મધરાત્રે અમરેલીમાં ભૂકંપના આંચકા, લોકો મીઠી નિંદ્રામાંથી ઉઠીને દોડ્યા
સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (09:29 IST)
છેલ્લા કેટલાક સમય ગુજરાતમાં ભૂકંપના આંચકાઓનું પ્રમાણ વધ્યું છે. એમાં ખાસકરીને કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. ત્યારે ફરી એકવાર અમરેલી જિલ્લામાં ફરી વખત ભૂકંપના આંચકો અનુભવાયો હતો. મોડી રાતે 3.3 ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. મોડી રાત્રે 1:42 મિનિટે હળવો આંચકો અનુભવાયો હતો.
ભૂકંપના આંચકા લીધે લોકોની ઉંઘ ઉડી ગઇ હતી અને ભરનિંદ્રામાંથી સફાળા જાગી હતા. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો. જોકે કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આ ભૂકંપના આંચકા ખાંભાના ભાડ, વકીયા, સાકરપરા, મિતિયાળા સહિતના ગ્રામયવિસ્તારોમા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
સીસ્મોલોજી વિભાગાન ડાયરેક્ટર જનરલ સુમેર ચોપરાએ અમરેલીના ભૂકંપના કારણો વિશે જણાવ્યું કે, હિમાલયની પ્લેટ સાથે ઈન્ડિયન પ્લેટ ટકરાતાં અમરેલીમાં ભૂકંપના આંચકા આવે છે. સૌરાષ્ટ્રમાં સિઝનલ એક્ટિવિટી આ આંચકા આવ્યા કરે છે. અમરેલીમાં આવેલા તમામ આંચકામાં 80 ટકા આંચકા એવા હતા, જેની તીવ્રતા 2 મેગ્નટ્યૂટથી ઓછી હતી. 13 ટકા કેસમાં 2 થી 2.2 ની તીવ્રતા હતી. તો 400 માંથી 5 આંચકા એવા છે જેની તીવ્રતા વધુ હતી. તેમાં પણ સૌથી વધુ તીવ્રતા 3.4 રેકોર્ડ થઈ છે. આમ, 86 ટકા આંચકા 2 થી ઓછી તીવ્રતાનો છે. તેથી તેમાં ચિંતાજનક કંઈ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ગુજરાતનું રાજકોટ હતું. ભૂકંપના આંચકા બપોરે એટલે કે 3.21 કલાકે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર રાજકોટથી લગભગ 270 કિમી ઉત્તર ઉત્તર પશ્ચિમ (NNW)માં હતું.
જણાવી દઈએ કે હૈદરાબાદમાં નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સિસ્મોલોજી વિભાગના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. એન. પૂર્ણ ચંદ્ર રાવે ચેતવણી આપી છે કે ભારતના ઉત્તરાખંડ પ્રદેશ અને પશ્ચિમ નેપાળના ભાગમાં કોઈપણ સમયે તુર્કી જેવો ભૂકંપ આવી શકે છે. . તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે 45000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ડૉ. રાવના જણાવ્યા અનુસાર, ખાસ કરીને ઉત્તરાખંડનો હિમાલય પ્રદેશ, જે પશ્ચિમ નેપાળને અડીને આવેલો છે, તે સિસ્મિક ઝોન 4ની શ્રેણીમાં આવે છે. જમીનની અંદર થઈ રહેલા ફેરફારોને કારણે આવા ભૂકંપ આવવાનું નિશ્ચિત છે, પરંતુ તેની તારીખ કે સમય મર્યાદા કહી શકાતી નથી.