ડ્રાઇવીંગ લાઈસન્સ પ્રથાને વધુ અસરકારક બનાવતા હવે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. જે અંતર્ગત હવેથી ડ્રાઈવિંગ લાઈસન્સમાં વ્યક્તિનો ઈમરજન્સી મોબાઈલ નંબર પણ પ્રિન્ટ થયેલો જોવા મળશે.સુત્રોના જણાવ્યા પ્રમાણે ડ્રાઇવીંગ લાયસન્સમાં ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર આપવાની યોજના ઝડપથી અમલમાં મુકી દેવાશે.આ યોજનાનો પ્રારંભ અમદાવાદના આરટીઓ ખાતેથી કરાશે, જેમાં સફળતા મળ્યા બાદ તબક્કાવાર અન્ય આરટીઓમાં પણ તેનો અમલ કરાશે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ, ઇમરજન્સી મોબાઇલ નંબર સાથેના લાઈસન્સ માટે નવા સ્માર્ટકાર્ડ મંજુર કરવામાં આવ્યા છે. અમદાવાદ આરટીઓ દ્વારા નવા લાઈસન્સ તથા લાઈસન્સમાં સુધારા વધારા વખતે અરજદારે ફરજીયાતપણે મોબાઈલ નંબર અથવા ઘરનો લેન્ડલાઈન નંબર આપવાનો રહેશે.
જો કે આ અગાઉ પણ ડ્રાઇવીંગ લાયસન્સમાં લેન્ડલાઇન નંબર પ્રિન્ટ કરવામાં આવતો હતો.જો કે હવે મોબાઇલ નંબર પ્રિન્ટ થવાને કારણે ઇમરજન્સી કેસમાં જે તે વ્યક્તિઓનો ત્વરિત સંપર્ત શક્ય બનશે.
સુત્રો જણાવે છે કે ડ્રાઇવીંગ લાયસન્સ અરજદારે પોતાના આધારકાર્ડની ઝેરોક્ષ પણ રજુ કરવાની રહેશે. આરટીઓ વિભાગનો દાવો છે કે, મોબાઇલ નંબર છાપવાની સુવિધાને કારણે ભવિષ્યમાં અકસ્માત સમયે જે તે વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે અને તેની ઓળખ થઈ શકશે, તેમજ લાઈસન્સ અંગેની કોઈપણ સમસ્યાનો મેસેજ મોબાઈલ પર મોકલી શકાશે. નવા લાઈસન્સ મેળવવા માટેના સુધારા વધારા અંતર્ગત આ નિર્ણયનો ફરજીયાતપણે અમલ કરવામાં આવશે. જેથી હવે કોઈપણ અરજદારે નવુ લાઈસન્સ કઢાવવા માટે અથવા તો લાઈસન્સ રીન્યુ કરતા સમયે પોતાનો ઈમરજન્સી નંબર લખવો પડશે. તેમજ ભવિષ્યમાં જ્યારે પણ લાઈસન્સધારક પોતાનો નંબર બદલે ત્યારે તેની જાણ આરટીઓ કચેરીને ફરજીયાત કરવાની રહેશે.