AMCમાં આયોજનનો અભાવ, ધો.12ના પરિણામ બાદ ન રખાયો સન્માન સમારોહ, વિદ્યાર્થીઓ ટાગોર હોલ આવી પરત ફર્યા

બુધવાર, 31 મે 2023 (12:45 IST)
Honor ceremony not held after 12th result
 ગુજરાતમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે ધો.12 સાયન્સ અને ધો.10ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે ધો. 12 સા.પ્રના વિદ્યાર્થીઓ સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવ્યું છે. આજે 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તો રાખવામાં જ આવ્યો નથી. AMC અને મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે. 
 
વિદ્યાર્થીઓ નિરાશ થઈને પરત ફર્યા 
અગાઉ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને સમયસર જાણ ન કરતા વિદ્યાર્થીઓ આવી શક્યા નહોતા ત્યારબાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં સ્થળ જ બદલી નાખ્યું હતું. જ્યારે હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ જ યોજવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓ પાલડી સંસ્કાર કેન્દ્ર પર સન્માન થશે તેવી આશા સાથે આવ્યા હતા બાદમાં નિરાશ થઈને પરત ફર્યા હતાં. આ અંગે મેયર કિરીટ પરમારે મીડિયાને જણાવ્યું હતું કે અમે કોઈ વિદ્યાર્થીઓને બોલાવ્યા નથી. વિદ્યાર્થીઓ એમની રીતે આવ્યા છે.બધા વિદ્યાર્થીઓને ન્યાય મળે એ રીતે આયોજન કરીશું. 
 
આગામી સમયે નવો કાર્યક્રમ રાખવામાં આવશે.
મેયરે વધુમાં ઉમેર્યું હતું કે, થોડા વિદ્યાર્થીઓના સન્માનમાં અન્ય વિદ્યાર્થીઓ રહી ના જાય એવો અમારો પ્રયત્ન છે.અમે ધોરણ 10 અને 12 સાયન્સના બાળકોનું સન્માન કર્યું છે સામાન્ય પ્રવાહનું ક્યારેય નથી કરતા. આ વિદ્યાર્થીઓ માટે આગામી સમયે નવો કાર્યક્રમ રાખવામાં આવશે. આ અંગે વિદ્યાર્થીઓ સાથે આવેલા શિક્ષકે જણાવ્યું હતું કે અમે સવારે 10 વાગે આવી ગયા હતા.દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓને લઈને આવીએ છીએ.છોકરારોને પ્રોત્સાહન મળે તે માટે કાર્યક્રમ યોજાય છે પરંતુ આજે કોઈ આયોજન નથી. સરકારમાં કામ વધારે હશે અથવા વ્યસ્ત હશે પરંતુ સન્માન થવું જરૂરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર