વિજય રૂપાણીએ એમ પણ કહ્યું કે, ગુજરાત ભારતમાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ મેળવનારા રાજ્યોમાં અગ્રેસર છે. એટલું જ નહિ, ગુજરાતના FDI ઇનફલોમાં સિંગાપોર બીજો ક્રમ ધરાવતું રાષ્ટ્ર છે.
મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં ચર્ચા-વિચારણા દરમ્યાન સિંગાપોર હાઇકમિશનર સિમોન વોંગે પણ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગિફટ સિટીમાં સિંગાપોર સ્ટોક એકસચેન્જ શરૂ થવાના પરિણામે સિંગાપોરના અન્ય આનુષાંગિક (સબસીડીયરી) એકમોને પણ નવું બળ મળશે.
સિમોને સિંગાપોરની કંપનીઝ-ઊદ્યોગ એકમોના રોકાણોની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં ગત નાણાંકીય વર્ષમાં સિંગાપોર દ્વારા ૧ યુ.એસ. બિલિયન ડોલર્સનું FDI રાજ્યમાં કરવામાં આવેલું છે. સિંગાપોરની કેટલીક ખ્યાતનામ-પ્રતિષ્ઠિત કંપનીઝ જેમાં રીન્યુએબલ એનર્જી સેકટરમાં ગ્લોબલ લિડર એવી સેમ્બકોર્પ ઇન્ડસ્ટ્રીઝ કચ્છમાં રિન્યુએબલ (વિન્ડ) એનર્જીનો પ્રોજેકટ કમિશન્ડ કર્યો છે તેની પણ વિગતો આપી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની વાતચીતમાં સિંગાપોર હાઇકમિશનરે એમ પણ જણાવ્યું કે સિંગાપોરની વિવિધ કંપનીઝ ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ, હાઉસીંગ, ફિશરીઝ અને ફાયનાન્સીયલ સર્વિસીસ સેકટરમાં પણ રોકાણો માટે ઉત્સુક છે. સિમોને સિંગાપોર-ગુજરાત વચ્ચે બિઝનેસ ડેલિગેશનની મુલાકાત માટે પણ ઉત્સાહ દાખવ્યો હતો. આ હેતુસર સિંગાપોરના મિનીસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ તેમના ડેલિગેશનનું નેતૃત્વ કરશે.