મોટા ત્રાસવાદી હુમલાને અંજામ આપવા માટે 4 આતંકી ભારતમાં ઘૂસ્યા હોવાના સેન્ટ્રલ આઈબીના રિપોર્ટના આધારે દેશભરની સુરક્ષા એજન્સીઓ અલર્ટ થઈ ગઈ છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર સીલ કરી દેવાઈ છે. એક અફઘાની ત્રાસવાદી અફઘાની નાગરિક પાસપોર્ટ - વિઝા સાથે ભારતમાં ઘૂસ્યો હોવાના સંદેશાના પગલે દેશભરના એરપોર્ટને એલર્ટ કરી દેવાયા છે.
દેશભરમાં હાઈ અલર્ટ કરાયું છે ત્યારે ગુજરાત અને રાજસ્થાન પોલીસના રાજ્ય પોલીસ વડા અને કેન્દ્ર સરકારે અલર્ટ જારી કર્યું છે. તો ગુજરાત એટીએસે તમામ પોલીસને અલર્ટ કરી દીધી હતી અને ત્રાસવાદીનો સ્કેચ પણ દેશભરની તમામ સુરક્ષા એજન્સીઓને મોકલી દેવાયો છે. ભારત સામે આતંક ફેલાવા આઈએસઆઈ અને જૈશ-એ-મહંમદ એક થયું છે.
જૈશ-એ-મહંમદના ઓપરેશનલ કમાન્ડરના આતંકી હુમલાની જવાબદારી આપવામાં આવી છે. અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર રતનપુર ચેકપોસ્ટ પર રાજ્ય પોલીસવડાની સૂચનાના આધારે બે ચેક પોસ્ટ ઊભી કરી ઠેરઠેર ચેકિંગ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે. બુલેટપ્રુફ જેકેટ સાથે એસઆરપી જવાન તૈનાત કરાયા છે. જ્યારે બનાસકાંઠાની રાજસ્થાન સરહદે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પણ સુરક્ષા વધારી દેવાઇ છે.
અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર એસઆરપીના 30 જવાનો, 1 એસઆરપી પીએસઆઇ જયારે 10 પોલીસ જવાનોને બુલેટપ્રુફ જેકેટ સાથે તૈનાત કરી દેવામાં આવ્યા છે. જ્યારે કચ્છના લખપત તાલુકાના ઘડુલી ગામે આવેલી બોર્ડર પર પોલીસ સહિત એસઆરપીના જવાનો દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત ચેકપોસ્ટ ઊભી કરી વાહનોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આતંકી હુમલાના ઇનપુટને પગલે સમગ્ર કચ્છની પોલીસ સતર્ક થઈ ગઈ છે.