્તી નથી બનાવતી
P.R
સંશોધકોએ પોતાના એક અભ્યાસમાં જણાવ્યું છે કે સૌથી મોંઘી ક્રીમ પણ ત્વચાની અંદર જઇને તેને તંદુરસ્ત નથી બનાવી શકતી. ઉલ્લેખનીય છે કે અનેક બ્યુટી પ્રોડક્ટ્સ બનાવનારી કંપનીઓ આવો દાવો કરે છે જે આપણે વિવિધ જાહેરાતોમાં નિહાળીએ છીએ.
'ડેલી મેલ'ના સમાચાર અનુસાર, બાથ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જાણ્યું કે ફાર્માસ્યુટિકલ બ્રાન્ડ્સનો દાવો છે કે તેમના ઉત્પાદનોમાં રહેલા નેનો પાર્ટિકલ(બહુ સૂક્ષ્મ કણ) ત્વચામાં અંદર સુધી પહોંચી જાય છે તે એકદમ ખોટું છે.
સંશોધનમાં એ વાત સામે આવી છે કે સૂક્ષ્મત: નેનો પાર્ટિકલ પણ ત્વચાના બાહ્ય આવરણને પણ પાર નથી કરી શકતા. ક્રીમ સામાન્યપણે ચહેરાની કરચલીઓ કે પછી છિદ્રોમાં ભરાઇ જાય છે અને ત્વચાના અંદરના ભાગમાં કોઇ પોષક તત્વ નથી પહોંચાડતા.
સંશોધનનું નેતૃત્વ કરનારા ફાર્માસ્યુટિકલ સાયન્સના પ્રોફેસર રિચર્ડ ગાઇનું કહેવું છે, "પહેલા કેટલાંક સંશોધનોમાં એ કહેવામાં આવ્યું છે કે નેનો પાર્ટિકલ ત્વચાની અંદર પ્રવેશી જાય છે પણ અમારા પરિણામ એ દર્શાવે છે કે તે ત્વચાના ઊંડા છિદ્રોમાં જઇને ફસાઇ જાય છે." તેમણે કહ્યું, "ત્વચાનું કામ આપણા શરીરમાં જોખમી રસાયણોના પ્રવેશને રોકવાનું અને શરીરની અંદરથી થનારા જળના નુકસાનને રોકવાનું છે. અમારા અભ્યાસમાં માલુમ પડ્યું છે કે તે(ત્વચા) પોતાનું કામ યોગ્ય રીતે કરી રહી છે."
વૈજ્ઞાનિકોએ માનવ કેશ કરતા સોગણા નાના કણ સાથે આ અભ્યાસ કર્યો. કેટલાંક સનસ્ક્રીન અને ફાર્માસ્યુટિકલલ ક્રીમમાં આટલાં જ સૂક્ષ્મ કણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સંશોધનના પરિણામ 'જર્નલ ઓફ કન્ટ્રોલ્ડ રિલીઝ'માં પ્રકાશિત થયા છે.