આજથી સચિવાલયમાં પ્રવેશ પાસ દ્વારા નાગરિકોને અપાશે પ્રવેશ, કોરોના ગાઇડલાઇન SOPનું કરવું પડશે પાલન

મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (12:59 IST)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો, સામાન્ય પ્રજાજનો, મંત્રીશ્રીઓ, અધિકારીઓને પોતાના કામકાજ માટે સરળતાએ મળી શકે તેવા પ્રજાહિતકારી અભિગમથી નવા સચિવાલય સંકુલ, સ્વર્ણિમ સંકુલ-૧,ર માં પ્રવેશ પાસ મેળવી મુલાકાતી પ્રવેશની પદ્ધતિ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 
 
ભુપેન્દ્ર પટેલે સામાન્ય પ્રજાવર્ગો-નાગરિકો કોઇપણ હાલાકી વિના સરળતાએ મંત્રીઓ, સરકારી અધિકારીઓને મળી શકે તેવા ઉદાત્ત ભાવથી આ નિર્ણય કરેલો છે. મુખ્યમંત્રીના દિશાનિર્દેશનમાં રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે આ અંગેની સૂચનાઓ જારી કરતા પરિપત્રમાં જણાવ્યું છે કે મંગળવાર તા.ર૧ સપ્ટેમ્બર-ર૦ર૧થી કામકાજના દિવસો દરમ્યાન નવા સચિવાલય સંકુલમાં રાબેતા મુજબ પ્રવેશ આપવામાં આવશે. 
 
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણના પરિણામે માર્ચ-ર૦ર૦થી નવા સચિવાલય સંકુલમાં મુલાકાતી પ્રવેશ પર મુકવામાં આવેલા આ નિયંત્રણો હવે કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં દૂર કરવાનો નિર્ણય કર્યો છે.
 
તદઅનુસાર, મંગળવાર તા.ર૧મી સપ્ટેમ્બરથી નવા સચિવાલયના ગેટ નં-૧ અને ગેટ નં-૪ મારફતે મુલાકાતીઓ-નાગરિકોને પ્રવેશ પાસ થકી પ્રવેશ આપવામાં આવશે. એટલું જ નહિ, પ્રવેશ મેળવનારા નાગરિકો-મુલાકાતીઓને માસ્ક/ફેઇસ કવર પહેરવા તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા SOP નું પાલન જાહેર હિતમાં કરવા પણ અપીલ કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર