નોટબંધી ઉત્તરાયણમાં નડી- પતંગનું માર્કેટ સાવ ફિક્કુ

સોમવાર, 26 ડિસેમ્બર 2016 (13:00 IST)
નોટબંધી બાદ અમદાવાદ સહિત રાજ્યના અનેક ગૃહ ઉદ્યોગો અને નાના ઉદ્યોગોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉત્તરાયણ ગુજરાત માટે એક એવો તહેવાર છે, જેને દરેકમાં ઉમંગ જોવા મળે છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) દ્વારા કાચથી ઘસવામાં આવેલા માંજા પર વચગાળાનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.  એનજીટીના આ નિર્ણય બાદ પતંગરસિયાઓમાં નારાજગી છે. અધૂરામાં પૂરું નોટબંધીના ગ્રહણને લીધે અમદાવાદમાં પતંગનું વેચાણ હજુ ૨૦ ટકા પણ થયું નથી. આમ, આ તમામ પરિબળોને લીધે આ વખતની ઉતરાયણ ફિક્કી બની રહે તેવી પૂરી આશંકા ઘેરી બની ગઇ છે. આ અંગે જમાલપુર ખાતેના જથ્થાબંધ પતંગના વેપારીએ જણાવ્યું કે 'દિવાળી પછી તુરંત જ પતંગબાજીની શરૃઆત થઇ જાય છે અને પતંગના ઓર્ડર આવવાના શરૃ થઇ જાય છે. ઓર્ડર પ્રમાણે કારીગરોની રોજગારી પણ વધતી જાય છે. પરંતુ આ વખતે દિવાળી બાદ તુરંત જ નોટબંધીનો નિર્ણય જાહેર કરવામાં આવતા પતંગ તૈયાર કરતા કારીગર પણ બેરોજગાર જેવી સ્થિતિમાં છે. સામાન્ય રીતે ઉતરાયણ અગાઉ પતંગ બનાવતા કારીગરો દિવસના રૃપિયા ૫૦૦ કે તેથી વધુની કમાણી કરે છે. પરંતુ આ વખતે આ કારીગરો દિવસના ૨૦૦ રૃપિયા પણ માંડ કમાઇ શકે છે. બેંકમાંથી પૂરતી રોકડ પણ મળતી નથી ત્યારે લોકો પ્રાથમિક જરૃરિયાત જ પૂરી કરે પતંગની ખરીદી કરવાનું માંડી વાળે તે સ્વાભાવિક છે. બીજી તરફ એનજીટી દ્વારા કાચથી ઘસવામાં આવેલા માંજા સાથે પતંગ ચગાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દર વર્ષે ઉતરાયણ દરમિયાન આ પ્રકારની દોરીથી નિર્દોષ અનેક પક્ષીઓને જીવ ગુમાવવો પડતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

વેબદુનિયા પર વાંચો