ગાયનેક ડોક્ટર સગર્ભાની ગેરકાયદે સોનોગ્રાફી કરતાં ઝડપાયો
શુક્રવાર, 22 જૂન 2018 (12:12 IST)
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં મેટરનીટી ક્લીનીક ધરાવતા એક ગાયનેક ડોક્ટર સગર્ભાની ગેરકાયદે સોનોગ્રાફી કરતાં ઝડપાતા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ગુલાબનગર વિસ્તારમાં શિવમ મેટરનીટી હોસ્પિટલ ચલાવતા ડો. હિરેન કણઝારિયા જરૂરી ફોર્મ ભર્યા વગર સગર્ભા મહિલાઓની સોનોગ્રાફી કરતો હોવાની આરોગ્ય વિભાગને માહિતી મળી હતી. માહિતીના આધારે આરોગ્ય વિભાગે ધ્રોલની બે સગર્ભા મહિલાઓને શિવમ મેટરનીટી હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે મોકલી હતી. જયાં હાજર ડોક્ટરે સોનોગ્રાફી માટે 27 કોલમનું ફોર્મ એફ ભર્યા વગર જ નિયમ વિરૂદ્ધ સોનોગ્રાફી કરી પૈસા લઈ લીધા હતા. જેથી આરોગ્ય વિભાગના અધિકારીઓ કાર્યવાહી માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે, આરોગ્ય અધિકારીની ટીમ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ડોક્ટર પોતાની હોસ્પિટલને તાળું માળી રવાના થઈ ગયો હતો. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આરોગ્ય વિભાગે હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવા કાર્યવાહી કરી. ડોક્ટર હોસ્પિટલને તાળું મારી રવાના થઈ જતાં આરોગ્ય વિભાગે હોસ્પિટલને જ સીલ કરી દીધી. ગેરકાયદે સોનોગ્રાફી કરવાના મામલે ત્રણ વર્ષની સજા અને દસ હજાર રૂપિયા દંડની જોગવાઈ છે.