Video - વાપી રેલવે સ્ટેશન પર એક આધેડ ચાલતા ચાલતા રેલવે ટ્રેક ક્રોસ કરતાં પટકાયા, સામેથી ટ્રેન આવી

ગુરુવાર, 23 નવેમ્બર 2023 (13:13 IST)
vapi
વાપી રેલવે સ્ટેશન પર એક આધેડ ચાલતા ચાલતા રેલવે ટ્રેક ક્રોસ કરતાં તેઓ અચાનક ટ્રેક પર પટકાયા હતા. આ સમયે સામેથી સુરત-બાંદ્રા ટર્મિનસ ઇન્ટરસિટી ટ્રેન પહોંચી હતી. આ ઘટનાને લઈ સ્ટેશન પર ઉભેલા અન્ય યાત્રીઓએ બુમાબુમ કરી મુકી હતી. ત્યારે એક GRP જવાન દોડીને તાત્કાલીક આધેડની મદદ માટે પહોંચી ગયો હતો અને ટ્રેક પરથી આધેડને ખેંચી લઈને તેમનો જીવ બચાવ્યો હતો. પોતાના જીવની પરવા કર્યા વગર જવાને આધેડનો જીવ બચાવતાં લોકોએ પણ જવાનની બહાદુરીના વખાણ કર્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી. 

 
વાપી રેલવે સ્ટેશન ઉપર GRPની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ગઈકાલે સાંજે પ્લેટફોર્મ નંબર 2નો રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા એક આધેડ ટ્રેક ઉપર પટકાયા હતા. આ દરમિયાન સુરત -બાંદ્રા ટર્મિનસ ઇન્ટરસિટી ટ્રેન પણ પહોંચી હતી અને સહેજ દૂર હતી. એક બાજુ આધેડ પ્લેટફોર્મ પર નીચે પડેલા હતા અને બીજી બાજુ સામેથી સુરત-બાંદ્રા ટર્મિનસ ઈન્ટરસિટી ટ્રેન આવી રહી હતી. જેથી અન્ય યાત્રીઓએ આ આધેડને બચાવવા માટે બુમાબુમ કરી મુકી હતી. 
 
આ દરમિયાન GRP જવાન હીરાભાઈ મેરૂભાઈનું ધ્યાન જતાં જ તેઓ દોડીને આધેડની મદદ માટે પહોંચ્યા હતાં. તેમણે પોતાના જીવને જોખમમાં મૂકીને આધેડને રેલવે ટ્રેક ઉપરથી ખેંચીને સુરક્ષીત સ્થળે ખસેડ્યા હતાં. GRP જવાનની બહાદુરી વાપી રેલવે સ્ટેશને લાગેલા CCTVમાં કેદ થઈ હતી. આધેડનો જીવ બચાવતા વાપી રેલવે સ્ટેશને ઉભેલા રેલવે યાત્રીઓએ GRP જવાન હીરાભાઈ મેરુભાઈને તેમની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યાં હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર